Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ખોડલધામમાં આધુનિક સુવિધાથી સજજ અન્નપૂર્ણાલયનો પ્રારંભઃ એક સાથે ૪૦૦ લોકો લાભ લઈ શકશે

અન્નપૂર્ણાલય આધુનિક એલ.ઈ.ડી લાઈટ સાથે આધુનિક સાઉન્ડ સીસ્ટમ અને સીસીટીવી કેમેરાથી સજજ : ઓઈલ બોઈલર સીસ્ટમ ધરાવતા બોઈલરમાં એક સાથે ૧૫૦૦ થી વધુ લોકોની રસોઈ બનાવી શકાશેઃ રૂ.૫૦માં ટોકન દરે ભાવિકો ભોજન પ્રસાદ માણશે

રાજકોટઃ લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમાન કાગવડ ખાતેના માં ખોડલના ધામમાં દર્શનાર્થીઓનો પ્રવાહ અવિરત ચાલુ છે. અરે હવે તો લોકો ખાસ એક દિવસના પ્રવાસનું આયોજન કાગવડ ખાતે ખોડલધામમાં કરે છે. ત્યારે ખોડલધામ માંના દર્શન કરવા આવતા ભાવિકોને તમામ સુવિધા મળી રહેએ માટે ટ્રસ્ટ સતત નવા નવા પ્રોજેકટ પર કામ કરી રહયું છે. જેના ભાગરૂપે તાજેતરમાં જ ખોડલધામ પરિસરમાં એક આધુનિક સુવિધાથી સજજ તમામ સવલતો સાથેનો અન્નપૂર્ણાલય (ભોજનશાળા)નો અષાઢી બીજના રોજ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલના હસ્તે ખુલ્લી મુકવામાં આવી છે. આ કાર્યક્રમમાં ખોડલધામના તમામ ટ્રસ્ટી, જીલ્લા અને તાલુકાના કન્વીનરો અને સ્વયંસેવકો તથા સમાજના લોકો હાજર રહ્યા હતા.

કાગવડ ખાતે માં ખોડલના બેસણા થયા બાદ અહીં ભકતોની ભીડ રજાના દિવસોમાં તો હોય છે પણ ખાસ કરીને તહેવાર અને વેકેશનમાં તો દર્શન માટે લાંબી લાઈનો લાગે છે. અહીં ભકતોની સાથે સાધુ- સંતો પણ માંના આર્શીવાદ લેવા માટે આવી રહયા છે. ત્યારે ભકતોને સાત્વીક પ્રસાદ મળી રહે એ માટે અગાઉ હંગામી ધોરણે ભોજનશાળા શરૂ કરી દેવામાં આવી હતી. સાથોસાથ મંદિર પરીસરમાં અતિ આધુનિક કક્ષાના અન્નપૂર્ણાલય (ભોજનશાળા)નું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. આ બાંધકામની કામગીરી પૂર્ણ થતા ભાવિકોને સુવિધા માટે અન્નપૂર્ણાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ખોડલધામ ખાતે બનાવવામાં આવેલ અતિ આધુનિક કક્ષાના અન્નપૂર્ણાલયમાં આધુનિક એલ.ઈ.ડી.લાઈટ સાથે સાઉન્ડ સીસ્ટમ અને સીસીટીવી કેમેરાથી સજજ બનાવવામાં આવી છે. એક સાથે અંદાજે ૪૦૦ થી વધુ ભાવિકો ભોજન પ્રસાદનો લાભ લઈ શકે તે પ્રકારની સીટીંગ વ્યવસ્થા રાખવામાં આવી છે. ૧૦૦*૫૦૦ ચો.મીટરના વિશાળ ડોમમાં આ અન્નપૂર્ણાલય ઉભું કરવામાં આવ્યું છે. અન્નપૂર્ણાલયની વિશેષતા એ છે કે તેમાં પીરસવામાં આવનાર ભોજન સાત્વીક બને તે માટે આધુનિક રસોડું તૈયાર કરવામાં આવ્યું છે. ઓઈલ બોઈલર સીસ્ટમ ધરાવતા બોઈલરમાં એક સાથે ૧૫૦૦થી વધુ લોકોની રસોઈ બની શકે છે. આધુનિક ચીમની ઉભી કરી હોવાના કારણે ધૂમાડો સરળતાથી બહાર નીકળી જશે, જેના કારણે ભોજનલાયમાં કોઈપણ જાતની અગવડતા ઉભી થતી નથી. અન્નપૂર્ણાલયમાં પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે આર.ઓ સીસ્ટમ મુકવામાં આવી છે જેમાં અવીરતપણે ઠંડું અને નોર્મલ પાણી મળી રહેશે.

અન્નપૂર્ણાલયનું મેનુ

બપોરેઃ- લાપસી, રોટલી, બે શાક (કઠોળ- લીલોતરી), દાળ- ભાત, છાશ, ફ્રાઈમ્સ

સાંજેઃ- લાપસી, રોટલી, શાક, કઢી- ખીચડી, છાશ, ફ્રાઈમ્સ

(3:54 pm IST)