Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

કોંગ્રેસે શાસનનો ચાન્સ ગુમાવ્યોઃ તો પણ શાસકપક્ષ દબાશે

ભાજપમાં નારાજગી બહાર આવતા કોર્પોરેશનના રાજકારણમાં પ્રવાહી સ્થિતિ... ગમે ત્યારે બળવો ?: ભાજપના ૪ નારાજ નગરસેવકો વિપક્ષી નેતાના સંપર્કમાં: ગઈકાલે કોંગ્રેસના બે કોર્પોરેટરો બહાર ગામ હોવાથી સત્તા મેળવી શકયા નહીં: ભાજપના બાગીને મેયર બનાવવા સુધીનો પ્લાન નક્કી હતો

રાજકોટ, તા. ૧૬ :. ગઈકાલે મ્યુ. કોર્પોરેશનમાં મેયર સહિતના પદાધિકારીઓની ચૂંટણી જનરલ બોર્ડમાં યોજાઈ હતી. આ ચૂંટણી પૂર્વે શાસક પક્ષ ભાજપની સંકલન બેઠકમાં નવા મેયર સહિતના પદાધિકારીઓના નામોની જાહેરાત થતા જ ભાજપના સિનીયર મહિલા કોર્પોરેટર ભારે નારાજ થઈ રોઈ પડયા હતા. તેવી જ રીતે અન્ય એક મહિલા કોર્પોરેટરે પણ નારાજગી વ્યકત કરેલ અને એક સિનીયર કોર્પોરેટરે પણ નવી નિણણૂકો સામે અસંતોષ વ્યકત કર્યો હતો. આમ શિસ્તબદ્ધ ગણાતા ભાજપમાં નારાજગીનો દોર શરૂ થઈ જતા હવે કોર્પોરેશનના રાજકારણમાં પ્રવાહી સ્થિતિ સર્જાઈ છે અને ગમે ત્યારે બળવો પણ થઈ શકે તેવા સંજોગો ઉભા થયા છે કેમ કે ગઈકાલે જે પ્રકારે ભાજપના ૩ થી ૪ કોર્પોરેટરોએ નારાજગી વ્યકત કરી હતી તેના કારણે વિપક્ષ કોંગ્રેસને જનરલ બોર્ડમાં મતદાન વખતે શાસનનો જબરદસ્ત મોકો હતો પરંતુ કોંગ્રેસના જ બે કોર્પોરેટરો બહારગામ હોવાથી કોંગ્રેસ સત્તાથી થોડુ દૂર રહી ગયું. જો કે આમ છતાં હવે શાસકોને આ પ્રકારે દબાવવાનો મોકો વિપક્ષને મળી ગયો છે.

કોંગ્રેસના વર્તુળોમા ચર્ચાતી વિગતો મુજબ છેલ્લા એક સપ્તાહથી ભાજપના ચાર જેટલા કોર્પોરેટરો વિપક્ષી નેતાના સંપર્કમા હતા અને જનરલ બોર્ડમા મેયરની ચૂંટણી વખતે ભાજપના બાગીઓને મેયર સહિતના મહત્વના પદ પર બેસાડી અને કોંગ્રેસના ટેકાથી બાગીઓનું શાસન સ્થાપવા સુધીનો પ્લાન નક્કી હતો પરંતુ કોંગ્રેસના બે કોર્પોરેટરો બહારગામ હોવાથી જનરલ બોર્ડમાં શાસન માટે જરૂરી સંખ્યામાં બે કોર્પોરેટરોનુ છેટુ પડી ગયુ અને કોંગ્રેસને શાસનનો ગોલ્ડન ચાન્સ ગુમાવવો પડયો.

આમ કોર્પોરેશનમાં હવે અત્યંત રાજકીય પ્રવાહી સ્થિતિ સર્જાય રહી છે કેમ કે શાસક પક્ષ ભાજપના ૩ થી ૪ કોર્પોરેટરો ભારે નારાજ છે તે ખુલ્લુ પડી ગયુ છે. એટલુ જ નહિ ભાજપનો આંતરીક જુથવાદ પણ હવે વકરશે તેવી પુરેપુરી સંભાવનાઓ છે અને હવે નવા પદાધિકારીઓને દબાવવાનો વિપક્ષની સાથોસાથ ભાજપના નારાજ થયેલા કોર્પોરેટરોને પણ મળી ગયો છે.(૨-૨૬)

(4:13 pm IST)