Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

સંત એટલે ભકત અને ભગવાનને જોડવાનો સેતુઃ પૂ.નમ્રમુનિ મ.સા.દરેક ક્ષેત્રે ગુજરાત રોલ મોડલ બને તેવા પ્રયત્નોઃ વિજયભાઇ

રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટાસંઘમાં ૭૫ સંત-સતીજીઓને ઐતિહાસિક ચાતુર્માસ પ્રવેશ : આગામી ૩૦/૯ના સ્થાનકવાસી સમાજનું સમૂહ સંઘ જમણનું આયોજનઃ સંવત્સરી ૧ ના દિવસેએક સાથે ૧૧૦૦૦ થી વધારે આરાધકો સમૂહ પ્રતિક્રમણમાં જોડાશેઃ ૨૫/૧૧ના સામૂહિક પૂ.સંત - સતિજીઓના વળામણા

રાજકોટઃ તા.૧૬,ગુજરાત રત્ન પૂજય શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ, તથા રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનાં સાંનિધ્યે શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ સી. એમ. પૌષધશાળા, ઓમાનવાળા ઉપાશ્રયના આંગણે ૭૫ સંત-સતીજીઓના ઐતિહાસિક સમૂહ ચાતુર્માસનાં મંગલપ્રવેશને વધાવવા માટે રવિવાર, તા.૧૫ની ભવ્ય જૈન ધર્મની ઘ્વજાને ફરકાવતી શોભાયાત્રા રાજકોટના રાજમાર્ગના આકર્ષણનું કેન્દ્ર બની હતી. હજારો હજારો ભાવિકો, શ્રી સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સંઘોના પદાધિકારીઓ, શ્રેષ્ઠિવર્યો, મહિલા મંડળો, અર્હમ યુવા સેવા ગ્રુપ, લુક એન લર્ન,  જૈન વિઝન ગ્રુપ અને જૈનમ ગ્રુપ આદિ અનેક મિશન્સના સભ્યો,જૈન-જૈનેતર સમાજના અગ્રણીઓ, કલશધારી મહિલાઓ,રાસમંડળીઓ, રાજસ્થાની ઢોલ,આદિવાસી નૃત્યકારો તથા  તેમજ સૌરાષ્ટ્રના ધારી, વિસાવદર, બગસરા, જૂનાગઢ, વેરાવળ, ગોંડલ, અમરેલી, લાઠી, સાવરકુંડલા, સુરત, વડોદરા, અમદાવાદ, બાબરા, મુંબઈ, કલકતા, ચૈન્નઈ, જેતપુર, ધોરાજી, પોરબંદર, જામનગર, ઉના, કાલાવડ વગેરે સંઘો ના પદાધિકારીઓ તથા ભાવિકોના થનગનાટથી સભર શોભાયાત્રા  નો પ્રારંભ શ્રેષ્ઠીવર્ય   નટવરલાલ હરજીવન શેઠ, વિસાવદરવાળાના નિવાસસ્થાન ઠાકોરદ્વાર અપાર્ટમેન્ટથી પ્રારંભ થઈને  ધર્મવત્સલ   જીતુભાઇ બેનાણીના આંગણે પહોંચી હતી જયાં નવકારશી બાદ તપસમ્રાટ ગુરુદેવ પૂજય શ્રી રતિલાલજી મહારાજસાહેબના સ્મૃતિ પ્રતીક રૂપ તપસમ્રાટ ચોક પર ઉપકારી ગુરુવર્યના ઉપકારને યાદ કરીને ઈમ્પિરિઅલ હાઈટ્સ  મુકેશભાઈ શેઠના આંગણે રાજકોટનાં સમસ્ત મહિલામંડળનાં બહેનો દ્વારા પ્રસ્તુત સુંદર સ્વાગત કાર્યક્રમ બાદ ડુંગર દરબાર પહોંચીને ધર્મસભામાં પરિવર્તિત થઇ હતી.

