Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

૧ જુલાઇથી રાજકોટમાં આંતરરાષ્ટ્રીય વેપાર મેળો

સૌરાષ્ટ્રના વેપાર ધંધાને વિદેશનું બજાર મળશે : ૨૦ દેશના ૧૦૦ થી વધુ વિદેશી બિઝનેશમેન આવશે : સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળ દ્વારા સતત ત્રીજુ આયોજન

રાજકોટ તા. ૧૬ : સૌરાષ્ટ્ર કચ્છના લઘુ ઉદ્યોગોમાં બનતી નિકાસને લાયક પ્રોડકટસને વિદેશની બજાર મળી રહે તેવા આશયથી સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આગામી તા.૧ થી ૩ રાજકોટના આંગણે આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન કરાયુ છે.

આ અંગે વિગતો વર્ણવતા એસ.વી.યુ.એમ.ના આગેવાનોએ જણાવેલ કે છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રકારનું આયોજન કરાતુ આવ્યુ છે. જેની ફળશ્રુતીરૂપે કરોડોનો વેપાર સૌરાષ્ટ્રના વેપાર ધંધાને મળતો થયો છે. ચિતલના સનેડો મીની ટ્રેકટરને કેન્યામાં મળેલ સિધ્ધી તાજુ ઉદાહરણ છે. છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ ૪૦ દેશના ૫૦૦ થી વધુ બિઝનેસમેન રાજકોટ આવી ચુકયા છે. આ વખતના વેપાર મેળામાં પણ ૨૦ દેશના ૧૦૦ થી વધુ પ્રતિનિધિ આવી રહ્યા છે.આગામી તા.૧ થી શરૂ થઇ રહેલ આ ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય વેપાર મેળાના આયોજન માટે અનેક સંગઠનોનો સહયોગ મળેલ છે. બ્રિટન કન્ટ્રી પાર્ટનર છે. જયારે જર્મન સરકારની સંસ્થા જીઆઇઝેડ ઇનોવેશન પાર્ટનર છે.

ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ, કૃષિ વિભાગ, પર્યટન વિભાગ, સાયન્સ અને ટેકનોલોજી વિભાગ, ઇન્ડેકસ બી, ગુજરાત એગ્રો, ગુજરાત ટુરીઝમ, ગુજરાત ઇન્ફોરમેટીકસ, ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ બોર્ડ સહિતના નિગમો પણ સહયોગ આપી રહેલ છે.

ભારત સરકારના ટેકસટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાની મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેનાર છે. જયારે ઉદ્દઘાટન માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને નિમંત્રણ પાઠવાયુ છે.આ વ્યાપાર મેળામાં હેલ્થ કેર, ફાર્મા, કોસ્મેટીકસ, ગાર્મેન્ટસ, ટેકસટાઇલ, એગ્રીકલચર ઇકવીપમેન્ટસ, કન્સ્ટ્રકશન મશીનરી, સીરામીક, સેનેટરી વેર, ઇમીટેશન જવેલરી સહીત તમામ પ્રકારની પ્રોડકટસને મોટુ માર્કેટ મળી રહેશે.

તાજેતરમાં ગુજરાત ફોર ડીફેન્સ ફોરમની રચના કરવામાં આવેલ છે. જે અંતર્ગત ડીફેન્સના પાર્ટસ અને ઉત્પાદનોનું ઉત્પાદન કરવા ગુજરાત સિંહ ફાળો આપી શકે તેવા હેતુથી આ મેળામાં તેનો ખાસ સ્ટોલ રખાશે. તેમજ તા. ર જુલાઇના સવારે ૧૦ થી ૧૨ સુધી ડીફેન્સ પાર્ટસ બનાવવા અંગેનો એક માર્ગદર્શક સેમીનાર પણ ગોઠવવામાં આવેલ છે.જેમ્સ એન્ડ ઝવેલરી એસો. દ્વારા એક આર્ટ ગેલેરી ગોઠવી જાણકારી અપાશે. બેરોજગાર યુવાનો માટે વીએન કન્સલ્ટન્સીના સહયોગથી જોબ અને એજયુકેશન ફેર પણ ત્રણ દિવસ માટે યોજાશે.

આ શો માં ભાગ લેનાર લઘુ ઉદ્યોગો કે જેઓ ઇએમઆઇ હેઠળ અથવા ઉદ્યોગ આધાર ઉત્પાદન હેઠળ રજીસ્ટર થયેલ હોય તેમને સ્ટોલની કિંમતના ૫૦% સુધી સબસીડી મળવા પાત્ર છે.

રાજકોટના આંગણે તા. ૧ થી ૩ સુધી એન.એસ.આઇ.સી. સેન્ટર, આજી વસાહત, ૮૦ ફુટ રોડ, અમુલ સર્કલ ખાતે યોજાનાર આ ઇવેન્ટમાં વધુને વધુ વેપારીઓ ઉદ્યોગકારોએ ભાગ લેવા જાહેર અનુરોધ કરાયો છે. આ માટે નામ નોંધણી એન વધુ માહીતી માટે મો.૮૧૨૮૪ ૧૧૪૫૬ ઉપર અથવા સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ, ૩૦૪, રજત કોમ્પલેકસ, સરદારનગર મેઇનરોડ, રાજકોટ ખાતે રૂબરૂ સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્વીરમાં આંતરરાષ્ટ્રીય વેપાર મેળા અંગે વિગતો વર્ણવતા એકઝીબીશન કમીટીના ચેરમેન મહેશ નગદીયા (મો.૯૩૭૪૧ ૪૨૪૧૫), આફ્રીકન સલાકાર સમિતિના ચેરમેન દિનેશભાઇ વસાણી, કમીટી મેમ્બર પ્રશાંત ગોહેલ અને ધનલ ગોહેલ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૪)

(4:25 pm IST)