Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

સિવિલ હોસ્પિટલમાં પાંચ અઠવાડીયા સુધી વિનામુલ્યે અપાશે ઓરી અને રૂબેલાની રસી

આજથી શરૂઆતઃ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૫ સુધી ૯ માસથી ૧૫ વર્ષ સુધીના બાળકો રસી મુકાવી શકશે

રાજકોટઃ બાળકોને ઓરી અને રૂબેલા (નૂરબીબી) રોગથી બચાવવા સરકારે શરૂ કરેલી રસિકરણ યોજના અંતર્ગત સિવિલ હોસ્પિટલમાં આજથી ઓપીડી નં. ૧૯માં આ રસી મુકવાનું શરૂ કરવામાં આવ્યું છે. ૯ માસથી ૧૫ વર્ષ સુધીના તમામ બાળકોને આ રસી વિનામુલ્યે મુકી અપાશે. સવારે ૯ થી ૧૨ અને બપોર બાદ ૩ થી ૫ સુધી રસી અપાશે. જેણે રસી લીધી ન હોઇ તેણે આ સમય દરમિયાન બાળકોને રસીકરણ કરાવી લેવા તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતાએ જણાવ્યું છે. ખાનગીમાં આ રસી બે થી અઢી હજારનો ખર્ચ થાય છે. જ્યારે સિવિલમાં વિનામુલ્યે આ રસી અપાય છે. ઓપીડીમાં નર્સિંગ સ્ટાફ તથા મેટ્રન હિતેન્દ્ર ઝાખરીયા અને સ્ટાફે રસિકરણની વ્યવસ્થા સંભાળી હતી. આ બાબતે જાગૃતિ લાવવા માટે એક નાટક પણ યોજાયું હતું. આ રસી નહિ લેનાર બાળકને ઓરી અને  કાનની બહેરાશ, મગજનો તાવ સહિતની ગંભીર બિમારીઓ લાગુ પડે છે. સગર્ભાને  જો આ રોગ થાય તો બાળક ખોડખાપણવાળુ જન્મી શકે છે. બાળકને રસી અપાયા બાદ અડધા કલાક સુધી હોસ્પિટલમાં જ રહેવું  જેથી કરીને કોઇ આડઅસર થાય તો તુર્ત જ સારવાર કરી શકાય. જો કે પંદર રાજ્યોમાં આ રસિકરણ પુરૂ થઇ ગયું છે અને કયાંય પણ આડઅસરનો કિસ્સો સામે આવ્યો નથી. સરકારની આ યોજનાનો લાભ લેવા ડો. મનિષ મહેતાએ જણાવ્યું છે. તસ્વીરમાં રસિકરણ કરતો નર્સિંગ સ્ટાફ, નાટક ભજવતા બાળકો અને નીચેની તસ્વીરમાં ડો. મનિષ મહેતા, મેટ્રન હિતેન્દ્ર ઝાખરીયા તથા નર્સિંગ સ્ટાફ જોઇ શકાય છે. (ફોટોઃ અશોક બગથરીયા)

(4:07 pm IST)