પ્રગટ તીર્થ સમાન સર્વે સાધ્વીવૃંદે સ્વસ્તિકની રચના કરીને મંગલમય પ્રવેશ કર્યો હતો જયારે લુક એન લર્ન જૈન જ્ઞાનધામના  નાના નાના બાળકોએ ગુરુવર્યોનું સ્વાગત સ્વાગતનૃત્યથી કર્યું હતું. ધાર્મિક એકતાના  પ્રતિક રૂપ દેરાવાસી સંપ્રદાયના આચાર્ય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ સાથે ગોંડલ સંપ્રદાય, અજરામર સંપ્રદાય, સંઘાણી સંપ્રદાય તથા શ્રમણ સંઘના ૧૦૮ જેટલા સાધુ-સાધ્વીજી વૃંદની ઉપસ્થિતિ ધરાવતી ધર્મસભાનું શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ   ચંદ્રકાન્તભાઈ શેઠ એ આવકાર પ્રવચનથી સ્વાગત કરેલ.

પ્રવેશની શરૂઆતમાં જે મુખમાં મહાવીરનું નામ હોઈ તે મુખમાં માવો ન હોવો જોઈએ. રાષ્ટ્રસંતની આ પ્રેરણા થતા ગોંડલ સંદ્ય પ્રમુખશ્રી પ્રવિણભાઈ કોઠારી સહીત અનેક ભાવિકોએ માવાનાં વ્યસનનો ત્યાગ કરતા પ્રવેશનો શુભ પ્રારંભ ત્યાગમય થયો હતો. વળી અનેક ભાવિકોએ જયાં સુધી આ ચાતુર્માસ દરમિયાન સંતદર્શન ના થાય ત્યાં સુધી પાણી પણ ના વાપરવાનો સંકલ્પ કર્યો હતો. પૂજય ગુરુદેવની પ્રેરણાથી ધાર્મિક એકરૂપતાનાં પ્રતીક રૂપે રાજકોટનાં સર્વ જૈન ભાવીકોનાં સંવતસરીના પાવન દિવસે એક સાથે ૧૧૦૦૦ થી વધારે ભાવિકો સમૂહમાં પ્રતિક્રમણ કરશે તેવી ઉદ્ઘોષણા જીતુભાઈ કોઠારીએ કરેલ અને મુખ્ય મંત્રીશ્રીને પણ ઉપસ્થિત રહેવા આમંત્રણ આપેલ.આગામી તા.૩૦/૯  ના સમસ્ત રાજકોટના સ્થાનકવાસી સંઘોનું સમૂહ સંઘ જમણ નું આયોજન થશે. તા.૨૫/૧૧  ના પૂ.સંત - સતિજીઓના સામૂહિક વળામણાનો કાર્યક્રમ થશે.

આ અવસરે સૌરાષ્ટ્રના સિંહણ પૂજય ઇન્દુબાઈ સ્વામીના સુશિષ્યા પૂજય સોનલબાઇ મહાસતીજી એ રાષ્ટ્રસંત ને આ રાજકોટ માં તેઓશ્રીને ગુરુ અને પ્રથમ શિષ્યની પ્રાપ્તિ થઇ છે એટલે રાજકોટ ખાસ છે તે સંસ્મરણમાં લાવીને કહ્યું હતું કે ૭૫ સંત સતીજીનું સમૂહ ચાતુર્માસ એ રાજકોટ માટે ગર્વ અને હરખની વાત છે.  સંઘાણી સંપ્રદાયના પૂજય  હિના બાઈ મહાસતીજી એ જય વિજય ગુરૂણીની કૃપાને યાદ કરી ને આ માગો તેનાથી વધારે મળે તેવું રાજકોટ છે અને આવા રાજકોટ માં સમૂહ ચાતુર્માસની શુભેરછાઓ અર્પણ કરી હતી. અજરામર સંપ્રદાયના પૂજય નમનકુમારીજી મહાસતીજી એ ફરમાવ્યું હતું કે રાજકોટ રંગીલું તો હતું જ પણ હવે તે રોયલપાર્કના ચાતુર્માસ થી રોયલ બનશેમ સંસારને વાઇન્ડ અપ કરી ને ધર્મને અંતરમાં સેટ કરવાની પ્રેરણા સહુને આપી હતી.

