Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

નવલનગરના ભરવાડ યુવાન મારૂતિની હત્યામાં ફરાર બોરીચા બંધુ લાલો અને સંજય ઝડપાયા

૩૧મીએ વાહન દૂર હટાવવા મામલે પડોશી બોરીચા પરિવારે હુમલો કરતાં મારૂતિ અને તેના ભાઇ લખન મેવાડાને ઇજા થઇ'તીઃ ૮મીએ મારૂતિએ દમ તોડી દીધો'તોઃ ક્રાઇમ બ્રાંચે મેટોડા નજીકના ખેતરમાંથી પકડી લીધા

પી.આઇ. એચ. એમ. ગઢવી, પીએઅસાઇ આર. સી. કાનમીયા અને ટીમ તથા પકડાયેલા બંને શખ્સ જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૬: નવલનગર-૩/૧૮ના ખુણે રહેતાં લક્ષમણ ઉર્ફ લખન સુરેશભાઇ મેવાડા (ભરવાડ) (ઉ.૩૪) તથા તેના નાના ભાઇ  મારૂતિ સુરેશભાઇ મેવાડા (ઉ.૨૮) ઉપર ૩૧મીએ પડોશમાં જ રહેતાં નામચીન બોરીચા પરિવારે છરીથી હુમલો કરતાં મારૂતિના આંતરડા બહાર નીકળી જતાં ગંભીર ઇજા પહોંચી હતી. સારવાર દરમિયાન ૮મીએ તેનું મોત નિપજતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો. હત્યાના આ ગુનામાં ફરાર બંને બોરીચા ભાઇઓને આજે ક્રાઇમ બ્રાંચે મેટોડા નજીક બોરીચાની વાડીમાંથી પકડી લીધા છે.

માલવીયાનગર પોલીસે લક્ષમણ ઉર્ફ લખનની ફરિયાદ પરથી તેના પડોશી કાનો ઉર્ફ લાલો ડાયાભાઇ બોરીચા, સંજય ડાયાભાઇ બોરીચા, ડાયા બોરીચા, હંસા ડાયા બોરીચા અને તેના સગા નાગજી વરૂ સામે આઇપીસી ૩૦૭, ૩૨૬, ૧૪૩, ૫૦૪, ૧૩૫ (૧) મુજબ મંડળી રચી હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવા સબબ ગુનો નોંધ્યો હતો. જેમાં ડાયા બોરીચા, હંસા બોરીચા અને નાગજી વરૂની ધરપકડ કરી લેવાઇ હતી.

લક્ષમણને પોતાની કાર પાર્ક કરવી હોઇ પડોશી લાલા બોરીચાના ઘરે આવેલા શખ્સોના મોટરસાઇકલો આડેધડ પાર્ક કરાયા હોઇ જે પોતે હટાવતો હતો ત્યારે કાનો ઉર્ફ લાલો ધસી આવ્યો હતો અને વાહનો શું કામ હટાવ્યા કહી છરીથી તૂટી પડતાં લક્ષમણ તથા નાના ભાઇ મારૂતિને ગંભીર ઇજા પહોંચી હતી. કાના સાથે તેનો ભાઇ, માતા-પિતા સહિતનાએ પણ હુમલો કર્યો હતો.

સારવાર દરમિયાન ૮મીએ રાત્રે મારૂતિ મેવાડાએ દમ તોડી દેતાં બનાવ હત્યામાં પરિણમતાં સ્વજનોમાં અરેરાટી વ્યાપી ગઇ છે. હત્યાના ગુનામાં ફરાર કાનજી ઉર્ફ લાલો ડાયાભાઇ ડાવેરા (બોરીચા) (ઉ.૨૩)  તથા સંજય ડાયાભાઇ ડાવેરા (ઉ.૧૯) (રહે. બંને નવલનગર-૩/૧૮) મેટોડા નજીક બોરીચાના ખેતરમાં આવ્યાની માહિતી મળતા બંનેને પકડી લેવાયા છે.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડીે.એસ. ભટ્ટ, ડીસીપી બલરામ મીના, ડીસીપી કરણરાજ વાઘેલા અને એસીપી ક્રાઇમ બી. બી. રાઠોડના માર્ગદર્શન હેઠળ પી.આઇ. એચ. એમ. ગઢવી, પીએસઆઇ આર. સી. કાનમીયા, એચ. બી. ધાંધલ્યા, માલવીયાનગરના યુ. બી. જોગરાણા, ઇન્દ્રજીતસિંહ ઝાલા, મયુરસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, દિલીપસિંહ જાદવ, મુકેશભાઇ લોખીલ, હરપાલસિંહ જાડેજા તેમજ ડીસીબીના જગમાલભાઇ ખટાણા, મયુરભાઇ પટેલ, સંતોષભાઇ મોરી, જયસુખભાઇ હુંબલ, સામતભાઇ ગઢવી, યોગીરાજસિંહ જાડેજા, સંજયભાઇ કુમારખાણીયા, હિતેન્દ્રસિંહ, ચેતનસિંહ ચુડામાસ, હરદેવસિંહ, સંજયભાઇ રૂપાપરા, રવિરાજસિંહ પરમાર, સ્નેહ ભાદરકા સહિતના સ્ટાફની ચાર ટીમો કામે લાગી હતી. જગમાલભાઇ, મયુરભાઇ અને રવિરાજસિંહની બાતમી પરથી બંનેને પકડી લેવાયા હતાં.

(4:10 pm IST)