Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

રાજકોટમાં પાખા વાદળો છવાયા : બફારો વધ્યો

તાપ-ગરમીથી લોકો અકળાયા, જો કે સાંજના સમયે ઠંડા પવન ફૂંકાતા હોય નગરજનોને રાહત : ઉકળાટ બફારો વધશે, બે-ત્રણ દિવસમાં એકાદ દિ' વરસાદ પડશે : હવામાન ખાતુ

રાજકોટ, તા. ૧૬ : આકરા તાપ ગરમીથી લોકો હેરાન - પરેશાન છે ત્યારે હવે ઉકળાટ - બફારો વધતા લોકોની પરેશાની વધી ગઈ છે. ભેજનું પ્રમાણ વધ્યુ છે. દરમિયાન બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી બે - ત્રણ દિવસમાં એકાદ દિવસ વરસાદની શકયતા હવામાન વિભાગે વ્યકત કરી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે દિલ્હી એનસીઆરમાં પણ વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગ કહે છે કે બંગાળની ખાડીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયેલ છે. જેની અસરથી આકાશમાં પાંખા વાદળો જોવા મળી રહ્યા છે. ગરમીમાં ઘટાડો થશે. મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી (વધ-ઘટ) આસપાસ જોવા મળશે. બે દિવસ તાપમાન નીચુ રહેશે ગરમીમાં આંશિક ઘટાડો થશે પણ ભેજનું પ્રમાણ વધુ હોય બફારાનો અનુભવ થશે.

રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી મહત્તમ તાપમાન ૪૦-૪૧ ડિગ્રી નજીક રહે છે. આજે સવારથી આકાશમાં આછા વાદળો છવાયેલા છે. બફારાથી લોકો પરસેવે રેબઝેબ બન્યા છે. જો કે સાંજના સમયે પવનનું જોર વધી જતુ હોય લોકોને રાહત મળે છે. રાત્રીના સમયે નગરજનો પરિવારજનો સાથે લટાર મારવા નીકળી પડતા હોય છે.

(1:33 pm IST)