મંગલ પ્રવેશોત્સવના આ અવસરે રાષ્ટ્રસંત પૂજયશ્રી નમ્રમુનિ મહારાજસાહેબે બ્રહ્મધ્વનિ સાથે ૨૧ દિવસીય સંકલ્પ સિદ્ઘિ સાધનાના છઠ્ઠા મણકાની શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રની આરાધના કરાવી ત્યારે વાતાવરણમાં અનેરી ઉર્જા પ્રસરી ગઈ હતી. પૂજયવર ડુંગર ગુરુપ્રાણ ચાતુર્માસ સમિતિ દ્વારા સમૂહ ચાતુર્માસ માં મહતમ અનુદાન આપનાર નટુભાઈ શેઠને સંઘપતિ તરીકે જાહેર કરવામાં આવતા મહાસંઘનાં   સંજયભાઈ સંઘવી, શ્રી સી.એમ. શેઠ, રાજકોટ સ્થા. મોટા સંઘનાં શ્રી ઈશ્વરભાઈ દોશી, રજનીભાઇ બાવીશી, એવમ સંપ્રદાયવતી શ્રી પ્રવીણભાઈ કોઠારીએ શ્રી નટુભાઈને પાઘડી પહેરાવીને તથા ઉપસ્થિત સહુએ હર્ષ હર્ષના નાદથી અનુમોદના કરી હતી.

રાષ્ટ્રસંત પ્રત્યે ભકિતભાવ ધરાવતાં સરળ હૃદયી, ગુજરાતના ગૌરવ એવમ ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પધારતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા અંજલીબેન રૂપાણી એ સભામાં પ્રવેશ કરીને જૈનધર્મના ધર્મગ્રંથ આગમ ગ્રંથો પર કેસર છાંટણા કરી મસ્તકે અહોભાવપૂર્વક વધાવ્યા હતા. શ્રી રોયલપાર્ક સઘના સભ્યો   ચંદ્રકાન્તભાઈ શેઠ,  ટી.આર.દોશી,   અશોકભાઈ મોદી, કે,પી.શાહ,   સુરેશભાઈ કામદાર એ મુખ્યમંત્રીનું ફ્રેમ દ્વારા સ્વાગત સન્માન  કર્યું હતું. ડો. પૂજય શ્રી પરમ સંબોધિજી મહાસતીજી, ડો. પૂજય શ્રી પરમ પવિત્રાજી મહાસતીજી, નવદીક્ષિતા પૂજય શ્રી પરમઋષિતાજી મહાસતીજી એ રાષ્ટ્રસંત ગુરુદેવના રાજકોટ આગમનના લક્ષ્ય તથા ધર્મસતા અને રાજસતાનું સમન્વય કેવી રીતે સમાજનો આંતરિક અને બાહ્ય પ્રગતિ કરાવી શકે તેના પર સુંદર પ્રવચન આપ્યું હતું.

 આત્મવિકાસ સાથે રાષ્ટ્રવિકાસ પણ જેમનું લક્ષ છે એવા રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મહારાજસાહેબે ફરમાવ્યું હતું, કે શાસનનો ચંદ્રમા ઉગ્યો હોઈ ત્યારે દરિયાદિલ ભાવિકોનાં હૃદયમાં ભરતી આવ્યા વગર રહેતી નથી. સંતો કયારેય એક કોમનાં નથી હોતા. એકબીજાને જોડે તે ધર્મ હોય અને  તોડે તે અધર્મ હોય. સંત એટલે ભકત અને ભગવાન ને જોડવાનું સેતુ છે.આરસ ભલે દેખાવમાં આકર્ષક લાગે પરંતુ તેની ઉપર બીજ વાવવાથી ફળ ન મળે પરંતુ કાળી માટી દેખાવમાં ભલે કાળી હોય પરંતુ આવી ફળદ્રુપ જમીનમાં બીજ વાવીએ તો સુંદર ફળ મળ્યા વગર રહે નહીં.ધર્મ સ્થાનકમાં શો માટે નહીં સ્વ એટલે કે આત્મા માટે આવજો.

