Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

૬ લાખની લૂંટમાં ઉપયોગમાં લેવાયેલુએકટીવા કુવાડવા પાસેથી મળી આવ્યું

નજીકના દિવસોમાં ભેદ ઉકેલાવાની શકયતાઃ પોલીસની જુદી જુદી ટીમો બનાવી તપાસ

રાજકોટ, તા. ૧૬ :. ગોંડલ રોડ પર બોમ્બે હોટલ પાસે ધોળા દિવસે હ્યુન્ડાઈના શો રૂમના કર્મચારીની આંખમાં મરચુ છાંટી બે બુકાનીધારી બાઈકસવાર શખ્સો છ લાખની રોકડ ભરેલા થેલાની લૂંટ ચલાવવાના બનાવમાં લૂંટારૂઓએ લૂંટમાં ઉપયોગમાં લેવાયેલ એકટીવા પોલીસને કુવાડવા પાસેથી રેઢુ મળી આવ્યુ હતું.

પ્રાપ્ત વિગતો મુજબ હ્યુન્ડાઈના શો રૂમમા નોકરી કરતા દિલીપભાઈ શાંતિલાલ ચૌહાણ(ઉ.વ. ૨૩, રહે. મહેશ્વરી સોસાયટી શેરી નં. ૨)  નામના કર્મચારી ગઈકાલે  બપોરે શો રૂમમાં આવેલ ૬ લાખની રોકડ રકમ અને આઠ ચેક સાથેનો થેલો ટુવ્હીલરમાં બે પગ વચ્ચે રાખી યાજ્ઞિક રોડ પર આવેલી  એચડીએફસી બેન્કમાં જમા કરાવવા જતા હતા ત્યારે ગોંડલ રોડ પર બોમ્બે હોટલ પાસે રાજ પાંઉભાજી નજીક બાઈકમા આવેલા બે બુકાનીધારી શખ્સોએ બાઈક આડુ નાખી દિલીપભાઈની આંખમાં મરચુ છાંટી એકટીવાની આગળ ૬ લાખની રોકડ રકમ ભરેલો થેલો લૂંટી નાસી ગયા હતા.

દિલીપભાઈએ દેકારો કરતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા જો કે તે પૂર્વે બન્ને બુકાનીધારી શખ્સો તેનુ કામ પુરૂ કરી છુ થઈ ગયા હતા. બનાવ અંગે એ-ડિવીઝન પોલીસને જાણ કરાતા પી.આઈ. વિજય ઓડેદરા, રાયટર રણજીતસિંહ અને વિજયસિંહ  સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસ શરૂ કરી હતી અને પોલીસે શો રૂમના કર્મચારી દિલીપ ચૌહાણની ફરીયાદ દાખલ કરી હતી અને પોલીસે સીસીટીવી ફુટેજને આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ પ્રકરણમાં બુકાનીધારી શખ્સો એકટીવામાં આવ્યા હતા. તે એકટીવા કુવાડવા નજીકથી મળી આવતા નજીકના દિવસોમાં જ લૂંટનો ભેદ ઉકેલાવાની  શકયતા  વ્યાપી રહી છે.

(4:13 pm IST)