Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

આગ ભભૂકતાં માતા, ચાર માસની પુત્રી અને ૮ વર્ષનો પુત્ર એકાદ કલાક બાથરૂમમાં પુરાઇ રહ્યાઃ ફાયર બ્રિગેડે બચાવ્યા

૮ વર્ષના હર્ષીએ દૂધ ગરમ કરવા ગેસ ચાલુ કરવા માટે દિવાસળી પ્રગટાવી ને ભડકો થયો...બેડીનાકાના કોમલ એપાર્ટમેન્ટમાં ચોથા માળે ઘટના : ત્રણેયને ગુંગળામણ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયાઃ ફાયર બ્રિગેડ ઓફિસરે નવજાત બાળકીને છાતી સરસી લગાવીને બચાવવા માટે દોટ મુકીઃ તન્ના પરિવારનું ઘર અને ઘરવખરી આગમાં ખાક થઇ ગયા

તસ્વીરમાં જ્યાં આગ ભભૂકી હતી એ બિલ્ડીંગ, બચાવ કામગીરી કરી રહેલા ફાયર બ્રિગેડના જવાનો, બાળકીને બચાવીને લાવેલા અધિકારી તથા સારવારમાં રહેલા માતા-પુત્ર અને પુત્રી જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૬: બેડીનાકામાં રાણીમા રૂડીમા મંદિર પાસે નકલંક ચોકના કોમલ એપાર્ટમેન્ટના ચોથા માળે ગેસ લિકેજથી આગ ભભૂકતાં નાસભાગ મચી ગઇ હતી. આગ લાગતાં જ સમયસુચકતા વાપરી ઘરમાં રહેલી મહિલા પોતાની ૪ માસની નવજાત પુત્રી અને ૮ વર્ષના પુત્રને લઇ બાથરૂમમાં પુરાઇ ગઇ હતી. ફાયર બ્રિગેડની ટીમે પહોંચી આગ બુઝાવી મહામહેનતે ફસાયેલા ત્રણેયને બહાર કાઢ્યા હતાં. ફાયર બ્રિગેડ ઓફિસરે નવજાત બાળકીને છાતી સરસી ચાંપી દોટ મુકી હતી. આ બચાવ કામગીરી વખતે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતાં. આઠ વર્ષના દિકરાએ દૂધ ગરમ કરવા માટે ગેસના ચુલા પાસે જઇ દિવાસળી ચાલુ કરતાં જ અચાનક ભડકો થયો હતો અને આગ લાગી હતી.

જાણવા મળ્યા મુજબ બેડીનાકાના કોમલ એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતાં વિશાલભાઇ ભુપેન્દ્રભાઇ તન્નાના ભાડાના ફલેટમાં અચાનક આગ ભભૂકતાં દેકારો મચી ગયો હતો. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના ઓફિસર આઇ. વી. ખેર સહિતનો કાફલો પહોંચ્યો હતો. બનાવ સ્થળે પહોંચ્યા પછી જાણ થઇ હતી કે ફલેટની અંદર વિશાલભાઇના પત્નિ ધારાબેન (ઉ.વ.૩૦), પુત્રી ચાન્સી (૪ માસ) અને પુત્ર હર્ષી (ઉ.૮) ફસાયેલા છે. આથી ફાયર બ્રિગેડની ટીમે તાકીદે ફલેટનો દરવાજો તોડી આગ બુઝાવવાની કાર્યવાહી આરંભી હતી. આગ કાબૂમાં આવી ગયા બાદ તપાસ કરતાં બાથરૂમ અંદર ધારાબેન, પુત્ર અને પુત્રી બચવા માટે છુપાયા હોઇ ત્રણેયને ગુંગળામણ થતાં તુરત જ સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં.

ફાયર બ્રિગેડના ઓફિસર નવજાત ચાર માસની બાળાને છાતીએ લગાવી દોટ મુકીને ઉતર્યા હતાં એ વખતે અત્યંત લાગણીસભર દ્રશ્યો ખડા થયા હતાં. પોતાની ફરજ બજાવવા સાથે તેમણે માનવતાની ફરજ પણ બજાવી હતી. સદ્દનસિબે માતા-પુત્ર-પુત્રી સમય સુચકતા વાપરી બાથરૂમમાં જતાં રહ્યા હોઇ આગને લીધે દાઝયા નહોતાં. પણ આખા ઘરમાં બાદમાં આગ ફેલાઇ ગઇ હોઇ ધૂમાડાને કારણે ત્રણેયને ગુંગળામણ થઇ હતી. ધારાબેનના કહેવા મુજબ એકાદ કલાક સુધી બાથરૂમમાં પુરાઇ રહેવું પડ્યું હતું.

ધારાબેનને સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં અને પુત્રી ચાન્સી તથા પુત્ર હર્ષને કે. ટી. ચિલ્ડ્રન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. સવારે પણ ધારાબેન ધૂમાડો શ્વાસમાં ગયો હોવાને કારણે બરાબર બોલી શકતા નહોતાં. આઠ વર્ષના હર્ષએ જણાવ્યું હતું કે મમ્મી બીજા કામમાં હતાં ત્યારે પોતે દૂધ ગરમ કરવા માટે ગેસના ચુલા પાસે ગયો હતો. ચુલાનું બટન ચાલુ દિવાસળી પ્રગટાવી ત્યાં જ ભડકો થતાં પોતે દોડીને ભાગ્યો હતો અને મમ્મી તથા બહેન અને પોતે બાથરૂમમાં પુરાઇ ગયા હતાં.

ગેસ લિકેજ થવાથી આગ લાગ્યાનું પ્રાથમિક તારણ નીકળ્યું છે. આગમાં આખુ ઘર, ઘરવખરી ખાક થઇ ગયાનું વિશાલભાઇએ કહ્યું હતું. વિશાલભાઇ, તેના બહેન અને પત્નિ પરાબજારમાં શ્રીફળનો ધંધો કરે છે. વિશાલભાઇ અને તેમના બહેન ધંધાના સ્થળે હતાં અને પત્નિ સંતાનો એકલા હતાં. આ પરિવાર મોચી બજારમાં રહે છે. ત્યાં હાલ રિપેરીંગ ચાલતું હોઇ આ ફલેટ થોડા સમય પહેલા ભાડેથી રાખ્યો છે.

ફૂલછાબ ચોકની ખોડિયાર હોટેલ એન્ડ પાનમાં આગથી અઢી લાખનું નુકસાન

આગના અન્ય એક બનાવમાં ફૂલછાબ ચોકમાં આવેલી ખોડિયાર હોટેલ એન્ડ પાન નામની દૂકાનમાં એકાએક આગ ભભૂકી ઉઠતાં દોડધામ થઇ ગઇ હતી. લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં તાકીદે પહોંચી દોઢેક કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી. આગ શોર્ટ સરકિટથી લાગી હોવાનું તારણ નીકળ્યું હતું. હોટેલના માલિક રઘુભાઇ દાનાભાઇ ભુવા છે. ફાયર બ્રિગેડ સુત્રોના કહેવા મુજબ આગમાં મંદિર, સોપારી, પાન મસાલા, સોપારી કાપવાનું મશીન, ટીવી, સીસીટીવી કેમેરા, વાયરીંગ સહિત બળી જતાં અંદાજે અઢી લાખનું નુકસાન થયું છે.

(1:03 pm IST)