Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

જેને મેળવવા લોકો દુર-દુર ભટકે છે તે

મ્યુકોરમાઇકોસીસ માટેના ઇન્જેકશન્સની સીધી ફાળવણી હવે ડ્રગ કંટ્રોલ ઓફ ઇન્ડિયા દ્વારા થશે

DCT દિલ્હી દ્વારા જરૂરીયાત મુજબ AMPHOTERI CIN ઇજનેશન્સ રાજયોને અને રાજકક્ષાએથી જે-તે જીલ્લાઓને ફાળવણી કરવા ચેનલ ગોઠવાઇ હવે જીલ્લા કક્ષાએ જરૂરીયાતમંદ લોકોને સરળતાથી ઇન્જેકશન્સ મળે તેવી વ્યવસ્થા અતિ આવશ્યક ખાનગી હોસ્પિટલોમાં દાખલ થયેલ દર્દીઓનું શું?

રાજકોટ તા. ૧પ : ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ભયંકર તબાહી મચાવનાર કાળમુખા કોરોનાની અસરમાંથી  બહાર આવ્યા પછી નાક અને સાયનસની ઝેરી ફુગ (ફંગસ-બ્લેક ફંગસ) ને કારણે થતા મ્યુકોરમાઇકોસીસ નામના રોગે લોકોમાં નવી ઉપાધી ઉત્પન કરી દીધી છે.આ રોગની સારવારમાંં વપરાતા AMPHOTERI CIN સાદા કે 'B' વાળા ઇન્જેકશન્સે પણ લોકોને દર-દર ભટકતા કરી દીધા છે.

ઇન્જેકશન્સ મેળવવા માટે લોકો એક મેડીકલ સ્ટોરથી બીજા મેડીકલ સ્ટોર અને ત્યાંથી ત્રીજા મેડીકલ સ્ટોર એમ બેબાકળા થઇને સતત દોડી રહ્યા છે, પરંતુ મોટાભાગે નિરાશા સાંપડી રહી છે. અમુક કિસ્સામાં તો લોકો સંગ્રહ ખોટો કે કાળાબજારનો પણ ભોગ બની રહ્યાનું સાંભળવા મળે છે.

મ્યુકોરમાઇકોસીસ સંદર્ભે જેને રાજયોની ઇન્જેકશન્સની જરૂરીયાત મુજબ જ યોગ્ય ફાળવણી થઇ શકે તે માટે હવે ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયા દિલ્હી દ્વારા જ રાજયોને ડાયરેકટ એલોકેશન કરવાનો નિર્ણય કરાયો હોવાનું જાણવા મળે છે

સૌરાષ્ટ્ર-કચ્છ તથા રાજકોટ કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ એસો.ના પ્રમુખ મયુરસિંહ જાડેજા અને મંત્રી અનિમેષભાઇ દેસાઇએ આજે અકિલાને જણાવ્યું હતું. કે એમ્ફોટેરીસીન સાદા  કે 'B' વાળા બનાવતી કંપનીઓ પાસેથી પ્રોડકટશનની તમામ માહિતી એકઠી કરી ડ્રગ કંટ્રોલ ઓફ ઇન્ડિયા (DCI) દ્વારા જે- તે રાજયોને સીધા જ જરૂરીયાત મુજબના ઇન્જેકશન્સ ફાળવી દેવાનું નકકી કરાયું છે. ત્યારબાદ જે-તે રાજયની ફુડ એન્ડ ડ્રગ ઓથોરીટી જરૂરીયાત મુજબ જે-તે જીલ્લાને ઇન્જેકશન્સની ફાળવણી કરી દે કે જેથી લોકોને રેગ્યુલર ડોઝ મળી શકે.

પરંતુ હવે આ સિસ્ટમથી જીલ્લા કક્ષાએ ઇન્જેકશન્સ મળી શકશે કે કેમ ? તે સવાલ લોકોને મૂંઝવી રહ્યો છે. જીલ્લા તથા તાલુકા કક્ષાએ લોકોને સરળતાથી ઇન્જેકશન્સ મળે તેવી વ્યવસ્થા અતિ આવશ્યક છે.

એવું પણ જાણવા મળે છે કે જે ત્રણ-ચાર કંપનીઓ એન્ફોટેરીસીન ઇન્જેકશન્સ બનાવે છે. તેની પાસેથી અંદાજે ૭પ ટકા જેટલો જથ્થો ડાયરેકટ સરકારી તંત્ર દ્વારા જ લઇ લેવામાં આવે છે. અને તે સીધો જ રાજયની વિવિધ સિવિલ હોસ્પિટલોમાં ફાળવી દેવામાં આવે છે તો બાકીનો અંદાજે રપ ટકા જથ્થો કેવી રીતે કોના દ્વારા અને કોને ? ફાળવવામાં આવે છતે બાબતે પણ પરદર્શિતા રાખવી જરૂરી હોવાનું દવાબજારના અગ્રણીઓ  તથા જરૂરીયાતમંદ લોકો કહી રહ્યા છે છેલ્લા ત્રણેક દિવસથી રાજકોટમાં એમ્ફોટેરીસીન 'બી' ઇન્જેકશન્સનો દવા બજારમાં સ્ટોક જ નથી તેવું દવા બજારના અગ્રણીઓ અને વેપારીઓ કહી રહ્યા છે.

