Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘ -સી.એમ. પૌષધશાળામાં ગુરૂ પૂર્ણિમા ઉજવાઇ : ચાતુર્માસ પ્રારંભ

આદર્શ યોગીની પૂ. પ્રભાબાઇ મહાસતીજી આદીની નિશ્રામાં ભવ્ય આયોજન : પૂ. સાધુ-સાધ્વીજીના સાનિધ્યમાં સામૂહિક ચાતુર્માસના સ્મૃતિ અંક ર૦૧૮નું વિમોચન

રાજકોટ, તા.૧૬ : ગોંડલ સંપ્રદાયના પ્રાણ પરિવારના તપસમ્રાટ પૂ. શ્રી રતિલાલજી મહારાજ સાહેબ એવમ અપર્વશ્રુત આરાધિકા પૂ. લીલમબાઇ મહાસતીજી આજ્ઞાનુંવર્તિ સુશિષ્યા આદર્શયોગિની પૂ. પ્રભાબાઇ મહાસતીજી, સાધ્વીરત્ના પૂ. વનિતાબાઇ મહાસતીજી, સાધ્વીરત્ના પૂ. દિક્ષિતાબાઇ મહાસતીજી, સાધ્વીરત્ના પૂ. રાજેમતિબાઇ મહાસતીજી, સાધ્વીરત્ના પૂ. સુનિતાબાઇ મહાસતીજી, સાધ્વીરત્ના પૂ. રેણુકાબાઇ મહાસતીજી, સાધ્વીરત્ના પૂ. શ્વેતાંસીબાઇ મહાસતીજી આદી ઠાણા-૭ના સાનિધ્યમાં ગુરૂ પૂર્ણિમા નિમિત્તે શ્રી રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘ-સી.એમ. પૌષધશાળાના આંગણે ભવ્ય ચાતુર્માસનો પ્રારંભ થયો તેમજ ગઇકાલથી ૪ મહિના સુધી સવારે ૯:૧પથી ૧૦:૧પ રોજબરોજ વ્યાખ્યાન તથા તપ-જપ ચાલી રહ્યા છે. આજે ગુરૂ પૂર્ણિમાના પવિત્ર દિવસે ચોમાસાની પાખીના આયોજનમાં 'સામૂહિક ચાતુર્માસના સ્મૃતિ અંક'નું વિમોચન રોયલ પાર્કના ટ્રસ્ટી મંડળ, યુવા મંડળ તથા રોયલ પાર્ક મહિલા મંડળ વિગેરે મહાનુભાવોના હસ્તે કરવામાં આવેલ. વ્યાખ્યાન બાદ જાપ ત્રિરંગી સામાયિક અને  સાંજે ૭ વાગે પ્રતિક્રમણનું આયોજન રાખવામાં આવેલ છે. ભારતભરમાં પહેલીવાર અનુપૂર્વી આરાધનાનું ૩પ દિવસનું તપ-જપ-આરાધના સદાનંદી, પૂ. સુમતિબાઇ મહાસતીજીની પ્રેરણાથી કરવામાં આવેલ છે. જેમાં બહોળી સંખ્યામાં આરાધકો જોડાયા છે. સંઘપ્રમુખ ચંદ્રકાંતભાઇ શેઠ, ટ્રસ્ટીશ્રીઓ અશોકભાઇ મોદી, ટી.આર. દોશી, સુરેશભાઇ કામદાર, માણેકભાઇ જૈન તથા નીતિનભાઇ દોશી અને મહિલા મંડળના બહેનોના હસ્તે સામૂહિક ચાતુર્માસ સ્મૃતિ અંક-ર૦૧૮નું વિમોચન કરવામાં આવેલ હતું.

(3:44 pm IST)