Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

ગરીબની રોજી-રોટી ન છીનવોઃ કોંગ્રેસ

વોર્ડ નં. ૭ના સર્વેશ્વર ચોકમાં હોકર્સ ઝોન બંધ નહિ કરવા કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા અને દીલીપ આસવાણી દ્વારા મ્યુ. કમિશ્નરને રજૂઆત

રાજકોટ તા. ૧૬ :.. શહેરના વોર્ડ નં. ૭ માં સર્વેશ્વર ચોક વિસ્તારમાં વોંકળાની જગ્યામાં આવેલ હોકર્સ ઝોન બંધ નહી કરાવવા કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા અને દીલીપ આસવાણી તથા અશોકસિંહ વાઘેલાની આગેવાની હેઠળ રેંકડી ધારકો દ્વારા મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીને લેખિત પત્ર પાઠવી યોગ્ય કરવા માંગ કરી છે.

આ અંગે વોર્ડ નં. ૩ ના કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા તથા દિલીપ આસવાણીએ પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, આ જગ્યાએ રવિવારનાં દિવસે પોતાનો ધંધો કરી ગુજરાન ચલાવતાં ગરીબ લોકોને ત્યાંથી ખસેડી તેમની રોજી-રોટી છીનવવામાં આવી રહ્યાનો આક્ષેપ કર્યો હતો.

 આ વોકર્સ ઝોનમાં ધંધો કરતાં ધંધાર્થીઓ પ્રથમ ડો. હોમી દસ્તુર માર્ગ ઉપર  પોતાનો ધંધો કરતાં હતાં. પરંતુ આ ધંધાર્થીઓને ત્યાંથી ખસેડવામાં આવ્યા હતાં. જે તે સમયે હાલમાં માત્ર રવિવારનાં દિવસે જે જગ્યાએ ધંધો કરે છે તે જગ્યાએ વોકર્સ ઝોન બનાવી અને આ વોકર્સ ઝોનમાં ક્રમશઃ નિયમ અનુસારની સુવિધાઓ આપવાનું વચન આપવામાં આવ્યું હતું અને તેઓ પાસેથી નિયમ અનુસાર વહીવટી ચાર્જ  પણ વસુલવામાં આવતો હતો. પરંતુ એકાએક આ વોકર્સ ઝોન બંધ કરી દેવામાં આવ્યું હોવાનું મ.ન.પા. દ્વારા જણાવવામાં આવે છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ખરેખર ટ્રાફીકને અડચણરૂપ રહેવા ડો. હોમી દસ્તુર માર્ગ ઉપર ખૂબ જ મોંઘા ભાવે વેંચાણ કરાતી વસ્તુઓનાં વેપારીઓને ત્યાં ઉભા રાખી નજીવો ચાર્જ વસુલવામાં આવે છે. અને હાઇટેક સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે. અને આ નાના ધંધાર્થીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે. ત્યારે સર્વેશ્વર ચોકમાં આવેલ વોકર્સ ઝોન ચાલુ રાખવામાં  આવે અન્યથા રવિવારના દિવસે ડો. હોમી દસ્તુર માર્ગ ખાતે આ લાભાર્થીઓને નિયત ચાર્જ વસૂલી ધંધો કરવાની છૂટ આપવા સહિતના પ્રશ્ને યોગ્ય કરવા માંગ કરી છે.

(3:43 pm IST)