Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

શહેરનો સર્વાંગી વિકાસ એ જ ધ્યેય : મેયર સહિતના નવનિયુકત પદાધિકારીઓની ખાત્રી

કોઠારીયા - વાવડીમાં વહેલી તકે પ્રાથમિક સુવિધાઓને પ્રાધાન્ય : રેસકોર્ષ-૨ અટલ સરોવરનું નિર્માણ વહેલી તકે પૂર્ણ કરાશે : આમ્રપાલી ફાટક અને કેકેવી ચોક બંને સ્થળોએ અંડરબ્રીજનું કામ ઝડપથી હાથ ધરાશે

'અકિલા'નાં આંગણે કોર્પોરેશનનાં નવ નિયુકત પદાધિકારીઓ-ભાજપ અગ્રણીઓઃ શુભેચ્છા મુલાકાતઃ રાજકોટઃ મ્યુનિ. કોર્પોરેશનનાં નવનિયુકત મેયર,ડે.મેયર, સ્ટે.ચેરમેન, શાસક પક્ષનાં નેતા, દંકડ તથા ભાજપના આગેવાનો આજે સવારે અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા તે વખતની તસ્વીરમાં અકિલાના તંત્રીશ્રી અજિતભાઇ ગણાત્રાના આર્શિવાદ લઇ રહેલા નવનિયુકત સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન ઉદયભાઇ કાનગડ તથા મ્યુનિ. ફાયનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, પુર્વ સ્ટેન્ડિગ ચેરમેન કશ્યપભાઇ શુકલ નજરે પડે છે. અન્ય તસ્વીરોમાં નવ નિયુકત મેયર બીનાબેન આચાર્યનું અકિલા પરિવારનાં હેતલબેન બારડ, ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલીયાનું અમિત જોશી, સ્ટેન્ડિગ ચેરમેન ઉદયભાઇ કાનગડનું રણજીતસિંહ ચૌહાણ, શાસક પક્ષનાં નેતા દલસુખભાઇ જાગાણીનું સુનીલ મકવાણા તથા દંડક અજય પરમારનું ફુલહાર કરી શુભેચ્છાઓ પાઠવી હતી તે નજરે પડે છે.   આ મુલાકાતમાં નવનિયુકત મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટેન્ડિગ ચેરમેન ઉદયભાઇ કાનગડ, શાસક પક્ષના નેતા દલસુખભાઇ જાગાણી, દંડક અજય પરમાર વગેરે નવ નિયુકત પદાધિકારીઓ સાથે સાંસદ મોહનભાઇ કુંડારીયા, મ્યુનિ.ફાયનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, યાત્રાધામના ઉપાધ્યક્ષ રાજુભાઇ ધ્રુવ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા તથા ભાજપના પ્રદેશ આગેવાન નિતિનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, પુર્વ મેયર ડો.જૈમનભાઇ ઉપાધ્યાય, પુર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, પુર્વ સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ તથા કશ્યપભાઇ શુકલ , શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુભાઇ કોઠારી, કિશોરભાઇ રાઠોડ, રૂપાબેન શીલુ, રાજુભાઇ અઘેરા સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.જે તસ્વીરમાં દર્શાય છે.(તસ્વીર-સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૬ : ગઇકાલે મ્યુ. કોર્પોરેશનના જનરલ બોર્ડમાં શહેરના ૨૦માં મેયર તરીકે બીનાબેન આચાર્ય તથા ડે.મેયર પદે અશ્વિનભાઇ મોલિયા તથા સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પદે ઉદયભાઇ કાનગડ અને શાસકપક્ષ નેતા પદે દલસુખભાઇ જાગાણી તેમજ દંડક તરીકે અજયભાઇ પરમાર વગેરે પદાધિકારીઓની નિયુકિતઓ થઇ હતી. દરમિયાન આજે મેયર સહિતના આ તમામ પદાધિકારીઓ સહિત ભાજપ આગેવાનોએ 'અકિલા' કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા અને આ તમામ નવનિયુકત પદાધિકારીઓએ શહેરના સર્વાંગી વિકાસ માટે એકી અવાજે ખાત્રી ઉચ્ચારી હતી.

