Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

ટ્રાવેલ એજન્સી ''કોક્ષ એન્ડ કીગ્સ''ને ગ્રાહક પાસેથી લીધેલ નાણાં પરત કરવા ગ્રાહક તકરાર ફોરમનો ચુકાદો

વિઝા રદ થવાના કારણે ગ્રાહકે ભરેલ નાણા કંપનીએ પરત નહિ કરતા

રાજકોટ તા.૧૬: દેશ વિદેશમાં પ્રખ્યાત ''કોક્ષ એન્ડ કીગ્સ'' કંપનીને ગ્રાહકના નાણા પરત કરવાનો મહત્વનો હુકમ ગ્રાહક તકરાર નિવારણ ફોરર્મ ફરમાવેલ હતો.

આ કેસની હકીકત એવી છે કે દેશ-વિદેષમાં પ્રથમ હરોળની કહેવાતી નામાંકિત ટ્રાવેલ એજન્સી ''કોક્ષ એન્ડ કિગ્સ'' દ્વારા ''દુનિયા દેખો''ના નામે યુરોપના વિદેષ પ્રવાસ કરાવવા માટે વિવિધ લોભામણી જાહેરાતો કરવામાં આવેલ, કંપનીના ખોટા પ્રલોભનો અને દિવાસ્વ્પનમાં રાજકોટના અમિષભાઇ વી.મહેતાએ ''કોક્ષ એન્ડ કિગ્સ'' રાજકોટ ઓફીસમાં વિદેષ પ્રવાસ સંબધે સંપર્ક કરેલ.

ત્યારબાદ કંપનીના અધિકારીઓએ જણાવેલ કે વિદેષ પ્રવાસ જવું હોય તો પ્રથમ કંપનીના ફોર્મમાં સહી કરવી જરૂરી છે અને ત્યારબાદ કંપની તમારી આગળની કાર્યવાહી કરશે તેના પર વિશ્વાસ રાખી ગ્રાહકને ફોર્મમાં જણાવેલ હકીકતોની સમજ આપ્યા વિના કંપનીના ફોર્મમાં તા.૨૩-૫-૨૦૧૭ના રોજ સહીઓ કરાવેલ અને ત્યારબાદ ગ્રાહક પાસેથી કંપનીએ તા.૨૬-૫-૨૦૧૭ના રોજ વિદેષ પ્રવાસના બુકીંગ પેટે રૂપિયા રૂ.૧,૫૦,૦૦૦ લીધેલા અને ગ્રાહકને વિઝા મેળવવા માટે જે જરૂરી દસ્તાવેજો રજુ કરવાના છે તેની વિગતો કંપનીએ આપેલ.

આ સંબધે ગ્રાહકે કંપનીએ જણાવેલ તમામ દસ્તાવેજો નિયત સમય મર્યાદામાં પુરા પાડેલ હતા, પરંતુ કંપનીએ પુરી પાડવાની વિગતો જેવીકે ગ્રાહકોને વિઝાના સમયગાળા પુરા થયા બાદ દેશ છોડી દેશો એટલેકે ગ્રાહકના વિદેષમાં રહેવા માટેના જે આધારો રજુ રાખવાના હતા તે પુરા ન પાડતા ગ્રાહકના વિઝા રદ થયા જેથી કંપનીએ ગ્રાહકને ફરી વિઝા એપ્લાઇ થવા જણાવ્યુ પરંતુ ફરી ગ્રાહકના વિઝા તેજ કારણથી રદ થયા, વિઝા ન મળવાને લઇ વિદેષ પ્રવાસથી વંચિત બનેલ ગ્રાહકે વિઝા ખર્ચ સિવાયની રકમ કંપનીમાં પરત માંગણી કરતા કંપનીએ કોઇ પણ જાતના નાણા પરત મળવા પાત્ર નથી તેવું જણાવતા ગ્રાહકે ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરીયાદ દાખલ કરેલ હતી. જેના અનુસંધાને કંરનીનીએ તેના બચાવમાં કંપનીના સ્વરચિત ફોર્મમાં ગ્રાહકે સહી કરેલ હોય અને ઝિા રદ થવાથી કંપનીમાં ભરેલ રૂપિયા મળવાપાત્ર નથી તેમજ કંપનીએ કોઇ સેવાકીય ખામી કરેલ નથી તેમજ આ ફરીયાદ અહીં સાંભળવા માટે ફોરમ સક્ષમ નથી તેવો હવાલો દઇ ફરીયાદ રદ કરવાની માંગણી કરેલ હતી.

આ અંગે બચાવમાં ગ્રાહક તરફે શૈલેન્દ્રસિંહ આર.જાડેજા એડવોકેટએ દલીલ કરી ગ્રાહક અને કંપની વચ્ચે થયેલ તમામ વ્યવહારોની દસ્તાવેજી પુરાવા તેમજ સુપ્રિમ કોર્ટના આદેશોને રજુ રાખી તેમજ કંપનીના નિયત ફોર્મમાં પણ જે કારણોથી વિઝા રદ થઇ શકે તેમા આ કારણ દર્શાવવામાં આવેલ ન હોય કંપનીએ સેવાકીય ખામી કરેલ હોય અને ફરીયાદ મંજુર કરવા અરજ કરેલી અને ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દ્વારા ગ્રાહકની તરફેણમાં ચુકાદો આપી ગ્રાહકને વિઝા ખર્ચની રકમ બાદ કરી મળવા પાત્ર રૂપિયા ૧,૨૬,૫૨૦ને ૭ ટકાના વ્યાજ સાથે દિવસ-૩૦માં પરત ચુકવી આપવા આદેશ કરેલ છે. ગ્રાહક અમિષ વી.મહેતા વતી ધારાશાસ્ત્રી કેતન વી.જેઠવા, સંદીપ.આર.જોષી અને શૈલેન્દ્રસિંહ આર.જાડેજા રોકાયેલ હતા.

(11:32 pm IST)