Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

સાધુઓ, બ્રહ્મચારીઓ અને હજારો ભકતો માટે 'બાપા' માર્ગદર્શક હતા

રામકૃષ્ણ આશ્રમના સ્વામી આદિભવાનંદજી મહાસમાધિમાં લીન

૧૯૭૯માં સન્યાસ દીક્ષાગ્રહણ કરેલી, રાજકોટ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે સેવા આપેલી : રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ વેન્ટીલેટર ઉપર હતા : ઘેરા શોકની લાગણી

રાજકોટ : રામકૃષ્ણ આશ્રમના સ્વામી આદિભવાનંદજી જેઓ ભકતોમાં પુ. બાપાના હુલામણા નામે પ્રખ્યાત હતા તેઓ મહાસમાધિમાં લીન થયાં હતા. આ અંગે વધુ વિગત આપતા અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ જણાવ્યું હતું કે, ૮૩ વર્ષના સ્વામી અદિભાવાનંદજી છેલ્લા ઘણા વર્ષોથી ડાયાબિટીસ અને અન્ય બીમારીની સારવાર લઈ રહ્યા હતા. થોડા સમય પહેલા તેમણે કોરોના પોઝીટીવ આવતા તેમની ઘનિષ્ઠ સારવાર વોકહાર્ટ હોસ્પીટલમાં કરવામાં આવી હતી. ત્યારબાદ નેગેટીવ થયા બાદ છેલ્લા થોડા દિવસોથી તેઓ વેન્ટીલેટર પર હતા.પરંતુ ગઇ કાલે સવારે તેમણે પોતાની જીવન લીલા સંકેલી મહાસમાધિમાં લીન થયાં હતા.પૂજય બાપાનું જીવન આપણાં બધા માટે ખૂબ પ્રેરણાદાયી છે.સાધુઓ, બ્રહ્મચારીઓ અને હજારો ભકતો માટે  બાપા માર્ગદર્શક હતાં.આજે એમનાં રામકૃષ્ણ લોક જવાથી આપણને ખૂબ મોટી ખોટ પડી છે,જે કયારેય પુરી શકાય તેમ નથી. તેમનાં જવાથી એક યુગ પૂરો થઈ ગયો હોય એવું પ્રતિત થાય છે.

પૂજય સ્વામી આદિભવાનંદજી (પ્રાગજી મહારાજ)નો જન્મ અમરેલી જિલ્લા ના કેરિયા ગામે પિતા કરશનભાઇ દેસાઈ અને માતા ઓતીબેન  ને ત્યાં ઇ.સ.૧૯૩૮માં થયો હતો. એમનો પ્રાથમિક  અભ્યાસ કેરીયા ગામમાં  જ થયો હતો. ત્યાર  પછી અમરેલીમાં હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યા પછી કોલેજ કરવા માટે અમદાવાદ ગયા. ત્યારબાદ વલ્લભ વિદ્યાનગરમાં એક નાનું રામકૃષ્ણ મંદિર હતું ત્યાં, મંદિરના રૂમમાં રહેતા અને અભ્યાસ કરતાં. ભણતાં ભણતાં તેમણે અનેક સેવા યજ્ઞો કર્યા.સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિમાં તેમણે ટ્રસ્ટી તરીકે સેવા આપી,તેમજ શ્રી રણછોડદાસજી આશ્રમ સાથે જોડાઈને ઓરિસ્સામાં  દુષ્કાળ નાં સમયમાં ૬ મહિના ટ્રસ્ટી તરીકે સેવા આપી.

પૂજય બાપાએ સ્વામી વિવેકાનંદના વિચારોથી પ્રભાવિત થઈને ઇ.સ. ૧૯૬૮માં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં પુજય સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના માર્ગદર્શનથી બ્રહ્મચારી તરીકે રામકૃષ્ણ સંઘમાં જોડાયા.

