Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

સ્માર્ટ સીટીમાં ૬૦ યુવા ઇજનેરોની માનદ સેવા લેવાશે

ઇન્ડિયા સ્માર્ટ સિટી મિશન હેઠળ ફેલોશિપ અને ઇન્ટર્નશિપ પ્રોગ્રામની જાહેરાત કરતા બંછાનીધિ પાની : બંને પ્રોગ્રામમાં જોડાઇ આ અભૂતપૂર્વ શહેરી પરિવર્તન માટેના રાષ્ટ્રીય મિશનમાં પોતાનું યોગદાન આપવા અને નવુ શીખવાની ભાઇઓ-બહેનોને અમૂલ્ય તક

રાજકોટ તા. ૧૬ : ભારત સરકારશ્રીના 'સ્માર્ટ સિટી મિશન' લોન્ચ થયાને ત્રણ વર્ષ પૂર્ણ થવાના અવસરે, કેન્દ્રીય આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા 'ઇન્ડિયા સ્માર્ટ સિટીઝ ફેલોશિપ પ્રોગ્રામ' અને 'ઇન્ડિયા સ્માર્ટ સિટીઝ ઈન્ટર્નશિપ પ્રોગ્રામ' શરૂ કરવામાં આવેલ છે. સ્માર્ટ સિટીઝ મિશનના અમલીકરણમાં નવા ડાયનેમિક આઈડીયા અને નવી યુવા ઉર્જા પ્રાપ્ત થાય તેવા આશયથી શરૂ કરવામાં આવેલા આ બંને પ્રોગ્રામમાં ૩૦-૩૦ તેજતર્રાર અને પ્રખર તેજસ્વી યુવા ભાઈ-બહેનોને જોડવામાં આવનાર છે. આ મિશનમાં રાજકોટના યુનિવર્સીટી કે અન્ય સંસ્થાઓના પ્રકાંડ હોશિયાર વિદ્યાર્થી ભાઈ-બહેનો તથા યુવા નિષ્ણાતો જોડાઈ શકશે. રાજકોટના બ્રિલિયન્ટ યુવા ભાઈ-બહેનોને આ પ્રકારે રાષ્ટ્ર સેવાની ઉમદા તક તો પ્રાપ્ત થાય જ છે સાથોસાથ તેઓને નવું નવું શીખવાની અમૂલ્ય તક પણ પ્રાપ્ત થશે, તેમ મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

કમિશનરશ્રી આ બંને પ્રોગ્રામ વિશે વિસ્તૃત જાણકારી આપતા એમ કહ્યું હતું કે, 'ઇન્ડિયા સ્માર્ટ સિટીઝ ફેલોશિપ પ્રોગ્રામ' હેઠળ પસંદ થનાર ૩૦ ઉમેદવારો કેન્દ્રીય આવાસ અને શહેરી કાર્ય મંત્રાલયમાં સ્માર્ટ સિટીઝ મિશન ડાઇરેકટરને તેમજ સિલેકટેડ સ્માર્ટ સિટીના સી.ઈ.ઓ.ને વિવિધ મહત્વપૂર્ણ કાર્યોમાં સહયોગ આપશે. જેમાં એનાલિસિસ, રિસર્ચ, ડોકયુમેન્ટેશન, ઈન્ડિપેન્ડન્ટ એસેસમેન્ટ, વિઝયુલાઇઝેશન, રીપોર્ટ-પોસ્ટર-ડોઝીયર તૈયાર કરવા, વગેરે જવાબદારીઓનો સમાવેશ થાય છે. જયારે 'ઇન્ડિયા સ્માર્ટ સિટીઝ ઈન્ટર્નશિપ પ્રોગ્રામ'માં પસંદ થનાર ઉમેદવારો દેશના જુદા જુદા રાજયોના સ્માર્ટ સિટીઝમાં વિવિધ પ્રોજેકટસના અમલીકરણની પ્રક્રિયામાં સહાયભૂત થઇ શકશે.

કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ એમ ઉમેર્યું હતું કે, રાજકોટના જે તેજસ્વી યુવા ભાઈ-બહેનો આ અભૂતપૂર્વ રાષ્ટ્રીય મિશનમાં સામેલ થવા ઇચ્છતા હોય તેઓએ http://smartnet.niua.org/iscfip/  પર સંપર્ક કરી શકે છે. આ વેબસાઈટ પર તેઓને જરૂરી માહિતી અને એપ્લિકેશન ફોર્મ પ્રાપ્ત થઇ શકશે.(૨૧.૩૫)

(3:46 pm IST)