Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

જિલ્લા પંચાયતમાં ભાજપની પૂરતી સંખ્‍યા ન થઇ : ‘સંકલન' બેઠકનું સૂરસૂરીયુ

દર સોમવારે સંકલન બેઠક યોજવાનો નિર્ણય પણ રસ બહુ ઓછાને : પ્રમુખ - ઉપપ્રમુખ વગેરે ગેરહાજર : માત્ર ૩ ચેરમેન જ હાજર

રાજકોટ તા. ૧૬ : જિલ્લા પંચાયતમાં કુલ ૩૬ પૈકી ૨૪ સભ્‍યો ભાજપના અને ૧૨ કોંગીના ચૂંટાયેલા છે પણ બન્‍ને પક્ષના સભ્‍યો પંચાયત કચેરીની મુલાકાત લેવાની બાબતમાં મહદઅંશે પાછા પડે છે. શાસક ભાજપે ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ વચ્‍ચે સંકલન જાળવવા દર સોમવારે સવારે સંકલન બેઠક યોજવાનું નક્કી કરેલ. એક-બે સોમવારે બધુ બરાબર ચાલ્‍યા બાદ આજે સંકલન બેઠક જેવું કંઇ રહ્યું જ ન હતું. મોટાભાગની સમિતિના અધ્‍યક્ષો અને સભ્‍યો ગેરહાજર રહેતા કહેવાતી સંકલન બેઠક નામની બની રહી હતી.
આજે સંકલન બેઠક ટાણે જિલ્લા પંચાયતમાં માત્ર ત્રણ સમિતિના ચેરમેન હાજર હતા તે ત્રણેયએ બે ડે. ડી.ડી.ઓ. સાથે બેઠક યોજેલ. આજે કોઇ પ્રશ્નો નથી તેમ કહી ગણતરીની મીનીટોમાં સંકલન બેઠક પૂરી કરી દેવામાં આવી હતી. સખત ઉનાળો ચાલી રહ્યો છે અને ચોમાસુ નજીક આવી રહ્યું છે છતાં ચૂંટાયેલા સભ્‍યોને કોઇ પ્રશ્નો હોવાનું માલુમ પડયું નથી. આજે પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના પદાધિકારીઓ સંકલન બેઠક વખતે હતા નહિ. મતદારોએ ભાજપને પૂર્ણ બહુમતી સાથે શાસન સોંપ્‍યું હોવા છતાં પંચાયતના વાતાવરણમાં ધમધમાટનો અભાવ દેખાય છે. ડી.ડી.ઓ.એ બપોરે ૩ વાગ્‍યે શાખા અધિકારીઓની બેઠક યોજેલ છે. વહીવટી તંત્રની આ બેઠકમાં કોઇ પદાધિકારીઓ હાજર રહેશે કે નહીં ? તે સ્‍પષ્‍ટ થયું નથી.

 

(4:11 pm IST)