Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

સદ્ગુરૂ તમે તારણ હાર... ગુરૂપૂજન કરી શિષ્ય સમુદાય ધન્ય

'' ગુરૂ ઐસા કીજીયે જૈસે સુરજ ચાંદ, તેજ કરે પર તપે નહીં આપે ઉર આનંદ '' : ગુરૂપૂર્ણિમાની પાવનકારી ઉજવણી : ગુરૂઆશ્રમ અને ગુરૂ ગાદીઓ પર પૂજન અર્ચન અને વંદના : રાત્રે ભજન સત્સંગના કાર્યક્રમો

ગુરૂના ચરણોમાં વંદન : પૂ. રણછોડદાસજી બાપુના આશ્રમે ગુરૂવંદના - પૂજન - રક્ષાદોરી વિતરણ સહીતના કાર્યક્રમોનો ધમધમાટ : જીવનના ગમે તેવા રહસ્યોનો ઉકેલ બતાવી આપે તેવા સાચા ગુરૂદેવનો જેઓને ભેટો થઇ જાય તેમનું જીવન ધન્ય બની જાય. આજે આવા ગુરૂઓને વંદન કરવાનો  'ગુરૂપૂર્ણીમા' નો પરમ અવસર. શહેરભરમાં ગુરૂ મંદિરો અને ગુરૂ ગાદીઓ પર આવે વહેલી સવારથી જ શિષ્ય સમુદાય ગુરૂ પૂજન, ગુરૂ વંદના કરવા ઉમટી રહ્યો છે. ખાસ કરીને કુવાડવા રોડ પર આવેલ પૂ. રણછોડદાસજી બાપુના આશ્રમે આજે વહેલી સવારથી પૂજન અર્ચન, ચરણ પાદુકા દર્શન, રક્ષાદોરી વિતરણના કાર્યક્રમો ચાલી રહ્યા છે. તસ્વીરમાં સદ્દગુરૂ આશ્રમે શ્રી રણછોડદાસજીબાપુને પ્રણામ કરવા ઉમટી રહેલ ગુરૂ ભાઇ બહેનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧૬ : જીવનમાં જેમને સાચા ગુરૂ મળી જાયને એમનો બેડો પાર થઇ જાય. આવા સદ્દગુરૂ આપણા અજ્ઞાનતાના અંધારા ઉલેચીને જ્ઞાનના અજવાળા પાથરતા હોય છે. આપણુ જીવન ઉજાળનારા આવા ગુરૂદેવોનું ઋણ ઉતારવાનો અવસર એટલે ગુરૂપૂર્ણિમાં!

આજે ગુરૂપૂર્ણિમાં હોય શહેરભરમાં આવેલ મંદિર અને આશ્રમો તેમજ ગુરૂસ્થાનો પર ગુરૂપૂજન અર્ચન તેમજ પ્રાર્થના સત્સંગના કાર્યક્રમો આયોજીત થયા છે. જેની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.

કપીલા હનુમાન ચૈતન્યધામ

શ્રી કપીલા હનુમાન ચૈતન્યધામ આજીનદી કાંઠે ગુરૂપૂર્ણિમાં નિમિતે સવારે ચરણ પાદુકાનું પૂજન આરતી અને મારૂતી મહાયજ્ઞ થયેલ. રાત્રે ૯.૩૦ વાગ્યે સંતવાણી રાખેલ છે.

રાધેશ્યામ ગૌશાળા

રૈયા રોડ સ્લમ કવાર્ટર, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે આવેલ રાધેશ્યામ ગૌશાળા ખાતે ગુરૂપૂર્ણિમાં મહોત્સવ અંતર્ગત બપોરે સત્યનારાયણ કથા રાખવામાં આવી હતી. સાંજે ૬.૩૦ વાગ્યે બટુક ભોજન- મહાપ્રસાદ, સાંજે ૭ વાગ્યે બજરંગદાસબાપુની પૂજન વિધિ, રાત્રે ૮.૩૦ વાગ્યે સંતવાણી અને રાત્રે ૧૦ થી વહેલી સવારે પ સુધી શ્રી રામદેવપીરના પાઠ રાખેલ છે.

ગોવિંદ આશ્રમ વિઠલવાવ ગૌશાળા

ભાવનગર રોડ પર આજીડેમ ચોકડીથી પ કી.મી. આગળ આવેલ ગોવિંદ આશ્રમધામ વિઠલવાવ ગૌશાળા ખાતે ગુરૂપૂર્ણિમાં નિમિતે સવારે પૂજા અર્ચના થયા હતા. સાંજે પ વાગ્યે ભજન સત્સંગનો કાર્યક્રમ રાખેલ છે.

પુનિત સદ્દગુરૂ ભજન મંડળ

પુનિત સદ્દગુરૂ ભજન મંડળ દ્વારા ગુરૂપૂર્ણિમાં નિમિતે ધૂન ભજન સાંજે ૬ થી ૮ અને સંતપૂનિતના ચરણ પાદુકાનું પૂજન રાત્રે ૮ થી ૯ તેમજ આમંત્રીતો માટે મહાપ્રસાદ રાત્રે ૯ થી ૧૦ મનીષભાઇ સતીકુંવર સોનીને ત્યાં 'માધવ વિલા' પારસ સોસાયટી કોમ્યુનીટી હોલ સામે, નિર્મલા સ્કુલ રોડ ખાતે રાખેલ છે.