આ તકે નવનિયુકત મેયર બીનાબેન આચાર્ય તથા સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદય કાનગડે જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણીની ટીમ તથા સર્વે મોવડી મંડળનો આ તકે આભાર માનીએ છીએ. રાજકોટ મહાનગરપાલિકામાં શહેરના મતદારોએ ભારતીય જનતા પક્ષમાં વિશ્વાસ મૂકી, સાડા ત્રણ દાયકાથી વધુ સમયથી શાસનની ધૂરા સોંપેલ છે. સ્વ. અરવિંદભાઇ મણીયારથી શરૂ કરીને તમામ પૂર્વ મેયરશ્રીઓએ શહેરનો વણથંભ્યો વિકાસ આગળ વધારેલ છે. શહેરના વણથંભ્યા વિકાસને કારણે રાજકોટ શહેર 'સ્માર્ટ સિટી' તરીકે પસંદ થયેલ છે અને હવે મેયર, ડે.મેયર, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન, શાસક પક્ષ નેતા અને દંડક તરીકે અમારી વરણી થયેલ છે ત્યારે સૌના સાથ સહકારથી શહેરની વિકાસયાત્રા આગળ વધે તેવા અમારા નમ્ર પ્રયાસ હશે.

તેઓએ જણાવેલ કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ 'સૌની યોજના' હેઠળ મચ્છુ-૧થી આજી ડેમ-૧માં નર્મદાનું અવતરણ કરાવી, પાણીની સમસ્યા ભૂતકાળ બનાવી દીધેલ ત્યારે શહેરને દૈનિક સુવ્યવસ્થિત પીવાનું પાણી મળે, તેને પ્રાધાન્ય આપવામાં આવશે. ઉપરાંત નવા ભળેલા કોઠારીયા - વાવડી વિસ્તારોમાં વહેલાસર પ્રાથમિક સુવિધાઓ પ્રાપ્ત થાય તેવા પ્રયાસો કરાશે અને શહેરને એક સુંદર ફરવાનું સ્થળ મળે એટલે કે, રેસકોર્ષ-૨ અને તેને લાગુ અટલ સરોવર વહેલાસર ડેવલપ થાય તે દિશામાં પણ પ્રયાસો હાથ ધરીશું.

જ્યારે શહેરની ટ્રાફિકની સમસ્યા હળવી બને તે માટે કેકેવી ચોક તથા આમ્રપાલી ફાટક અન્ડરબ્રીજ વહેલાસર બનાવવા પ્રયાસો કરવા નવનિયુકત પદાધિકારીઓએ આ તકે ખાત્રી ઉચ્ચારી હતી.

આ ઉપરાંત ઘરવિહોણાને પોતાના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય તે માટે નવી આવાસ યોજનાનો ગરીબ વર્ગના લોકોને રોજગારી મળે તે માટે નવા હોકર્સ ઝોન, રાત્રી બજાર શરૂ કરાશે. રમતવીરોને પ્લેટફોર્મ મળે તે દિશામાં પણ વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરાશે. શહેરમાં મીટરથી પાણી વિતરણની વ્યવસ્થા વિસ્તારવામાં આવશે.

પ્રદ્યુમન પાર્ક ઝુ ડેવલપમેન્ટની કામગીરી આગળ વધારાશે. આમ સૌના સહકારથી પ્રાથમિક સુવિધાની સાથે સાથે નવા પ્રોજેકટ આગળ વધારી, ખરા અર્થમાં સ્માર્ટ સિટી, રળિયામણુ અને સ્વચ્છ શહેરની સર્વાંગી વિકાસમાં ધ્યેય સાથે કાર્યવાહી હાથ ધરવા તમામ નવનિયુકત પદાધિકારીઓએ ખાત્રી ઉચ્ચારી હતી.(૨૧.૨૩)

(4:16 pm IST)