Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની સુવિધામાં વધારો કરતા કુલપતિ ભીમાણીઃ ટ્રાન્‍સ્‍ક્રીપ્‍ટ ઓનલાઇન મળશે

વિદ્યાર્થીઓના નાણા-સમય બચશે : નિયામક નિલેશ સોનીને અભિનંદન પાઠવતા કુલપતી

રાજકોટ,તા. ૧૬: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષા વિભાગમાં વિદ્યાર્થીઓની સુવિધા માટે કોમ્‍પ્‍યુટર સીસ્‍ટમ મુકવામાં આવેલ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ગીરીશભાઈ ભીમાણી એ જણાવ્‍યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હરહંમેશ વિદ્યાર્થીઓને કેન્‍દ્રમાં રાખીને કાર્ય કરી રહી છે. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને પર્યાપ્ત સુવિધાઓ મળે એ માટે સતત પ્રયત્‍નશીલ છે.
આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ દ્વારા વિદ્યાર્થીઓને સમય અને શકિતનો બચાવ થાય અને વિદ્યાર્થીઓને વિશેષ સુવિધા પ્રાપ્ત થાય એ માટે  ટ્રાન્‍સ્‍ક્રીપ્‍ટ ઓનલાઈન મળે એ માટેની સુવિધા શરુ કરવામાં આવેલ છે.
વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ પર જઈને ટ્રાન્‍સ્‍ક્રીપ્‍ટ પર ક્‍લિક કરી પોતાનો એનરોલમેન્‍ટ નંબર ટાઈપ કરી ઓનલાઈન ફી ભરવાની રહેશે. ઓનલાઈન ફી પેમેન્‍ટ થયા બાદ વિદ્યાર્થીને પોતાના ઈમેઈલ પર ટ્રાન્‍સ્‍ક્રીપ્‍ટ મળી જશે. આ ઉપરાંત પોતાના લોગઈન પરથી પણ વિદ્યાર્થીને જરુર પડ્‍યે કોઈપણ સમયે પોતાની ટ્રાન્‍સ્‍ક્રીપ્‍ટ ડાઉનલોડ કરી શકશે. આ માટે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં રુબરુ આવવું નહીં પડે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે આ ઉપયોગી એવી સુવિધાઓ શરુ કરવા બદલ કુલપતિ પ્રો. ગીરીશભાઈ ભીમાણી એ પરીક્ષા નિયામક નીલેશભાઈ સોનીને અભિનંદન પાઠવ્‍યા હતા. કુલપતિશ્રીની રૂબરૂ મુલાકાત દરમ્‍યાન સિન્‍ડિકેટ સભ્‍ય ડો. ધરમભાઈ કાંબલીયા, પરીક્ષા નિયામક નિલેષભાઈ સોની, પ્રો. કે.એચ. આટકોટીયા, પ્રો. જે.એમ. ચંદ્રવાડીયા તથા પરીક્ષા વિભાગના કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(4:10 pm IST)