Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

હેલ્મેટ માટે મેગા ડ્રાઇવઃ ૧II કલાકમાં ૧૩૭૪ કેસ

છેલ્લા બે વર્ષમાં અકસ્માતના કેસોમાં હેલ્મેટના અભાવે મૃત્યુનું પ્રમાણ વધ્યું હોઇ પ્રબુધ્ધ નાગરિકો-સંસ્થાઓ સાથે ચર્ચા કર્યા બાદ આજથી ઝુંબેશ : પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ-જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી-ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાની સુચના હેઠળ યોજાઇ ડ્રાઇવઃ એસીપી ટ્રાફિક બી. એ. ચાવડા, એસીપી પશ્ચિમ પી. કે. દિયોરાની દેખરેખ હેઠળ ૧૦ પોઇન્ટ પર ચેકીંગઃ હજુ પણ યથાવત રહેશે ઝુંબેશ

ચાલો ભાઇ, લાવો દંડ...જુદા જુદા ૧૦ પોઇન્ટ પર હેલ્મેટ ડ્રાઇવ યોજવામાં આવી હતી અને વાહન ચાલકોને દંડ ફટકારાયો હતો. ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા અને એસીપી ટ્રાફિક બી. એ. ચાવડા તથા એસીપી પશ્ચિમ પી. કે. દિયોરાની સીધી દેખરેખ હેઠળ આ કાર્યવાહી થઇ હતી. જે તસ્વીરોમાં જોઇ શકાય છે  (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૫: શહેરમાં મોટા ભાગના ટુવ્હીલર ચાલકો હેલ્મેટ પહેરતા નથી. શહેરમાં છેલ્લા બે વર્ષ દરમિયાન વાહન અકસ્માતમાં જે મૃત્યુ થયા છે તેમાં મોટે ભાગે હેલ્મેટ નહિ પહેરનારા લોકો હતાં. લોકોમાં હેલ્મેટ પહેરવા બાબતે જાગૃતિ લાવવા અગાઉ પોલીસે અનેક પ્રયાસો કર્યા હતાં. હવે પોલીસે દંડનું શસ્ત્ર ઉગામવાની શરૂઆત કરી છે. હેલ્મેટ પહેર્યા વગર નીકળનારા વાહનચાલકો સામે એનસી કેસ કરી સ્થળ પર જ દંડ વસુલવાની મેગા ડ્રાઇવ આજે યોજાઇ હતી. જેમાં દોઢ કલાકમાં જ ૧૩૭૪ કેસ કરી દંડ વસુલ કરાયો હતો.

શહેરમાં છેલ્લા બે વર્ષમાં બનેલા અકસ્માતના બનાવોનું એનાલિસીસ કરી તેમજ પ્રબુધ્ધ નાગરિકો અને જુદી-જુદી સંસ્થાઓના આગેવાનો સાથે ટ્રાફિકની જાગૃતિ અંગે 'ઓપન ફોરમ' જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં થયેલા સુચનો અને ચર્ચાને ધ્યાને લઇને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રીની સુચના તથા ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન તથા એસીપી ટ્રાફિક બી.એ. ચાવડા અને એસીપી પશ્ચિમ પી. કે. દિયોરાના સુપરવિઝન હેઠળ આજે શહરેના અલગ-અલગ પોઇન્ટ પર દોઢ કલાક સુધી હેલ્મેટ માટે મેગા ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં કુલ ૧૩૭૪ કેસ કરી રૂ. ૧,૪૧,૩૫૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

એસીપી ટ્રાફિક બી.એ. ચાવડાના જણાવ્યા મુજબ શહેરના કાલાવડ રોડ, ગોંડલ રોડ ચોકડીએ અલગ-અલગ ટીમો મુકી સવારે દસથી સાડા અગિયાર સુધી ડ્રાઇવ યોજવામાં આવી હતી. અકસ્માતે મૃત્યુના કિસ્સામાં મોટા ભાગે હેલ્મેટના અભાવે મૃત્યુ થયાનું સામે આવ્યું હોઇ આજની ડ્રાઇવમાં હેલ્મેટને પ્રાધાન્ય આપી વાહન ચાલકોના આ અંગે જાગૃતિ લાવવા ટ્રાફિક ભંગના એનસી કેસ કરવામાં આવ્યા હતાં.

હેલ્મેટ ડ્રાઇવમાં કુલ ૧૩૭૪ કેસો કરીને રૂ. ૧,૪૧,૩૫૦નો સ્થળ દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આરટીપી એપ્લિકેશન હેઠળ ૭૦ કેસો કરવામાં આવ્યા હતાં. હજુ આગામી દિવસોમાં પણ ટ્રાફિકની મેગા ડ્રાઇવ ચાલુ રહેશે.

ટ્રાફિક બ્રાંચ અને પોલીસ મથકો દ્વારા જે કામગીરી થઇ હતી તેની વિગત જોઇએ તો મહિલા કોલેજ અન્ડર બ્રિજ પોઇન્ટ પર પીએસઆઇ પી. કે. ક્રિશ્ચીયન અને ટીમે, કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર પાસે પીએસઆઇ એચ. જે. બરબચીયા અને ટીમ, કોટેચા ચોકમાં પીએસઆઇ જે. કે. મહેતા અને ટીમ, આત્મીય કોલેજ પાસે પીએસઆઇ એ. એલ. ઝાલા અને ટીમ, ગોંડલ રોડ ચોકડીએ પીએસઆઇ જે. કે. ગઢવી અને ટીમ, કેકેવી ચોકથી જડ્ડુસ ફૂડ ફિલ્ડની જમણી સાઇડ પર ગાંધીગ્રામના પીએસઆઇ ગોહિલ અને ટીમ, તથા ડાબી સાઇડ પર ગાંધીગ્રામના પીએસઆઇ ચાવડા અને ટીમ તથા કેકેવી ચોકથી મહિલા કોલેજ અન્ડર બ્રીજ સુધી એએસઆઇ ઇકબાલભાઇ અને ટીમે કેસ કર્યા હતાં.

(3:24 pm IST)