Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

પુરૂષોત્તમ મહિનાનો પ્રારંભઃ દાન-પુણ્યનું અનેરૂ મહત્વ

એક મહિના સુધી અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો : મહિલાઓ દ્વારા વિશેષ પૂજન અર્ચન સાથે આધ્યાત્મિક આરાધના

રાજકોટ તા.૧૬ : આજથી પવિત્ર પુરૂષોત્તમ મહિનાનો પ્રારંભ થયો છે. એક મહિના સુધી અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવશે.

પુરૂષોત્તમ મહિનામાં દાન - પુણ્યનું અનેરૂ મહત્વ હોય છે. આ મહિના દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જયારે મહિલાઓ દ્વારા વિશેષ પૂજન, અર્ચન સાથે આધ્યાત્મિક આરાધના કરવામાં આવશે.

પુરૂષોત્તમ મહિના દરમિયાન તા. ૧૩ જૂન સુધી મંદિરોમાં કથા, પૂજન, અર્ચન, પાઠ જીર્ણોધ્ધાર સહિતના કાર્યો કરી શકાશે. પુરૂષોત્તમ માસ દરમિયાન દાન - પુણ્ય કર્યાનું અનેકગણું ફળ પ્રાપ્ત થતું હોવાનું પંડિતો જણાવે છે. આ વધારાનો માસ ભૌતિક કામ માટે વર્જિત છે તો આધ્યાત્મિક આરાધના માટે અકસીર છે. કારણ કે પુર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ એના સ્વામી છે. (પુરૂષોત્તમ માસ) દરમિયાન યજ્ઞ, સ્વાધ્યાય, દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. એમાં પણ ગાયને ઘાસ ખવડાવવાથી અદકેરૂ પુણ્ય પ્રાપ્ત થાય છે.

સુર્ય જેટલો સમય એક રાશીમાં રહે એને સૌરમાસ કહે છે. આ બાર સૌરમાસ (સંક્રાંતિ)ને એક વર્ષ કહેવાય. સૂર્ય ગતિ સિધ્ધાંત અનુસાર ૩૬૫ દિવસ ૧૫ ઘડી (છ કલાક) ૯ મિનીટ અને ૯ સેકન્ડનો સમય થાય, જયારે શુકલપક્ષની એકમથી કૃષ્ણપક્ષની અમાવસ્યા સુધીના સમયને ચાંદ્રમાસ કહેવાય છે.

આવા બાર માસોનું એક ચંાદ્રવર્ષ કહેવાય. આ વ્યવસ્થા પ્રમાણે પ્રતિ વર્ષ ૧૦ દિવસ ૫૩ ઘડી ૩૦ પલ અને ૬ વિપલનું સૌરમાસ અને ચાંદ્રમાસ વચ્ચે અંતર પડે, એટલે દર ૩૨ માસ ૧૬ દિવસ ૪ ઘડી પછી એક અધિકમાસ આવે, જેનો સમય ૨૯ પલ અને ૭ વિપલનો હોય છે. તેમ જૂનાગઢના પ્રદિપભાઇ ખીમાણીએ જણાવ્યું છે.

(12:00 pm IST)