Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

જંગલેશ્વર સહિત ત્રણ કન્‍ટેનમેન્‍ટ ઝોનના સુરક્ષિત વિસ્‍તારો ખોલવા માટેની બ્‍લ્‍યુ પ્રિન્‍ટ તૈયાર

જે શેરીઓમાં ૧૫ દિવસથી કેસ નથી નોંધાયા તે શેરીના પતરા હટાવાશેઃ રાજલક્ષ્મી - ક્રિષ્‍ણજીત સોસાયટી પણ કલસ્‍ટર કોરોન્‍ટાઇનમાંથી મુક્‍ત થશે : મ્‍યુ. કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા વિચારણા શરૂ

રાજકોટ તા. ૧૬ : કોરોના સંક્રમણને રોકવા કેન્‍દ્ર સરકારે જાહેર કરેલ લોકડાઉન ૩.૦ હવે પુરૂ થઇ રહ્યું છે અને લોકડાઉન ૪.૦ ઘણી બધી છૂટછાટ સાથે શરૂ થનાર છે ત્‍યારે ઓરેન્‍જ ઝોનમાં આવતા રાજકોટમાં પણ હવે કોરોના કન્‍ટ્રોલમાં આવી રહ્યાનું લાગતા હોટસ્‍પોટ જંગલેશ્વર, રાજલક્ષ્મી સોસાયટી અને ક્રિષ્‍ણજીત સોસાયટીના કેટલાક સુરક્ષિત વિસ્‍તારો એટલે કે જ્‍યાં ૧૫ દિવસથી એક પણ પોઝિટિવ કે શંકાસ્‍પદ કેસ નથી તેવી શેરીઓના પતરા ખોલી નાખવા મ્‍યુ. કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા ગંભીરતાપૂર્વક વિચારાઇ રહ્યું છે.

આ અંગે અત્‍યંત આધારભૂત સૂત્રોમાંથી પ્રાપ્‍ત વિગતો મુજબ ગુજરાતનો સૌ પ્રથમ કેસ રાજકોટના જંગલેશ્વરમાં નોંધાયેલ ત્‍યારબાદ આ વિસ્‍તારમાં એક પછી એક ૫૦ જેટલા કોરોના પોઝિટિવ કેસ નિકળતા સમગ્ર જંગલેશ્વરને ચારે બાજુથી પતરા લગાવી કલસ્‍ટર કોરોન્‍ટાઇન કરી કર્ફયુ લગાવી પોલીસ પહેરો ગોઠવી દેવાયેલ.

આ દરમિયાન જંગલેશ્વર આસપાસ આપેલ રાજલક્ષ્મી અને ક્રિષ્‍નજીત સોસાયટીમાં પણ પોઝિટિવ કેસ મળતા આ બંને સોસાયટીઓને પણ સીલ કરી દેવાયેલ ત્‍યારબાદ શહેરભરમાંથી અને ઉકત ત્રણ હોટસ્‍પોટમાંથી કોરોના ટેસ્‍ટ છેલ્લા બે મહિનાથી થતાં રહ્યા પરંતુ સંક્રમણનું પ્રમાણ ઘટતુ ગયું. જંગલેશ્વરમાંથી પણ કેસ નહીવત પ્રમાણમાં મળી રહ્યા છે. આથી શહેરના હોટસ્‍પોટમાં પણ કોરોના કન્‍ટ્રોલ થઇ રહ્યાની પ્રતિતિ તંત્ર વાહકોને થઇ રહી છે.

આથી સરકારનું માર્ગદર્શન મેળવી અને ઉકત ત્રણેય કન્‍ટેનમેન્‍ટ ઝોનમાં જે શેરીઓમાં છેલ્લા ૧૫ દિવસથી એક પણ પોઝિટિવ કેસ નથી તેવી શેરીઓ ખોલવા બ્‍લ્‍યુ પ્રિન્‍ટ તૈયાર થઇ રહ્યાનું જાણવા મળી રહ્યું છે.

નોંધનિય છે કે ૧૮ માર્ચે જંગલેશ્વરમાં ગુજરાતને પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલ ત્‍યારથી અત્‍યાર સુધીમાં જંગલેશ્વરમાં ૭૧૦૮ મકાનોમાં રહેતા ૪૧૨૨૪ લોકો કોરોન્‍ટાઇન છે.

જ્‍યારે રાજલક્ષ્મી સોસાયટી (કોઠારિયા રોડ)ના ૬૨૭ પરિવારોના ૩૦૧૨ લોકો કોરન્‍ટાઇન છે અને ક્રિષ્‍નજીત સોસાયટીના ૧૦૧ મકાનોના ૪૭૫ લોકો કોરન્‍ટાઇન હતા.

(2:58 pm IST)