Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

ખેડૂતો માટે આશાના વાદળો બંધાયાઃ દેશમાં ૯૬% અને ગુજરાતમાં તેનાથી પણ સારા વરસાદનો વર્તારો

હવામાન શાસ્ત્રીઓએ સરકારને આપ્યા શુભ સંકેતઃ વાતાવરણ પર નજર રાખવા 'ઇસરો'ની મદદ

રાજકોટ તા.૧૬: દેશમાં ઉનાળાનો ઉતરાર્ધ અને ચોમાસાના આગમનનો સમય નજીક  છે. રાજય સરકારે ચોમાસાની પૂર્વ તૈયારી શરૂ કરી છે. કાલે વિવિધ વિભાગો અને હવામાન શાસ્ત્રીઓની સંયુકત બેઠક બોલાવવામાં આવેલ. જેમાં હવામાન શાસ્ત્રીઓએ ગુજરાતમાં સારા ચોમાસાના સંકેત આપ્યા હતા.

કેરળમાં ૧૬ જુને ચોમાસુ બેસવાની સંભાવના છે ગુજરાતમાં ત્યાર પછી અઠવાડિયે વરસાદ આવી શકે છે. દેશમાં સરેરાશ ૯૬ ટકા ચોમાસુ થવાની ધારણા છે. ગુજરાતમાં તેનાથી પણ વધુ સારો વરસાદ થાય તેવી હવામાન નિષ્ણાંતોને આશા છે.

ગુજરાતમાં ચોમાસુ કેવુ રહેશે તેની હવામાન ખાતાની વિધિવત આગાહી જુનની શરૂઆતમાં થશે. હાલનું વાતાવરણ ગુજરાતમાં ૧૦૦ ટકાની આસપાસના વરસાદનો સંકેત આપે છે. હવામાન શાસ્ત્રીઓના વર્તારાથી ખેડૂતોમાં આશાના વાદળો બંધાયા છે. રાજયના મોટાભાગના વિસ્તારોમાં ગયા વરસે અપૂરતો વરસાદ  થયેલ તેથી આ વરસે ઉનાળામાં પાણીની ખેચ છે. જો અત્યારની આશા મુજબ સારો વરસાદ થાય તો ખેડૂતો રાજીરાજી થઇ જશે. સારા ચોમાસાની સાર્વત્રિક અસર જોવા મળશે. રાજય સરકારે આ વખતે હવામાન પર નજર રાખવા માટે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ની પણ મદદ લીધી છે. સતાવાર રીતે હજુ રાજયમાં ધીંગી મેઘ સવારી આવવાને એકાદ મહિનાની વાર છે. કુદરતી રીતે ગમે ત્યારે વાતાવરણ બદલાય શકે છે.

(3:12 pm IST)