Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

રાજકોટમાં ઝરમર : મન મૂકીને કયારે વરસશે?

શહેરમાં ટાઢકભર્યા વાતાવરણ વચ્ચે ઝરમરીયા વરસાદી ઝાપટા ચાલુ : માર્ગો સતત ભીના

રાજકોટ, તા. ૧૬ : સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના શહેરોમાં મેઘરાજા બેસુમાર વરસી રહ્યા છે. આજે પણ સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં વરસાદ ચાલુ છે. ખાસ કરીને જેશર, ભાવનગર, પાલીતાણા, બરવાળા અને રાણપુરમાં સારો એવો વરસી ગયો છે ત્યારે આ સપ્તાહમાં પણ મેઘરાજા બેસુમાર વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

રાજકોટ શહેરમાં છેલ્લા બે દિવસથી ઝરમરીયો વરસાદ ચાલુ છે. આકાશમાં ઘનઘોર વાદળો છવાયેલા છે. સતત મેઘાવી માહોલ છવાયેલો છે આમ છતાં પણ મેઘરાજા મન મૂકીને વરસતા નથી. ગઈકાલે રવિવારે રજાના દિવસે બપોર બાદ ધીમીધારે ચાલુ થઈ ગયો હતો. મોડીરાત સુધી સતત ઝરમર ચાલુ જ રહ્યો હતો. આજે સવારે પણ સાતેક વાગ્યાની આસપાસ થોડીવાર મેઘરાજાએ જોર પકડ્યા બાદ ધીમુ પડી ગયુ હતું.

શહેરમાં સતત વરસાદી માહોલના પગલે વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે. જો કે મેઘરાજા જોમથી વરસતા નથી પણ ધીમી ધારે વરસે છે. સતત વરસાદી માહોલના પગલે માર્ગો ભીના બન્યા છે. લોકો રેઈનકોટ અને છત્રી સાથે જજ જોવા મળે છે.(૩૭.૯)

(3:45 pm IST)