Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

રાજકોટ લોહાણા મહાજન આયોજીત શ્રી રામકથા માટે ‘શ્રી હનુમાન ચાલીસા'ના પાઠ સાથે પ્રસાદનું પેકીંગ

એડવોકેટસ, સી.એ. તથા ટેકસ કન્‍સલ્‍ટન્‍ટસની મિટીંગમાં એકજ અવાજે ‘શ્રી રામકથા' નો નાદ ગૂંજયોઃ દાતાઓનો અવિરત સહકાર : મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ સહિતની સમગ્ર ટીમની ભારે જહેમતઃ આજે રાતથી : ‘શ્રી રામનગરી' ચૌધરી હાઇસ્‍કૂલ ખાતે કાર્યાલય ધમધમતું થશે

રાજકોટ તા. ૧૬: વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન શ્રી રાજકોટ લોહાણા મહાજન દ્વારા તા.ર૧ મેથી ર૯ મે, ર૦રર દરમ્‍યાન ‘શ્રી રામનગરી', ચૌધરી હાઇસ્‍કૂલ મેદાન, રાજકોટ ખાતે દરરોજ સાંજે ૪-૩૦ થી ૮-૩૦ વાગ્‍યા દરમ્‍યાન શ્રી રામકથાનું ઐતિહાસિક આયોજન કરવામાં આવ્‍યું છે જેમાં મુખ્‍ય વકતા તરીકે આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિ પ્રાપ્ત પૂજયશ્રી ભુપેન્‍દ્રભાઇ પંડયા (મુંબઇ) વ્‍યાસાસને બિરાજશે અને ભકતોને કથાનું રસપાન કરાવશે. દિવસના અંતે દરરોજ કથાવિરામ બાદ ભકતો માટે પ્રસાદની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી છે. રાજકોટ લોહાણા મહાજનના ઇતિહાસમાં પ્રથમ વખત કોર્પોરેટ ટચ સાથે યોજાતી શ્રી રામકથામાં કથા મંડપમાં દરેક રામભકતને પ૦૦ એમ.એલ.ની મિનરલ વોટરની બોટલ પણ આપવામાં આવશે.
હજ્‍જારો ભકતોને પ્રસાદનું વિતરણ કરવા માટે પ્રસાદના પેકીંગનું કામ પણ પૂરજોશમાં શરૂ થઇ ચુકયું છે. પ્રસાદનું પેકીંગ કરતા-કરતા ‘શ્રી હનુમાન ચાલીસા'ના પાઠ પણ સતત સાંભળવા મળે છે જે સમગ્ર વાતાવરણને પવિત્ર બનાવી દે છે.
શનિવાર તા.૧૪ મેના રોજ રાત્રે શ્રી રામકથાના કાર્યાલય, એસ્‍ટ્રોન બિઝનેસ હબ, એસ્‍ટ્રોન ચોક, રાજકોટ ખાતે તમામ રઘુવંશી એડવોકેટસ, સી.એ., અને ટેકસકન્‍સલ્‍ટન્‍ટસની મિટીંગ રાખવામાં આવી હતી. જેમાં હાજર રહેલ સૌ તરફથી એકજ અવાજે ‘શ્રી રામકથા'નો નાદ ગૂંજયો હતો અને ઐતિહાસિક શ્રી રામકથાના આયોજનને તન, મન, ધનથી સફળતમ્‌ બનાવવાનો કોલ આપવામાં આવ્‍યો હતો.
રાજકોટમાં અંદાજે અઢી લાખ જેટલી વસ્‍તી ધરાવતો રઘુવંશી સમાજ અને સમગ્ર, રાજકોટ હાલમાં શ્રી રામમય બની ગયું છે. ત્‍યારે દાતાઓ દ્વારા પણ દાનનો ધોધ સતત વરસી રહ્યો છે. દાનનો પ્રવાહ અસામાન્‍ય રીતે ચાલુ રહેવા પામ્‍યો છે.
દરમિયાન ‘શ્રી રામકથા' નું કાર્યાલય આજે રાતથી એસ્‍ટ્રોન બિઝનેસ હબ, એસ્‍ટ્રોન ચોક ખાતે બંધ કરીને કથા સ્‍થળ ‘શ્રી રામનગરી', ચૌધરી હાઇસ્‍કૂલ મેદાન, રાજકોટ ખાતે કાર્યરત થઇ રહ્યું હોવાનું રાજુભાઇ પોબારૂ તથા નિશાંતભાઇ ચોટાઇ જણાવી રહ્યા છે.
ઐતિહાસિક શ્રી રામકથાના સુચારૂં અને સચોટ આયોજન માટે શ્રી રાજકોટ લોહાણા મહાજનના તમામ હોદ્દેદારો-શ્રેષ્‍ઠીઓ અકિલા પરિવારના મોભી અને જ્ઞાતિશ્રેષ્‍ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાને મળ્‍યા હતા અને તેમનું માર્ગદર્શન, અભિપ્રાય, સૂચનો અને સહયોગ મેળવ્‍યો હતો. શ્રી  રામકથાના આયોજનને સફળતાપૂર્વક પાર પાડવા માટે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મંત્રીઓ રીટાબેન કોટક અને ડો. હિમાંશુભાઇ ઠક્કર, ઇન્‍ટરનલ ઓડીટર ધવલભાઇ ખખ્‍ખર, ટ્રસ્‍ટીઓ ડો. પરાગભાઇ દેવાણી, જીતુભાઇ ચંદારાણા, કિશોરભાઇ કોટક, હિરેનભાઇ ખખ્‍ખર, શ્‍યામલભાઇ સોનપાલ, મનિષભાઇ ખખ્‍ખર, તુષારભાઇ ગોકાણી, જતીનભાઇ કારીયા, દિનેશભાઇ બાવરીયા, હરીશભાઇ લાખાણી, રીટાબેન કુંડલીયા, જયશ્રીબેન સેજપાલ, રંજનબેન પોપટ, ડો. આશીષભાઇ ગણાત્રા, શૈલેષભાઇ પાબારી, યોગેશભાઇ જસાણી, પ્રદિપભાઇ સચદે, ધવલભાઇ કારીયા, વિધિબેન જટાણીયા, અલ્‍પાબેન બરછા, દિપકભાઇ પોપટ સહિતના વિવિધ લોહાણા અગ્રણીઓ, જ્ઞાતિજનો, તમામ મહિલા મંડળો, જલારામ સેવા સમિતિ ૧પ૦ ફુટ રીંગરોડ, રઘુવંશી પરિવારજનો, વાણિયાવાડી જલારામ જયંતિ સમિતિ, લોહાણા કર્મચારી મંડળ, યુવક મંડળના સભ્‍યો, દાણાપીઠ, માર્કેટીંગ યાર્ડનું સંગઠ્ઠન, ડોકટર્સ સંગઠન વિગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

 

(4:15 pm IST)