Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

જનસંઘના પીઢ કાર્યકર્તા રાજકોટના પૂર્વ ડે. મેયર - રૂડાના ચેરમેન હરગોવિંદભાઇ વ્યાસનું અવસાન

સતત બીજાને મદદરૂપ થવાનો સ્વભાવ હોવાને લીધે ખુબ લોકચાહના મેળવી હતીઃ તેમના પુત્ર નિરજભાઇ વ્યાસ દૈનિક 'કાઠીયાવાડ પોસ્ટ'ના તંત્રી છે

રાજકોટ : શહરેના પુર્વ ડેપ્યુટી મેયર અને રૂડાના ચેરમેન પદે રહી ચુકેલા હરગોવિંદભાઇ માવજીભાઇ વ્યાસ (ઉ.વ.૭૫)એ આજે તા. ૧૬ના શુક્રવારે સવારે તેમના નિવાસસ્થાન ખાતે અંતિમશ્વાસ લીધા છે. કેટલાક દિવસથી સારવાર ચાલુ પણ ચાલુ હતી. પરંતુ તબિયતમાં સુધારો થઇ શકયો નહોતો.

હરગોવિંદભાઇ વ્યાસ જનસંઘ વખતના સક્રિય કાર્યકરથી લઇ આગેવાન સુધીની સફળ સફર ખેડી ચુકયા હતાં. સામાન્ય કાર્યકરથી લઇ આગેવાન સુધી આગળ વધ્યા પછી તેઓ રાજકોટ મહાનગર પાલિકમાં ડેપ્યુટી મેયર પદે પણ રહ્યા હતાં અને શહેરીજનોની સેવા કરી હતી.

હરગોવિંદભાઇ વ્યાસને એ પછી રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી (રૂડા)ના ચેરમેન પદે પણ પસંદગી થઇ હતી. જનસંઘના સક્રિય કાર્યકરથી લઇ રૂડાના ચેરમને સુધીની સફરમાં હરગોવિંદભાઇ વ્યાસે પોતાના સરળ, હસમુખા અને મળતાવડા તેમજ બીજાને સતત ઉપયોગી-મદદરૂપ થવાના સ્વભાવને કારણે ખુબ લોકચાહના મેળવી હતી. આજે સવારે તેઓ સ્વજનોને વિલાપ કરતાં છોડી ગયા છે. તેમના પુત્ર નિરજભાઇ વ્યાસ શહેરમાંથી પ્રસિધ્ધ થતાં દૈનિક કાઠીયાવાડ પોસ્ટમાં તંત્રી તરીકે સક્રિય છે.

અકિલા પરિવારના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રાએ શ્રધ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે-હરગોવિંદભાઇ સાથે સ્કૂલકાળથી સંબંધ રહ્યો હતો. દાયકાઓની મિત્રતા તૂટી છે. ચિ. નિરજ અને પરિવાર ઉપર આવી પડેલી આ દુઃખની વેળાએ અકિલા પરિવારે સાંત્વના પાઠવી બે મિનિટ મોૈન પાળી મિત્રને શ્રધ્ધાસુમન પાઠવ્યા હતાં. (નિરજભાઇ હરગોવિંદભાઇ વ્યાસ-૯૮૨૫૨ ૯૫૪૬૬)

(11:52 am IST)