સંકીર્તન મંદિર

કાલાવડ રોડ પર આવેલ શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરીત શ્રી હરીનામ સંકીર્તન મંદિરે ગુરૂપૂર્ણિમાં નિમિતે ચરણ પાદુકા પૂજન અને ઉત્સવ આરતી થઇ હતી. દરમિયાન ચંદ્રગ્રહણ ધ્યાને લઇ વિશ્વ કલ્યાણની ભાવનાથી રાત્રે ૧૨ થી સવારે ૪.૩૦ સુધી વિશેષ સમૂહ સંકીર્તન કરાશે. (૧૬.૨)

ગુરૂપુર્ણિમા : તસ્મય શ્રી ગુરૂ દેવો નમઃ

જીવનમાં સૌને એક સહારાની જરૂર હોય છે. સહારો એ માત્ર મિત્ર કે મા - બાપનો નથી હોતો પણ જે પણ પોતાને પોતાના કરતા કંઇક અલગ વ્યકિતત્વ દોરી બતાવે એ એક ગુરૂ છે. ગુરૂ એ કોઇ વ્યકિત પણ અને વસ્તુ પણ હોય શકે કે પછી કુદરતનો કોઇ અંશ પણ હોય શકે. વ્યકિતમાં ગુરૂ તત્વ જાગે જયારે તેને પોતાના મનને પોતાના ધ્યેયથી જોડી દીધુ હોય અને તેને પોતાનામાં કંઇક વિશિષ્ઠ નજરે પડે અથવા કોઇ તેને તે બાબતે ધ્યાન દોરે. જીવનમાં દરેક વસ્તુ આવતા જ તે વ્યકિતને થોડા અંશે બદલી નાખે છે. સાથે જ તે વ્યકિતમાં જાણે અજાણે પોતાનો અંશ જોડી દીધો હોય તેવી રીતે જોડાય છે. એક નજીવી વસ્તુ કે બાબત જીવનમાં કંઇ પણ મેળવવા માટે એક જીવન દિશા દોરવાનુ કામ કરે છે. એક પેન જીવનમાં આમ તો કશું જ કિમત નથી આકતી પણ તે જીવનમાં એટલુ જરૂર સમજાવી દે છે કે માત્ર બાહ્ય દેખાવ થી જ તેના જીવનનું મુલ્ય નથી હોતુ પણ જયારે તેને ખરીદવામાં આવે તો હંમેશા તેની ચકાસણી તેની સરળતા ઉપર સાથે જ તેના શાહીના રંગ પરથી થાય છે. ગુરૂ જીવનમાં આ પેન સમાન છે. તે વિદ્યાર્થીને અને વ્યકિતને જોતા જ તેનામાં રહેલ સરળતા અને આવડતને બહાર લાવવાની હરહંમેશ કોશીષ કરે છે અને પોતાના થકી નિષ્ક્રિય પ્રયાસો વડે એક અનોખુ વ્યકિતત્વનું સર્જન કરે છે. જીવન જીવવામાં કુદરત એક સૌથી મોટો શિક્ષક માર્ગદર્શક અને કારકીર્દીદર્શક છે. કારણ કુદરત હંમેશા જીવનમાં હોય તેના કરતા વધુ બીજાને આપતા શીખવે છે. સમજાય તેના કરતા વધુ સમજતા શીખવે છે. યાદ રાખવા કરતા ભુલતા શીખવે છે. જીવનમાં હંમેશા કોઇપણ વ્યકિતએ તેના જીવનને પહોચાડવુ હોય તો એક ગુરૂને હંમેશા મનમાં કેન્દ્રીત રાખવા જોઇએ પછી ચાહે મન કે હૃદય કેમ ન હોય ?

હૃદય અને મન બંનેને જો જીવનમાં એક ગૂરૂ તરીકે સ્વીકારી લઇએ તો મન વિચારે તે મેળવી શકે અને હૃદય સમજાવે તેમ સમજી શકીએ આથી સબંધોમાં જીવનમાં અને વિચારોમાં વ્યકિતનો એક અદભૂત પરિચય ગુરૂ તત્વ થકી જ શકય બની શકે છે. આથી જીવનમાં ગુરૂને સમજવા અને તેની સલાહને માનવાથી વિદ્યાર્થી અથવા વ્યકિત પોતાના ગુરૂને કંઇક ગુરૂદક્ષિણારૂપી પોતાની ઓળખ અને ધારેલા સ્થાને પહોચી સાથે જ જીવનમાં જીવનનો સાર મેળવી તેમને ભેટ આપી શકે છે. ગુરૂએ જીવનનુ એક અજોડ પ્રતિક છે. જે જીવનને પોતાના માર્ગદર્શન વડે પોતાના વિદ્યાર્થીના જીવનને એક અદભૂત રીતે દોરી અને પહોચાડી પોતાના જ્ઞાન અને આવડતના પુરાવાથી જીવન અવિસ્મરણીય માર્ગ તરફ લઇ જાય છે. આથી ગુરૂએ સર્વ માટે સદાય શિરોમાન્ય ગણાય છે.

જો ગુરૂને ટુંકમાં સમજયે તો એક અખૂટ ભંડાર છે. જેમાં ગુરૂતત્વ રહેલો છે. સ્નેહ છુપાયેલો છે. સંઘર્ષ સમાયેલો છે. માનવતા દર્શાવેલી છે અને જીવન કંડારેલ છે. એક વિદ્યાર્થીની એક વ્યકિત સુધીનુ આ સફર ગુરૂ જ શ્રેષ્ઠ બનાવી દે છે.

'જીવનમાં છે જો ગુરૂ તો જીવન તમારૂ છે ઉજળુ'

:: આલેખન :: દેવ.એસ.મહેતા (મો.૯૪૦૮૬ ૧૧૪૯૯)

(3:37 pm IST)