આ અવસરે રાષ્ટ્રસંત પાસેથી નિષ્કલંક સફળતાનાં આશિર્વાદ પ્રાપ્ત કરી રાષ્ટ્રસંત પ્રત્યે અહોભાવનાં વ્યકત કરતા કહ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવ રાજકોટ પધાર્યા તેના માટે મુખ્યમંત્રી તરીકે નહિ પણ એક જૈનધર્મી શ્રાવક તરીકે આભાર માનુ છું. આત્મકલ્યાણનાં માર્ગે લઇ જનાર ઘણા સંતો છે પણ આત્મકલ્યાણની સાથે લોક કલ્યાણનાં કાર્યો કરનાર સંતો ખૂબ ઓછા છે. રાષ્ટ્રસંત તેમાનાં એક છે. ગુજરાતનો આર્થિક વિકાસ તો ખૂબ થયો છે પણ આ ગુજરાતનાં આધ્યાત્મિક સંસ્કારનો વિકાસ થાય, તેવી ભાવના છે, વધુમાં તેમણે પોતાને હમેંશનાં ઘ્પ્ એટલે કે ણૂંૃૃંઁ ર્ૃીઁ ગણાવતા કહ્યું કે ૨ વર્ષથી જે ગુજરાતની જવાબદારી મળી છે. તે જવાબદારી નિભાવવાની શકિત સંતોની કૃપાદ્રષ્ટિમાં, આશિર્વાદમાં હોય છે. પ્રત્યેક જીવોની ચિંતા કરે તે રાજ ધર્મ છે.ગુજરાતનો અધ્યાત્મિક અને સંસ્કારોમાં અવલ્લ નંબર છે.આ સરકાર ઉપર ધર્મ ગુરુઓની કૃપા દ્રષ્ટિ છે.ગુજરાત દરેક ક્ષેત્રે રોલ મોડેલ બને તેવા પ્રયત્ન કરી રહ્યાં છીએ.ગુજરાત સરકાર ગૌવંશની હત્યા ન થાય તે માટે કડક કાયદો લાવ્યું.

અબોલ જીવો માટે કરૂણા એમ્બુયલન્સ ૧૯૬૨ ના નંબરથી ચાલુ કરી. હાઈ - વે ઉપર પગદંડીનું નિર્માણ ત્વરિત પૂર્ણ થાય તે માટે પ્રયત્ન ચાલુ છે. વધુમાં તેઓએ કહ્યું કે સંતો, મહંતોના આશીર્વાદ એ અમારા માટે શકિત છે. ગુજરાત રત્ન પૂ. સુશાંતમુનિ મ.સા. એ ૧૯૯૨ના સમૂહ ચાતુર્માસના સંસ્મરણો યાદ કરીને સર્વને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપમાં આગળ વધવાની પ્રેરણા કરી હતી.

મંગલ અવસરની આ પળોમાં શ્રી વિજયભાઈ રૂપાણી અને  શેઠ પરિવાર અને  તુરખીયા પરિવારે સી.એમ.શેઠ પૌષધશાળાનું લોકાર્પણ કર્યા બાદ શ્રી વિજયભાઈ રૂપાણીએ   શેઠ પૌષધશાળાના દાતાશ્રીઓ  દિલસુખભાઈ શેઠ અને   ભાવનાબેન તુરખીયાનું સન્માન કર્યું હતું. વિશેષમાં જરૂરિયાતમંદ સાધર્મિકોની સેવા અર્થે  સાયનના શ્રી અજયભાઇ શેઠના અનુદાનથી માઁ સ્વામી પૂજય  શ્રી જયવિજય મહાસતીજીની સ્મૃતિરૂપ સાધર્મિક હેલ્પ પ્રોજેકટનું લોન્ચિંગ શ્રી વિજયભાઈ રૂપાણી,   અજયભાઇ શેઠ,  જીતુભાઇ બેનાણી,   બીનાબેન શેઠ, શ્રી રીનાબેન બેનાણી તથા  ચેતનભાઈ સંઘાણીનાં શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. પૂજયવર ડુંગર ગુરુપ્રાણ ચાતુર્માસ સમિતિમાં ભાવિકોએ શ્રી વિજયભાઈને શ્રી નવકારમંત્રની ફ્રેમથી અને રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવ દ્વારા સવનના પવિત્ર  શ્રીયંત્રથી સન્માનિત કર્યા હતા. 

