Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

ગાંધીગ્રામ લાખના બંગલા પાસે ભોમેશ્વરના ઋતુરાજસિંહ ગોહિલને અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકયાઃ ગંભીર

પાનની દૂકાને ઉભેલ ત્યારે ડખ્ખોઃ કોણ ઘા કરી ગયું તે અંગે પોતે અજાણઃ અમદાવાદ સારવાર માટે ખસેડાયોઃ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્યોઃ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવા કવાયતઃ અગાઉ પણ હુમલો થયો હતો

રાજકોટ તા. ૧૬: ભોમેશ્વર વાડીમાં રહેતાં દરબાર યુવાન પર મોડી રાત્રે ગાંધીગ્રામ લાખના બંગલા પાસે અજાણ્યા શખ્સોએ છરીથી હુમલો કરી આડેધડ હાથ-પગ-પડખામાં ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા થતાં સિવિલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવ્યો છે. કોણે અને શા માટે હુમલો કર્યો? તે અંગે આ યુવાન અજાણ હોઇ પોલીસ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવા કવાયત કરી રહી છે. જાણવા મળ્યા મુજબ ભીસ્તીવાડ-૫માં રહેતાં અને છુટક ડ્રાઇવીંગ કરતાં ઋતુરાજસિંહ જગદીશસિંહ ગોહિલ (ઉ.૨૩)ને રાત્રીના કોઇપણ સમયે ગાંધીગ્રામ લાખના બંગલા પાસે યશ પાન નજીક અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી દેતાં તે બેભાન જેવી હાલતમાં ત્યાં જ પડી ગયેલ. વહેલી સવારે દૂકાનદાર આવતાં તેણે આ દ્રશ્ય જોતાં પોલીસને જાણ કરી હતી. ઘાયલ યુવાન ઋતુરાજસિંહ હોઇ અને અહિ લગભગ દરરોજ આવતાં-જતાં હોઇ તેના પરિવારજનોને જાણ કરતાં તેના ભાઇ સહિતના લોકો પહોંચ્યા હતાં અને તેને સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતાં.

હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને રાજદિપસિંહે જાણ કરતાં ગાંધીગ્રામના પીએસઆઇ વી. સી. પરમારે હોસ્પિટલે પહોંચી ઋતુરાજસિંહના પિતાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવા કાર્યવાહી કરી હતી.

ઋતુરાજસિંહ બે ભાઇમાં નાના અને અપરિણીત છે. તે છુટક ડ્રાઇવીંગ કરે છે. સવારે ભાનમાં આવેલા ઋતુરાજસિંહને કોણે અને શા માટે હુમલો કરાયો? તે અંગે પુછાતાં તેણે રાત્રે પોતે નશામાં હોઇ કોણ ઘા કરી ગયું તેની ખબર નહિ હોવાનું કહ્યું હતું. તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં રિફર કરાયા છે. સાથેના મિત્રોના કહેવા મુજબ અગાઉ પણ આ રીતે કોઇએ હુમલો કર્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ હાથ ધરી છે. (૧૪.૫)

પાનના ધંધાર્થી વહેલી સવારે આવ્યા ત્યારે ઋતુરાજસિંહ લોહીલુહાણ જોવા મળ્યો

. યશ પાનવાળા દૂકાનદાર વહેલી સવારે આવ્યા ત્યારે ઋતુરાજસિંહ દૂકાન નજીક લોહીલુહાણ પડ્યા હોઇ તેણે પોલીસને જાણ કરી હતી. એ દરમિયાન ઋતુરાજસિંહના ભાઇ શકિતસિંહ સહિતના પણ પહોંચ્યા હતાં અને તેને હોસ્પિટલે ખસેડેલ.

(3:22 pm IST)