Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

એસીપી ક્રાઇમ ટીમે બે દરોડામાં ૧૭.૮૦ લાખનો દારૂ પકડ્યો

કુવાડવા વાંકાનેર ચોકડીથી રાણપરના રસ્તે ૪.૮૦ લાખનો દારૂ ભરેલી બોલેરો સાથે થોરાળાના નિતીન અને મહેન્દ્રને પકડ્યા બાદ બંને જ્યાંથી જથ્થો ભરી લાવ્યા'તા તે ડોસલીધુનાની સીમમાં ત્રાટકી વધુ રૂ. ૧૪.૨૦ લાખનો દારૂ જપ્ત કરાયોઃ દારૂ, વાહનો મળી કુલ રૂ. ૩૯,૯૧,૩૦૦નો મુદ્દામાલ કબ્જે : એએસઆઇ આર. કે. જાડેજા અને ચંદ્રસિંહ જાડેજાની વધુ એક સફળ બાતમી

રાજકોટ તા. ૧૬: કુવાડવા ચોકડીથી વાંકાનેર તરફ જતાં રસ્તા પર રાણપર ગામના પાટીયા સામેથી શહેર એસીપી ક્રાઇમની ટીમે રૂ. ૪,૮૦,૦૦૦નો ૧૦૦ પેટી દારૂ તથા પીકઅપ ગાડી મળી રૂ. ૮,૯૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી નવા થોરાળાના બે શખ્સોને ઝડપી લીધા હતાં. આ બંનેની પુછતાછમાં તે  સુરેન્દ્રનગરના ડોસલીધુના ગામની સીમમાંથી દારૂ ભરી આવ્યા હોવાનું અને ત્યાં હજુ કટીંગ થઇ રહ્યાનું ખુલતાં ટીમ ત્યાં પહોંચી હતી અને ત્યાંથી બીજો રૂ. ૧૪,૨૦,૮૦૦નો ૨૯૬ પેટી દારૂ તથા ટ્રક, ટ્રેકટર, ઇનોવા કાર ક કબ્જે કર્યા હતાં. આ દારૂ ઉતારનારા આરોપીઓ હાથ આવ્યા નહોતાં. પોલીસે કુલ રૂ. ૧૭,૮૦,૮૦૦નો ૩૯૬ પેટી દારૂ અને ચાર વાહનો ૨૨ લાખના મળી કુલ રૂ. ૩૯,૯૧,૩૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

જાણવા મળ્યા મુજબ એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ આર. કે. જાડેજા અને ચંદ્રસિંહ જાડેજાને બાતમી મળી હતી કે કુવાડવા ચોકડીથી વાંકાનેર તરફ જતાં રસ્તે રાણપરના પાટીયા સામેથી બોલેરો પીકઅપ ગાડી જીજે૩બીડબલ્યુ-૫૩૬૧ દારૂનો જથ્થો ભરીને નીકળી રહી છે. તેના આધારે વોચ રાખી આ ગાડીને પકડી લઇ તપાસ કરતાં અંદરથી રૂ. ૪,૮૦,૦૦૦નો ૧૦૦ પેટી (૧૨૦૦ બોટલ) દારૂ મળી આવતાં તે દારૂ તથા ૪ લાખની ગાડી કબ્જે કરી બે શખે નવા થોરાળા-૫માં રહેતાં નિતીન વિનુભાઇ વાઘેલા (ઉ.વ.૨૪) તથા નવા થોરાળા વિજયનગર-૩માં રહેતાં મહેન્દ્ર દિનેશભાઇ પરમાર (ઉ.વ.૨૨)ની ધરપકડ કરી કુલ રૂ. ૮,૯૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ બંને શખ્સોની વિશેષ પુછતાછ કરવામાં આવતાં પોતે સુરેન્દ્રનગર જીલ્લાની હદના ડોસલી ધુના ગામની સીમ (નવા બની રહેલા એરપોર્ટ પાછળની વાડી) વિસ્તારમાંથી બોલેરોમાં દારૂનો જથ્થો ભરી આવ્યાનું અને હજુ પણ ત્યાં કટીંગ થઇ રહ્યાનું કહેતા એસીપી ક્રાઇમની ટીમ ત્યાં ત્રાટકી હતી.

પોલીસ ઓચીંતી ત્રાટકતાં આરોપીઓ ભાગી ગયા હતાં. પણ વાડીમાંથી રૂ. ૧૪,૨૦,૮૦૦નો ૩૫૫૨ બોટલ દારૂ, એક ટ્રક જીજે૦૧એવી-૮૭૮૬ રૂ. ૧૦ લાખનો, ટ્રેકટર જીજે૧૩એનએન-૬૧૭૯ ટ્રોલી સાથે રૂ. ૩ લાખ, ઇનોવા કાર જીજે૦૪સીએચ-૭૦૦૭ રૂ. ૫ લાખ તથા એક મોબાઇલ ફોન મળી રૂ. ૩૨,૨૧,૩૦૦નો મુદ્દામાલ મળતાં કબ્જે કર્યો હતો.

આમ પોલીસે બે દરોડામાં કુલ રૂ. ૧૭,૮૦,૮૦૦નો ૩૯૬ પેટી દારૂ (૪૪૫૨ બોટલો) તથા ચાર વાહનો, ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૂ.૩૯,૯૧,૩૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલા બંને આરોપી નિતીન અને મહેન્દ્ર અગાઉ પણ દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયા છે. ડોસલી ધુના ગામે કોણે દારૂનો જથ્થો ઉતાર્યો હતો? તેની તપાસ હવે થશે.

રાજ્યના ડીજીપીશ્રી આશિષ ભાટીયા અને પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજાની સુચનાથી એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા અને તેમની ટીમ દારૂ જુગારની પ્રવૃતિ અટકાવવા માટે પેટ્રોલીંગમાં હતાં ત્યારે આર. કે. જાડેજા અને ચંદ્રસિંહ જાડેજાની બાતમી પરથી આ કામગીરી થઇ હતી. સાથે હેડકોન્સ. ભુપતભાઇ રબારી, ધર્મેન્દ્રસિંહ ઝાલા, મોહિતસિંહ જાડેજા, સુધિરસિંહ જાડેજા સહિતે આ કામગીરી કરી હતી.

(4:03 pm IST)