Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

રૂ.૧૫ લાખ ૮૪ હજારનો ચેક પાછો ફરતા કિચનવેરના ધંધાર્થી સામે ફરિયાદ

એનીકસ ઇકઝીમ પ્રા.લી.ના પાર્ટનરોને હાજર થવા સમન્સ

રાજકોટ તા.૧૬: રૂ.૧૫.૮૪ લાખના ચેક રીટર્નની કિચનવેરના ધંધાર્થી સામે ફરીયાદ થતા કોર્ટ સમન્સ કાઢેલ છે.

આ કેસની વિગત એવી છે કે, રાજકોટના કોઠારીયા વિસ્તારમાં ગોપનાથ ઇન્ડસ્ટ્રીઝ, શેરી નં.૧, ખાતે પરમેશ્વર એન્ટરપ્રાઇઝ નામથી વિજયભાઇ રવજીભાઇ રાદડીયા પ્રોપરાઇટર દરજજે અલગ અલગ પ્રકારની કિચનવેરની વસ્તુઓ બનાવવાનો ધંધો કરે છે. જયારે આ કામના આરોપીઓ તેજસભાઇ ભુપેન્દ્રભાઇ કોટક તથા સેજલબેન અશ્વીનભાઇ રાયઠઠ્ઠા 'એનીકસ ઇકઝીમ પ્રા.લી.'ના નામથી ઓફીસ નં.૨૦૨, ક્રિસ્ટલ કોમર્શીયલ કોમ્પલેક્ષ, કે.કે.વી.હોલ ચોક, રાજકોટ ખાતે પાર્ટનર દરજજે ધંધો કરે છે. આમ ફરીયાદી પાસેથી આ કામના આરોપીઓએ 'એનીકસ ઇકઝીમ પ્રા.લી.'ના નામથી કિચનવેરના માલની ખરીદી કરેલી. જે માલનું બાકી નીકળતુ પેમેન્ટ રૂ.૧૫,૮૪,૯૮૦ અંકે રૂપિયા પંદર લાખ ચોરયાસી હજાર નવસો એંસી પુરા ચુકવવા માટે તેઓએ તેમની કંપનીના ખાતા વાળી આઇસીઆઇસીઆઇ બેંક, અમીન માર્ગ બ્રાંચ, રાજકોટના કુલ ત્રણ ચેક આપેલા. જે ત્રણેય ચેક ફરીયાદીએ તેમના પરમેશ્વર એન્ટરપ્રાઇઝના ખાતા વાળી કેનેરા બેંક, એસ.એમ.ઇ. બ્રાંચ, રાજકોટમાં ડીપોઝીટ કરતા સદરહું ત્રણેય ચેક ''સ્ટોપ પેમેન્ટ''ના શેરા સાથે પરત ફરેલ હતા.

આ ત્રણેય ચેક બિન ચુકતે પરત ફરતા ફરીયાદીએ આ કામના આરોપીઓ અને કંપની ને ચેક મુજબની રકમ ચુકવી આપવાની નોટીસ મોકલાવેલી આમ છતા આ કામના આરોપીઓએ રકમ ન ચુકવતા ફરીયાદીએ તેમના વકીલ અતુલ સી.ફળદુ મારફત ધી નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ ૧૩૮ તથા ૧૪૧ હેઠળ કંપની તથા બંન્ને પાર્ટનરો ઉપર ફરીયાદ દાખલ કરતા રાજકોટ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ 'એનીકસ ઇકઝીમ પ્રા.લી.'ના પાર્ટનરો તેજસભાઇ ભુપેન્દ્રભાઇ કોટક તથા સેજલબેન અશ્વીનભાઇ રાયઠઠ્ઠાને સમન્સ ઇસ્યુ કરી કોર્ટમાં હાજર થવા હુકમ કરેલ છે.

(3:27 pm IST)