Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

તૌકતે વાવાઝોડા સામે ગભરાહટમાં ન આવવા અને વધુ સતર્ક રહેવા રાજકોટ મ.ન.પા. તંત્રની અપીલ

વાવાઝોડાની સંભવિત અસરો સામે આવશ્યક પગલાંઓ લેવા શહેરીજનોને અનુરોધ

રાજકોટ: આગામી સમય દરમ્યાન ‘‘તૌકતે’’ વાવાઝોડાની મહતમ અસર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ સંભવિત પરિસ્થિતિમાં શહેરમાં વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જેની સાથે શહેરીજનોએ પણ કાળજી રાખવી જરૂરી છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નગરજનોને તૌકતે વાવાઝોડા સામે ગભરાહટમાં ન આવવા અને વધુ સતર્ક રહેવા અપીલ કરવામાં આવે છે. આ ઉપરાંત લોકોને અન્ય કેટલીક બાબતો અંગે પણ વિશેષ કાળજી લેવા ખાસ અનુરોધ કરાવામાં આવેલ છે જેમાં વૃક્ષની નીચે વાહનો ન રાખવા. અગાસીની કિનારી પર રાખવામાં આવેલ કુંડા વિગેરે નીચેના ભાગે ધાબા પર રાખી દેવા. શક્ય હોય ત્યાં સુધી અગાસી પર રાખેલા પ્લાસ્ટિક સીટ / પતરા સુવ્યવસ્થિત કરી દેવા, અકસ્માતે પવનથી ઉડતા જાનહાની નિવારી શકાય. ચાલુ વાહન હોય તો ગાડીના કાચ બંધ રાખવા. આવા સમયે બે પૈડાવાળા વાહન લઈને બહાર ન જવા, ઘરનો વીજ પુરવઠો ખોરવાઈ જવાની દહેશત હોય, મીણબત્તી ટોર્ચ હાથવગા રાખવા, તંત્ર સામે બિનજરૂરી ફરિયાદ ન કરવી. અતિ આવશ્યક હોય તો જ ઘરની બહાર જવું. રેગ્યુલર દવા લેતા દર્દીઓએ દવા ખૂટે નહી તે માટે આગોતરી જરૂરી દવાઓ ઘરમાં લઇ લેવી. પીવાના પાણીનો પુરવઠો વ્યવસ્થિત કરી લેવો. બિનજરૂરી બહાર ન જવું વિગેરે અંગે સતર્કતા દાખવવી જરૂરી છે. વિશેષમાં અનેક લોકોએ પોતાના મકાનો ઉપર સોલાર પેનલ રાખેલી હોય છે જે ભારે પવનમાં ઉડે નહી તે માટે થોડો સમય ઉતારી લેવી જોઈએ તેમજ અગાસી પર રહેલી પાણીની ટાંકી ભરેલી જ રાખવી જોઈએ. ખાલી ટાંકી ભારે પવનમાં ઉડવાની શક્યતા રહે છે.

વાવાઝોડા દરમ્યાન સામાન્ય રીતે ઝાડ પડવા કે ઇલેક્ટ્રિક લાઈનો અને થાંભલાને નુકસાન થવાની શક્યતાઓ હોય છે ત્યારે આ સંભવિત પરિસ્થિતિને નજર સમક્ષ રાખી મહાનગરપાલિકાએ ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ અને રોશની વિભાગને સતર્ક કરેલ છે અને આવશ્યકતા અનુસાર પી.જી.વી.સી.એલ. સાથે સંકલનમાં રહીને જરૂરિયાત મુજબ કામગીરી હાથ ધરવામાં આવશે. ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના તમામ ફાયર સ્ટેશન સ્ટેન્ડ ટુ મોડમાં છે.

(1:46 pm IST)