ઇ.સ. ૧૯૭૯ માં રામકૃષ્ણ મઠ- મિશન ના દસમાં પરમાધ્યક્ષ પૂજય શ્રીમત સ્વામી વિરેશ્વરાનંદજી મહારાજ પાસેથી સંન્યાસ દીક્ષા ગ્રહણ કરી અને સ્વામી આદિભવાનંદજી નામ મળ્યું.પૂજય સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ પ્રેમથી, તેમને બાપા તરીકે સંબોધતા, ત્યારથી આદિભવાનંદજી મહારાજ સહુ માટે બાપા તરીકે ઓળખાયા.પૂજય મહારાજ   રાજકોટ આશ્રમ માં ગૃહપતિ હતા.ત્યારે  તેમણે ઘણાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રેરણા આપી.એમની નીચે તૈયાર થયેલા ઘણાં વિદ્યાર્થીઓ દેશ વિદેશમાં વસે છે.  ઇ.સ.૧૯૭૦માં કચ્છનાં ધાણેટી ગામમાં દુષ્કાળના સમય માં માનવ બંધુ માટે સેવા કાર્ય કર્યું.ત્યારબાદ બે વર્ષ તેઓ બેલુર મઠ રહ્યાં. ફરી ઇ.સ.૧૯૭૯ માં ભગવાન શ્રીરામકૃષ્ણદેવના રાજકોટનાં નૂતન વૈશ્વિક મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનાં ઉત્સવ સમયે મોટી સેવા આપી.ત્યારબાદ ઇ.સ.૧૯૭૯ના ઓગસ્ટમાં મોરબી હોનારત બાદ પ્રાથમિક રાહત અને પુનઃવસવાટના કાર્યોમાં સેવા આપી .ઇ.સ.૧૯૮૩માં સમગ્ર જૂનાગઢ જિલ્લાના પુર રાહત કાર્યમાં સેવા આપી.

ઇ.સ.૧૯૮૪માં પુણે નાં નવા આશ્રમમાં સેવા આપી, ઇ.સ.૧૯૮૭માં રામકૃષ્ણ મઠ ફિઝીમાં સેવા આપી તથા ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં ૧૦ વર્ષ સુધી શ્રીરામકૃષ્ણ ભાવધારાના પ્રચાર- પ્રસાર નું કાર્ય કર્યું.

ઇ.સ.૧૯૯૭ માં શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડીમાં સચિવ તરીકે પદ સંભાળ્યું. લીંબડીના આજુબાજુના ગામડાઓમાં શ્રીરામકૃષ્ણ જલધારા  પ્રોજેકટ અંતર્ગત ૬૦ જેટલા તળાવો બંધાવ્યા,ઇ.સ.૨૦૦૧માં ભૂકંપ પછી જુદા જુદા ગામડાઓમાં  ૨૪ જેટલી શાળાઓ બંધાવી અને ગરીબો તથા વિદ્યાર્થીઓ માટે ભગીરથ કાર્ય કર્યું.

ઇ.સ.૨૦૧૪ - નવેમ્બર માં લીંબડીમાં નવા વૈશ્વિક મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ સંપન્ન કરીને નિવૃત થયા.નિવૃત જીવનમાં છેલ્લે સુધી  રાજકોટ તથા અમદાવાદ આશ્રમમાં  ખૂબ સક્રિય રહીને અનેક પ્રકારે સેવાઓ આપી હતી.

(4:10 pm IST)
  • લોકડાઉનની અફવા ફેલાવનાર ટ્રાવેલ્સ સંચાલકની અટક ભરૂચમાં લોકડાઉનની અફવા ફેલાવનાર ટ્રાવેલ્સ સંચાલકની પોલીસે ધરપકડ કરી છે. લોકડાઉન થવાનું કહી પરપ્રાંતિય શ્રમજીવીઓની ટીકીટ બુક કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે. સી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. access_time 6:29 pm IST

  • કોવિડ-૧૯ નિયંત્રણ માટે વિજયભાઈ રૂપાણીનો ૭ શહેરના મેડિકલ એસોસીએશન સાથે સંવાદ : વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આજે સાંજે ૪ કલાકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, કચ્છ, મહેસાણા અને આણંદના ઈન્ડીયન મેડિકલ એસોસીએશનના સભ્યો સાથે કોરોના નિયંત્રણ સંદર્ભે ગાંધીનગરથી સંવાદ કરેલ access_time 4:01 pm IST

  • કેન્દ્ર સરકારની ઘોષણા : ઓક્સિજન સિલિન્ડરની ઘટને પહોંચી વળવા, દેશની 100 નવી હોસ્પિટલોને પોતાનો ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા PM Cares ફંડમાંથી ફંડ ફાળવવામાં આવશે access_time 11:18 pm IST