Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

પતિ ઘરમાં પૈસા આપતો ન હોવાથી કંટાળીને લોધેશ્વર સોસાયટીમાં નયનાબેને ઝેર પીધું

યાર્ડ પાસે હુડકોમાં જેઠાણી સાથે ઝઘડો થતાં સગર્ભા અરૂણાએ ફિનાઇલ પીધું

રાજકોટ તા. ૧૬: ગોંડલ રોડ પર પીડીએમ પાછળ લોધેશ્વર સોસાયટી-૩/૭ના ખુણે રહેતાં નયનાબેન ચેતનભાઇ મોટલીયા (ઉ.૩૫) નામના લોધા મહિલાએ ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. તેણીના કહેવા મુજબ તેને સંતાનમાં બે પુત્ર છે. પતિ ચેતન મોટલીયા કારખાનામાં મજૂરીએ જાય છે પણ ઘરમાં પૈસા આપતો નથી. આ બાબતે પુછતાં તેણે માથાકુટ કરતાં માઠુ લાગી જતાં પગલુ ભર્યુ હતું. પોતે ઘરનું ગુજરાન ચલાવવા પાપડ વણે છે. માલવીયાનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં માર્કેટ યાર્ડ પાસે હુડકો કવાર્ટર એલ-૩/૧૨માં રહેતી અરૂણા હિતેષ કોટક (ઉ.૨૭) એ ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. તેણીના લગ્ન પાંચ માસ પહેલા જ થયા છે અને હાલમાં સગર્ભા છે. માવતર મુંબઇ રહે છે. જેઠાણી સાથે કામ બાબતે ચડભડ થતાં ફિનાઇલ પીધાનું તેણીએ કહ્યું હતું. હોસ્પિટલ ચોકીના હરેશભાઇ રત્નોતર અને ધીરેનભાઇ ગઢવીએ બી-ડિવીઝનને જાણ કરી હતી.

(12:50 pm IST)