જો આ સાચું હોય તો પછી દર્દીઓની જરૂરીયાતોનું શું થતું હશે? મ્યુકોરમાઇકોસીસના ઓપરેશન પછી જોઇતા ઇન્જેકશન્સ કઇ રીતે મળતા હશે તે પણ એક પ્રશ્ન છે.

સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓને તો કદાચ ત્યાંથી જ ઇન્જેકશન્સ મળી રહેતા હોય છે પરંતુ ખાનગી હોસ્પિટલોમાં દાખલ થયેલ મ્યુકોરમાઇકોસીસના દર્દીઓ કેવી રીતે ઇન્જેકશન્સ મેળવી શકે તે સોમણનો સવાલ છે.

કેમીસ્ટ એસો. રાજકોટ દ્વારા કલેકટરને રજુઆત કરાઇ

એન્ફોટેરીસીન બી ઇન્જેકશન્સની વિતરણ વ્યવસ્થા ગોઠવાવ માંગણી

કેમીસ્ટ એસોસીએશન રાજકોટના પ્રમુખ અને મંત્રીની સહી સાથેના આવેદન દ્વારા રાજકોટના કલેકટરશ્રી રેમ્યા મોહનજીને AMPHOTERICIN-'B' ઇન્જેકશન્સની વિતરણ વ્યવસ્થા સુપેરે ગોઠવવા માટે આજરોજ રજુઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

આવેદનપત્રમાં જણાવાયું છે કે મ્યુકોરમાઇકોસીસ રોગની ભયાનકતા ખુબ જ છે અને મૃત્યુ દર પણ ઘણો વધારે છે. જેથી આ રોગની સારવારમાં વપરાતા એમ્ફોટેરીસીન-બી ઇન્જેકશન્સ માર્કેટમાં પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ બને તે જરૂરી છે. સરકારી દવાખાના (સિવિલ)માં ઇન્જેકશનનો જથ્થો પુરતો છે પરંતુ ખાનગી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને ઇન્જેકશન્સ મેળવવામાં તકલીફ પડી રહી હોવાનું રજુઆતમાં જણાવાયું છે.

જાણવા જેવું એમ્ફોટેરીસીન ઇન્જેકશન ફકત 'કાલા આઝાર'ની બિમારીમાં જ વપરાતા

- ઉત્તરપ્રદેશના ગોરખપુર ક્ષેત્રમાંં જ મોટા ભાગે ઉપયોગ થતો

મ્યુકોરમાઇકોસીસ રોગમાં અનિવાર્ય ગણાતા AMPHOTERI CIN સાદા કે 'B' વાળા ઇન્જેકશન વિશે રસપ્રદ જાણવા જેવી વાત સાંભળવા મળી રહી છે. ચર્ચાતી વિગતો મુજબ આ ઇન્જેકશનનો અત્યાર સુધી મોટાભાગે ઓછો ઉપયોગ થતો હતો. ફકત ઉત્તર પ્રદેશના ગોરખપુર ક્ષેત્રમાં 'કાલા આઝાર' નામની બિમારીમાં વપરાતા હતા, અને હવે એ બિમારી પણ મહદઅંશે નાબુદ થઇ છે એટલે દવાની કંપનીઓ દ્વારા એમ્ફોટેરીસીન ઇન્જેકશનનું પ્રોડકશન લિમિટેડ કરી નાખવામાં આવ્યું છે.

પરંતુ કોરોના થયા પછી નાક અને સાયનસની ઝેરી ફુગ (ફંગસ-બ્લેક ફંગસ) ને કારણે થતા મ્યુકોરમાઇકોસીસ નામના રોગમાં એન્ફોટેરીસીન ઈન્જેકશન અનિવાર્ય બની ગયા છે. મ્યુકોરમાઇકોસીસના કેસમાં ઓચિંતો ઉછાળો આવતા ઇન્જેકશન્સની ડીમાન્ડ વધી ગઇ છે. અને તેને પહોંચી વળવા માટે ચીનથી રો-મટીરીયલ્સ મંગાવીને યુધ્ધના ધોરણે એન્ફોટેરીસીન ઇન્જેકશન્સનું પ્રોડકશન વધારી દેવાના પ્રયાસો થઇ રહ્યાનું જાણવા મળે છે. ટૂંકમાં ઇન્જેકશન્સના અભાવે દર્દી કે તેમના સગાવ્હાલાઓ હેરાન ન થાય અને કોઇપણ પ્રકારની સંગ્રહખોરી કે કાળાબજારનો ભોગ ન બને તે ઇચ્છનીય છે.

(4:22 pm IST)