Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

શું તમે કોઇના પર ભરોસો નથી કરતા?

એક વાકય બધા લોકોને અવાર નવાર સાંભળવા મળતુ હશે કે, અત્યારે કોઇના પર ભરોસો કરવા જેવો નથી, કોઇ કોઇનો ભરોસો કરતું નથી. વાત બરાબર છે. પણ શું એ હકીકત છે ?

ધ્યાનથી વિચારીએ કે આપણે કેટલા લોકો પર ભરોસો કરીએ છીએ, તો ખ્યાલ આવશે કે સંસાર અને જીવન ભરોસા પર જ ચાલે છે. આજના યુગમાં ભરોસા વગર જીવન જીવવું લગભગ અશકય જ છે. તમને વિચાર આવતો હશે કે આ શું કહે છે,  એવું કેમ બની શકે કે ભરોસા વગર જીવી ના શકાય ? તેનો જવાબ એ છે કે ભરોસા વગર વ્યવસ્થિત જીવન જીવવું અશકય છે અને મારી પુરી વાતના અંતે તમે પણ માનશો કે ભરોસા થી જ દુનિયા ચાલે છે, તો વાત કરીએ કે કેવી રીતે?

તો આ વાતને સમજવા માટે બધી જ વસ્તુઓમાં સુક્ષ્મ નિરીક્ષણ કરવું આવશ્યક છે. આપણી રોજની દિનચર્યામાં જ આ પ્રશ્નનો જવાબ છે. તમે સ્વયં વિચારો કે સવારે જાગતાની સાથે જ તમે આખા દિવસ દરમિયાન કેટલા લોકો પર ભરોસો કરો છો!

જાગવાની વાતથી શરૂઆત કરો તો તમે જયાં સુવો છો, એ ઘર બનાવનાર કારીગરો પર તમને ભરોસો છે કે એમણે ઘરનું નિર્માણ વ્યવસ્થિત કર્યુુ હશે, એટલે જ તમે નિશ્ચિંત ત્યા રહી શકો છો ! એ જ રીતે જેના પર તમે સુવો છો, તે ચારપાઇ કે પલંગ બનાવનાર સુથાર પર તમને ભરોસો છે, એણે બરાબર બનાવ્યું હશે. એટલે તમે નિશ્ચિંત ત્યાં સુઇ શકો છો.

જાગીને તમે બ્રશ કરો છો તો એ ટૂથપેસ્ટની કંપની પર તમને ભરોસો છે કે કંપનીએ યોગ્ય પદાર્થો દ્વારા જ ટૂથપેસ્ટ બનાવી હશે. ત્યારબાદ તમે પાણી પિવો છો તો નગરપાલીકા કે ગ્રામપંચાયતના કર્મચારીઓ પર તમને ભરોસો છે કે એ તમને ચોખ્ખું પાણી આપતા હશે.

તમે જે કાંઇ જમો છો તો એ ખેડુતો અને એ વસ્તુ વેચનાર વેપારી પર તમે ભરોસો કરો છો કે એમણે તમને યોગ્ય વસ્તુઓ જ આપી હશે. એ જ રીતે જયારે આપણે બહાર જઇએ છીએ. ત્યારે રિક્ષા કે બસમાં બેસીએ છીએ એ ડ્રાઇવરને આપણે ઓળખતા પણ નથી હોતા છતા આંધળો ભરોસો કરીએ છીએ કે એ આપણને સુરક્ષિત જયા જવું છે તે સ્થાનએ પહોચાડી દેશે. અરે! આપણે એને એ પણ નથી પુંછતા કે, ભાઇ તમારી પાસે લાઇસન્સ તો છે ને ? આવો ભરોસો કોણ કરે ? છતાં આપણે ભરોસો કરીએ છીએ.

જો વાહન જાતે ચલાવીને જઇએ તો એ કંપની પર ભરોસો કરીએ છીએ કે બ્રેક, ટાયર, બોડી અને બધા જ પાર્ટ્સ બરાબર હશે. વાહન ચલાવીને જઇએ તો રસ્તા અને ઓવરબ્રીજ બનાવનાર એન્જીનિયરો પર ભરોસો કરીએ છીએ કે એમણે વ્યવસ્થિત બનાવ્યું હશે. કોઇ ઉંચી ઇમારતો પર જતા આપણને સંકોચ નથી થતો અથવા ત્યાંની લીફટમાં જતા આપણને ડર નથી લાગતો કે લીફટ બંધ થઇ જશે કે તૂટીને નીચે પડશે તો ? આપણને ભરોસો હોય છે કે એ બરાબર ચાલશે.