ચાતુર્માસના ઉદારદિલ દાતાઓ માતુશ્રી અનસુયાબેન નટવરલાલ શેઠ પરિવાર, માતુશ્રી કંચનબેન રમણીકભાઇ શેઠ પરિવાર, માતુશ્રી કાશ્મીરાબેન કાંતિભાઈ લાધાભાઇ શેઠ પરિવાર, માતુશ્રી વનીતાબેન જયવંતભાઈ જગન્નાથ જસાણી પરિવાર, માતુશ્રી રમીલાબેન હરકિશનભાઈ બેનાણી પરિવાર, માતુશ્રી ધનલક્ષ્મીબેન રતિલાલભાઈ ઠોસાણી પરિવારનું સન્માન શ્રી પૂજયવર ડુંગર ગુરુપ્રાણ ચાતુર્માસ સમિતિએ તેમજ શ્રી ઉષાબેન બાવીસીનું સન્માન સંપ્રદાયના અગ્રણીઓએ કર્યું હતું. સમૂહ ચાતુર્માસના જીવંત તીર્થ સ્વરૂપ સર્વ સંતસતીજીઓના જીવનકવનનું દર્શન કરાવતી પુસ્તિકા 'ચાતુર્માસ દર્શનમ' નું વિમોચન સૌરાષ્ટ્ર સંઘપ્રમુખો તથા શ્રી ડુંગરગુરુપ્રાણ ચાતુર્માસ સમિતી એ કર્યું હતું.

 આ અવસરે મુંબઈ મહાસંઘ વતી   સંજયભાઈ સંંઘવી,   રાજકોટ મોટા સંંઘ વતી  ઈશ્વરભાઈ દોશી, અમદાવાદ-કાઠિયાવાડ સમાજનાં પ્રમુખ   મહેશભાઈ અંબાવીએ તથા મુંબઈ-બોરીવલી સંઘનાં પ્રમુખ જયંતભાઈ જોબાલીયા ગુરુ ચરણોમાં શુભેચ્છાઓ અર્પણ કરી હતી. આવા અનેક કાર્યક્રમો બાદ ગૌતમ પ્રસાદની વ્યવસ્થા ધર્મવત્સલ માતુશ્રી ધનલક્ષ્મીબેન રતિલાલભાઈ ઠોસાણી પરિવાર, કમલેશ કેટરર્સ તરફથી રાખવામાં આવી હતી તેમજ  નવકારશીનો લાભ શ્રી ઉદયભાઈ કાનગડ (સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન) એ લીધેલ હતો. સમારોહમાં ઉપસ્થિત સર્વને   હાર્દિકભાઈએ સૂરો રેલાવી ને ભકિતથી તરબોળ કરી દીધા હતા. કાર્યક્રમનું   સુત્ર સંચાલન હેમલભાઈ મહેતા, તથા મહિલા મંડળના અગ્રણી વીણાબેન શેઠે કરેલ સાથે ઉપેનભાઈ મોદીએ સંચાલનમા સહયોગ આપેલ.કાર્યક્રમ પૂર્ણ થયા બાદ   ભાવિકોએ ભોજનનો લાભ લીધેલ.

કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પૂ.પરમ પવિત્રમુનિ મ.સાહેબે મંગલ પાઠ માંગલિક ફરમાવેલ. સરકાર અને હવામાન ખાતા તરફથી બે દિવસ ભારે તથા અતિભારે વરસાદની આગાહી હતી પરંતુ દેવ,ગુરુ ,ધર્મ અને શાસન દેવની અસીમ કૃપાથી કાર્યક્રમમાં ઉપસ્થિત સાત હજારથી વધારે ભાવિકોએ ભોજન પૂર્ણ કર્યા બાદ મેઘરાજાએ એન્ટ્રી લીધી હતી. સમગ્ર કાર્યક્રમ એકદમ ધર્મમય માહોલમાં પૂર્ણ થયેલ તેમ એક યાદિમાં જણાવાયું છે.

 

(11:37 am IST)