Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

કાગદડીના મહંતના આપઘાત કેસમાં ધરપકડથી બચવા ડોકટરની આગોતરા જામીન અરજીઃ ૧૯મીએ સુનાવણી

રાજકોટ, તા.૧૬: રાજકોટ નજીકના કાગદડી ગામે શ્રી ખોડીયારધામ આશ્રમનાં મહંત જયરામદાસબાપુના આપઘાત કેસમાં પુરાવાનો નાશ કરવાના આરોપી દેવ હોસ્પિટલના ડો.નિલેશભાઈએ રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કરેલ છે. તપાસનીશ અધિકારીએ આજે મુદત માંગતા કોર્ટે આવતીકાલ ઉપર આગોતરા અરજીની સુનાવણી આપેલ છે.

છેલ્લા ઘણાં સમયથી પોલીસને નિવેદન આપવાનું ટાળતા ડો.નિલેશભાઈએ ગુજરાત બહાર ભાગી ગયા હતા. તેની આ કેસમાં સંડોવણી ખુલતા ગઇ કાલે જ ગુનાઇત કાવતરૂ, પુરવઠો નાશ કરવાની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો હતો. આ અગાઉથી જ તે આગોતરા જામીન માટે કોર્ટનો આશરો લેશે તેવી જે સંભાવના દર્શાવાતી હતી તે સાચી પડી છે.

બીજી તરફ મહંતને આપઘાતની ફરજ પાડવાના આરોપી તેના ભત્રીજા અલ્પેશ તેના બનેવી હિતેષ અને વિક્રમ ભરવાડ ઉપરાંત પુરાવાનો નાશ કરવાના આરોપી એડવોકેટ રક્ષીત કલોલાને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની બે-બે ટીમો કામ કરતી હોવા છતાં આ તમામ આરોપીઓના કોઇ લોકેશન મળતા નથી. તે બાબત પણ હવે શંકાસ્પદ અને અનેક પ્રશ્રો ઉપસ્થિત કરનાર બની રહી છે.

પોલીસ સુત્રોએ આજે પણ તમામ આરોપીઓની કોઇ ભાળ નહી મળી રહયાની કેસેટ વગાડી હતી. આ સ્થિતિમાં ખરેખર પોલીસ આરોપીઓને પકડી શકતી નથી કે પછી તેની દાનતમાં ખોટ છે તે સંબંધે તરેહતરેહની ચર્ચાઓ હવે શરૂ થઇ ગઇ છે.

આરોપી અલ્પેશ અને હિતેષ મહંતને બ્લેકમેઇલીંગ કરી પડાવેલા પૈસામાંથી ખરીદેલા ત્રણ વાહનો તો પોલીસને મળી ગયા છે. પરંતુ આરોપી મળતા જ નથી તે બાબત પણ આશ્ચર્યજનક ગણાવાઇ રહી છે.

આ કામમાં ડોકટર વતી એડવોકેટ હરેશ પરસોડા, પિયુષ ઝાલા, વિવેક સાતા દિવ્યેશ લાખાણી, સાજીદ કક્કલ, અપુર્વ પાટડીયા, ચાંદની પુજારા રોકાયા છે. જયારે સરકારપક્ષે સરકારી વકીલ એસ.કે.વોરા રોકાયા છે.

(3:24 pm IST)