ઘર બહારનું જમવામાં, ઠંડુ પીવામાં કે ચા-કોફી પીવામાં આપણને વાંધો નથી હોતો, રસ્તા પર ચાલીને જતા બીજા વાહન ચાલકો પર આપણે ભરોસો કરીએ છીએ કે એ ધ્યાન રાખશે. આપણી સાથે વાહન ભટકાવા નહી દે. રસ્તો પાર કરતી વખતે સામેથી આવતા વાહનચાલકને આપણે હાથ ઉંચો કરી વાહન ઉભુ રાખવા ઇશારો કરીએ છીએ કે રસ્તો પાર કરી ત્યાં સુધી વાહન ઉભુ રાખો. કેમ અજાણ્યા વ્યકિત પર એમ ભરોસો આવે કે હાથ ઉંચો કરવાથી એ વાહન ઉભુ રાખી જ દેશે ? કેમ આપણે જીવનું જોખમ લઇએ છીએ ? કેમ કે આપણને  ભરોસો છે કે એ વાહન ઉભુ રાખશે.

આ તો વાત થઇ અમુક વ્યકિત પરના ભરોસાની હવે વાત કરીએ કોઇ સંગઠન કે સરકારની. તો આપણે કેમ ભરોસો કરીએ છીએ કે બેંકમાં આપણે રાખેલા પૈસા સુરક્ષિત રહેશે ? આપણા જીવનની બધી જ પુંજી કેમ આપણે ત્યા ગીરવે મૂકવા માટે તૈયાર થઇ જઇએ છીએ કે જેને આપણે પુરા જાણતા પણ નથી હોતા, પછી એ સરકાર હોય કે નિજી બેંક હોય, તેના પર ભરોસો કરીને આપણે આપણા જીવનમાં પરિશ્રમ દ્વારા કમાયેલ બધુ જ ધન ત્યાં મુકીએ છીએ.

એ જ રીતે વાત કરીએ સરકારની તો આપણે શુ કામે આપણું ભવિષ્ય અજાણ્યાના હાથમાં આપી દઇએ છીએ. શું કામ દેશના સૈન્ય કે પોલીસ પર આપણને ભરોસો કરીએ છીએ કે એ આપણી રક્ષા કરશે ? કોઇના મનમાં એવો પ્રશ્ન આવી શકે કે આપણે કર (ટેકસ) ભરીએ છીએ એટલે એમને પગાર મળે છે. એટલે એમણે આપણું રક્ષણ કરવાનું જ હોય ને, તો વાત એ છે કે આપણે કર (ટેકસ) આપીએ છતા એ આપણું રક્ષણ ન કરે તો ? પણ આપણને ભરોશો હોય છે એમના પર કે એ આપણું રક્ષણ કરશે.

દેશનું સૈન્ય તો સૌથી શકિતશાળી હોય છે. તો શું કામ એ નેતાઓનું નેતૃત્વ પોતાના હાથમાં નથી લઇ લેતુ ? કારણ કે એમણે દેશના નેતાઓ અને લોકતંત્ર પર ભરોસો હોય છે કે એનાથી દેશ વ્યવસ્થિત ચાલશે.

તો ભરોસા પર જ દેશ ચાલે છે, દેશ નહિ દુનિયા ચાલે છે. એક દેશ બીજા દેશ પર ભરોસો કરે છે અને એ રીતે વૈશ્વિક સંબંધો ગાઢ બને છે. તો આમ નાનામાં નાની વાતથી લઇને મોટામાં મોટી વાતમાં ભરોસો પોતાની ભૂમિકા નિભાવે છે અને તેના દ્વારા જ સૃષ્ટિ વ્યવસ્થિત રૂપે ચાલે છે.

તો શું આ બધી વાત પછી તમે કહી શકો કે હું કોઇના પર ભરોસો કરતો જ નથી ? જો સાચે ના કરતા હોય તો ઘરમાં રહેવાનું છોડવુ પડે અથવા પોતાના પર જ ભરોસો કરીને ઘર જાતે ચણવું જોઇએ, પણ પોતે જ શું શું બનાવી શકીએ ? ઘર, રસ્તાઓ, વાહન, જમવા લાયક બધી જ વસ્તુ, પીવા લાયક પાણી, પહેરવાના કપડા, આ બધું જ તો જાતે કરવું તો અશકય છે ને ? તો પછી એ વાત તો માનવી પડશે ને કે ભરોસા પર જ બધુ ચાલે છે.

આવી તો ઘણી બધી વાતો છે જેમાં આપણે એવા એવા લોકો પર ભરોસો કરતા હોય છીએ જેને આપણે જાણતા પણ નથી કે જોયા પણ નથી. છતા આંખ બંધ કરીને એના પર ભરોસો કરીએ છીએ. અને રોમાંચક વાત તો એ છે કે આવી બધી વાતોમાં આપણને ખ્યાલ જ નથી હોતો કે હું કોઇના પર ભરોસો કરૂ છુ. આવી વાતો પર આપણું ધ્યાન કયારેય જતું જ નથી. તો ચાલો એ ભરોસા સાથે હું મારી વાત પુરી કરૂ કે તમને આ વાત ગમી હશે.

પ્રેષક ચૌહાણ મહારૂદ્રપ્રતાપસિંહ વી.

( M.A., M.phil ) મો. ૭૪૩૩૦ ૩૩૭૭૪

(4:06 pm IST)