Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

મ્યુ. કોર્પોરેશન ફળ-ઝાડ ઉછેરશેઃ ૧ લાખ વૃક્ષનો સંકલ્પ

ફીલ્ટર પ્લાન્ટ-વોર્ડ ઓફીસો-પમ્પીંગ સ્ટેશનો અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવા સુરક્ષીત સ્થળોએ ફળાઉ ઝાડ ઉછેરવા નિર્ણયઃ વિવિધ સંસ્થાઓનાં સહયોગથી જાહેર સ્થળોએ ઘનીષ્ઠ વૃક્ષારોપણ થશેઃ મ્યુ. કમિશ્નર બંછાનિધી પાની દ્વારા હરિયાળા રાજકોટ માટે પ્રયાસો

રાજકોટ, તા., ૧૬: આગામી ચોમાસામાં મ્યુનીસીપલ કમિશ્નર દ્વારા શહેરમાં ઘનિષ્ઠ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યંુ છે. જે અંતર્ગત હવે કોર્પોરેશનની માલીકીના વિવિધ સુરક્ષીત સ્થળોએ ફળાઉ વૃક્ષો એટલે કે ફળ આપતા વૃક્ષો ઉછેરવાનો નિર્ણય લેવાયો છે. સાથોસાથ આ ચોમાસા દરમિયાન શહેરમાં વિવિધ જાહેર સ્થળોએ અંદાજે ૧ લાખ વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ પણ તંત્રએ કર્યો છે.

આ અંગે મ્યુનીસીપલ કમિશ્નર બંછાનીધી પાનીએ વિસ્તૃત વિગતો આપતા જણાવેલ કે આ વખતે શહેરમાં હરીયાળી ક્રાંતી માટે ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવાનું આયોજન છે. જેમાં ખાસ કરીને આ વર્ષે ફળ આપતા વૃક્ષો જેવા કે જાંબુ, જામફળ, આંબો, સીતાફળ, ચીકુ, દાડમ, પપૈયા વગેરે સરળતાથી ઉછરી શકે તેવા આ ફળાઉ વૃક્ષો ઉેછેરવાનો નવો જ અભિગમ અપનાવવામાં આવશે.

શ્રી પાનીએ ઉમેર્યુ હતું કે આવા ફળાઉ વૃક્ષો સુરક્ષીત જગ્યાએ એટલે કે જે સ્થળે લોકોની બહુ અવરજવર ન હોય અને ચારે બાજુથી કમ્પાઉન્ડ વોલ હોય તેવી કોર્પોરેશનની માલીકીની જગ્યાઓમાં ઉેછેરવામાં આવશે. જેમાં વિવિધ ફિલ્ટર પ્લાન્ટો, પંમ્પીંગ સ્ટેશનો, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ર્વોર્ડ ઓફીસ જેવી જગ્યાઓનો સમાવેશ થાય છે. આવી જગ્યાએ ફળાઉ વૃક્ષો ઉછેરી અને પક્ષીઓ માટે ખોરાકની વ્યવસ્થા થશે. સાથોસાથ  હરીયાળી છવાતા પ્રદુષણ પણ ઘટશે. આમ આ વર્ષેે ફળાઉ વૃક્ષોનો નવો જ અભિગમ અપનાવાશે.

આ ઉપરાંત શહેરમાં જાહેર માર્ગો, વોંકળાઓ,જાહેર પ્લોટ, બગીચાઓ વગેરે સ્થળોએ સર્વે કરી અને વિવિધ સંસ્થાઓના સહયોગથી ઘનિષ્ઠ વૃક્ષારોપણ થશે જેમાં મોટાભાગે છાયડો આપતા હરીયાળા સરળતાથી ઉછરતા વૃક્ષોનો ઉછેર થશે.

(3:15 pm IST)