Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

હાલ કોઈ ભારે વરસાદના સંજોગો નથી : અશોકભાઈ પટેલ

ચોમાસુ દીવમાં સ્થિર થઈ ગયુ, સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં ચોમાસાની પ્રગતિ સારી થાય તેવી હાલ શકયતા ઓછી છે : તા.૨૩ જૂન સુધીમાં કયાંક કયાંક છાંટાછૂટી, હળવો વરસાદ, અલગ - અલગ દિવસે અલગ - અલગ વિસ્તારોમાં જુદા જુદા દિવસે વરસી જાય : ચોમાસુ આગળ વધવાના પરિબળોનો અભાવ

રાજકોટ, તા. ૧૬ : વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલ જણાવે છે કે હાલ તો ભારે કે સાર્વત્રિક વરસાદ પડવાના કોઈ સંજોગો નથી. કયાંક કયાંક છાંટાછુટી વરસી જાય. હાલ ચોમાસુ આગળ વધવાના પરિબળોનો અભાવ જોવા મળી રહ્યો છે.

તેઓએ જણાવેલ કે ૧૩મી જૂન સુધીમાં દેશના મોટાભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બેસી ગયુ છે આમ છતાં સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાત રીજનનો મોટો ભાગ, સમગ્ર રાજસ્થાન, નોર્થ વેસ્ટ એમ.પી., પશ્ચિમ ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબના અમુક ભાગો બાકી રહ્યા છે. ત્યારબાદ ચોમાસાની પ્રગતિ સ્થગિત થઈ ગઈ છે. ચોમાસુ દીવમાં ૧૧ જૂને પહોંચ્યુ હતું અને આજ દિવસ સુધી ત્યાં જ સ્થિર છે. હજુ પણ ચોમાસાની પ્રગતિ સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં સાર્વત્રિક રીતે થાય તેવી શકયતા હાલ ઓછી છે. જો કે ઉત્તરપ્રદેશ બાજુ થોડુ વધુ આગળ ચાલી શકે.

હાલ અસહ્ય બફારો જોવા મળે છે. રાજકોટમાં મહત્તમ નોર્મલ તાપમાન ૩૭ ડિગ્રી અને અમદાવાદમાં મહત્તમ નોર્મલ તાપમાન ૪૦ ડિગ્રી ગણાય. આમ હાલ છેલ્લા થોડા દિવસોથી તાપમાન ૪૦ ડિગ્રીની આસપાસ જોવા મળે છે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા.૧૬ થી ૨૩ જૂન સુધીની આગાહી કરતાં જણાવેલ કે સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં આગાહી સમય દરમિયાન કયાંક કયાંક છાંટાછુટી - હળવો વરસાદ અલગ અલગ દિવસે, અલગ અલગ વિસ્તારમાં પડશે. પોસ્ટલ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વધુ શકયતા છે. આગાહી સમયમાં નોંધપાત્ર કે સાર્વત્રિક મોટા વરસાદની શકયતા નથી. પવન મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમના ફૂંકાશે. ૧૫ થી ૨૫ કિ.મી. તેમજ સાંજના સમયે કયારેક કયારેક ૨૫ કિ.મી.ની ઝડપથી પણ વધી જાય. છૂટાછવાયા જોવા મળશે.

(3:08 pm IST)