Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

કોંગ્રેસની વિચારણા

મહિલા V/S મહિલા : વિપક્ષી નેતા માટે અનેક બહેનો દાવેદાર

પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલા - ડો. ઉર્વશીબેન પટેલ, જાગૃતિબેન ડાંગર, ધર્મિષ્ઠાબા જાડેજા સહિતના નામો ચર્ચામાં : પ્રભારી જવાહર ચાવડાના રાજકોટ મુકામ વખતે વિપક્ષી નેતા પદ ચર્ચામાં

રાજકોટ તા. ૧૬ : મ્યુ. કોર્પોરેશનમાં મેયર સહિતના હોદ્દેદારો - પદાધિકારીઓની મુદ્દત પૂર્ણ થઇ રહી છે અને જુન મહિનામાં નવા મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂંકો થનાર છે અને આ વખતે મેયર પદ માટે મહિલા અનામત છે તેથી ભાજપના અનેક મહિલા કોર્પોરેટરો મેયર પદ માટે દાવેદાર બની રહ્યા છે અને તેઓના નામો પણ ચર્ચામાં આવી ગયા છે ત્યારે સામે પક્ષે વિપક્ષ કોંગ્રેસ પણ ભૂતકાળમાં જે પ્રકારે મહિલા મેયર સામે મહિલાને વિપક્ષી નેતા પદ આપ્યું હતું. (મેયર રક્ષાબેન બોળિયા અને વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલા) તે જ પ્રકારે આ વખતે ફરીથી મહિલા મેયર સામે મહિલા વિપક્ષી નેતાની નીતિ અપનાવે તેવી વિચારણા કોંગ્રેસના સ્થાનિક નેતાઓ ગંભીરતાપૂર્વક કરી રહ્યા છે અને કોંગ્રેસના રાજકોટના નવનિયુકત પ્રભારી જવાહર ચાવડા હાલ રાજકોટમાં મુકામ કરી રહ્યા છે ત્યારે આ ચર્ચાએ શહેર કોંગ્રેસમાં જોર પકડયું છે.

આ અંગે કોંગી વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ ચર્ચાતી વિગતો મુજબ ગત ટર્મમાં એટલે કે ૨૦૧૫ની ટર્મમાં મ્યુ. કોર્પોરેશનમાં મહિલા મેયર પદે રક્ષાબેન બોળિયા હતા તે વખતે વિપક્ષ કોંગ્રેસે વિપક્ષી નેતા પદ લડાયક, જાગૃત અને વહીવટી સુઝબુઝ ધરાવતા મહિલા કોર્પોરેટર ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાને સુપ્રત કર્યું હતું અને ગાયત્રીબાએ આ જવાબદારી નિષ્ઠાપૂર્વક પૂરી તાકાતથી સૌ કોર્પોરેટરોને સાથે રાખીને નિભાવી. શાસકપક્ષ ભાજપની લગામ કસી હતી. એટલું જ નહીં તે વખતે અનેક લોકપ્રશ્નો માટે લોકો વચ્ચે રહીને તંત્ર સામે લડત આપી હતી.

આમ, ગઇ ટર્મમાં 'મહિલા' સામે 'મહિલા'ની નીતિ સફળ રહી હતી. આથી આ વખતની ટર્મમાં પણ આ નીતિ અપનાવવા કોંગ્રેસમાં વિચારણા શરૂ થયાનું જાણવા મળ્યું છે.

દરમિયાન મહિલા મેયર સામે મહિલાને વિપક્ષી નેતા પદ સોંપવાની ચર્ચા વચ્ચે કોંગ્રેસના અનેક મહિલા કોર્પોરેટરો વિપક્ષી નેતા પદની રેસમાં છે.

જેમાં સૌથી મજબૂત દાવેદાર તરીકે પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલાને ગણાવવામાં આવી રહ્યા છે કેમકે તેઓ અનુભવી છે. આ ઉપરાંત જો નવા બહેનોને તક આપવામાં આવે તો રસ્તા, પાણી, ગટર, સફાઇ જેવા પ્રાથમિક લોકપ્રશ્નો માટે સતત એકધારી લડત ચલાવનાર વોર્ડ નં. ૧૩ના કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઇ ડાંગર તથા વોર્ડ નં. ૧૧ના ડો. ઉવર્શીબેન પટેલ તેઓ પણ રાજકીય કુનેહ ધરાવે છે અને કોંગ્રેસમાં પ્રદેશ કક્ષાના હોદ્દેદાર છે. ઉપરાંત વોર્ડ નં. ૧૮ના ધર્મિષ્ઠાબા મયુરસિંહ જાડેજા પણ હંમેશા લોકપ્રશ્નો માટે લડત આપી રહ્યા છે. તેઓએ પાણીના ટાંકાઓની સફાઇ ઝુંબેશ સહિતના પ્રશ્નો રજૂ કરી શાસકોને જાગતા રાખ્યા છે.

આમ, ઉપરોકત મહિલા કોર્પોરેટરો વિપક્ષી નેતા પદ માટે દાવેદાર હોવાથી તેઓના નામ હાલ ચર્ચામાં આવ્યા છે.

જાણવા મળ્યા મુજબ ઉપરોકત દાવેદારો અંગે હાલ રાજકોટમાં મુકામ કરી રહેલા પ્રભારી જવાહર ચાવડા સમક્ષ કેટલાક આગેવાનો દ્વારા ખાનગીમાં ચર્ચા થઇ હતી. જોકે વિપક્ષી નેતા પદ મહિલાને અપાશે કે પુરૂષને ? તેવા સવાલો વચ્ચે વિપક્ષી નેતા બનવા ૧૫થી વધુ કોર્પોરેટરોમાં થનગનાટ જાગ્યો છે.

(4:08 pm IST)