Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

પુરૂષોતમ મહિનામાં ૬ ધાર્મિક પર્વ : લગ્ન સહિતના શુભ કાર્યો ઉપર બ્રેક

રાજકોટ, તા. ૧પ : હિન્દુ સમુદાયમાં દાન, સેવાકાર્યની દૃષ્ટિએ ભારે મહાત્મ્ય ધરાવતા અધિક માસની આજે બુધવારથી થઇ છે. તે સાથે જ સંકટ ચોથ, સોમ પ્રદોષ સહિતના ૬ ધાર્મિક પર્વો મનાવાશે. ૧૩ જૂન સુધી ચાલનારા અધિક માસને લઇને એક મહિનો સુધી લગ્ન સહિતના શુભ કાર્યો પર રોક લાગી જશે. વર્ષો પછી જેઠ માસમાં અધિક માસ મનાવાશે. દરમિયાન ૧૮ મેએ વિનાયક ચોથ, ર જૂને સંકટ ચોથ સહિતના પર્વોની ઉજવણી કરાશે.

અધિક માસના મહત્ત્વને લઇને 'અધીકે અધીકં ફલમ્'ના સંસ્કૃત વાકય, શ્લોકમાં આવરી લેવાયું છે. અધિક માસમાં કરેલુ દાન, કર્મનું ફળ અધિક મળવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરાયો છે. જે અંતર્ગત ચાલુ વર્ષે બુધવારના રોજ જેઠ સુદ પડવો, ગંગાપૂજન સાથે અધિક માસની શરૂઆત થશે. જયારે ૧૮ મેના શુક્રવારે વિનાયક ચોથ, રપ મેના શુક્રવારે કમલા એકાદશી, ર૬ મેના શનિવારે વ્યતીપાત યોગ, શનિ પ્રદોષની ઉજવણી કરાશે. વ્યતીપાત યોગમાં દાન કરવાનું પુણ્ય અનંતગણું મળે છે. આ સિવાય ર૯ મેના મંગળવારે પુનમ, ર જૂને રાત્રીએ ૧૦.૧૭ વાગ્યે ચંદ્રોદાય સાથે સંકટચોથ, પ જૂનના મંગળવારે વૈદ્યુતયોગ, ૧૦ જૂનના રવિવારે કમલા એકાદશી, ૧૧ જૂનના રોજ સોમ પ્રદોષ બાદ ૧૩ જૂનના બુધવારે અમાસ સાથે અધિક માસ પૂર્ણ થશે. અધિક માસમાં દાનનું મહત્વ છે. તાંબાના તરભાણીમાં તલ ભરી તેની ઉપર બીજી તરભાણી ઢાંકી તેનું દાન, કળશમાં પાણી ભરી તેનું દાન, દીપ દાન, કાંસાની થાળી કે વાટકીમાં માલુડા (૩૧ નંગ) મૂકી તેના ઉપર બીજી કાંસાની વાટકી ઢાંકી તેના પર સુતરના ૩૦ તાર વિંટાડી તેનું દાન, ઘંટડીનું દાન, દર્ષણ દાન, પગરખાનું દાન વિશેષ ફળદાયી સાબિત થાય છે. (૮.૬)

(12:00 pm IST)