Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

પડધરીના ખાખડાબેલાના દરબાર શખ્સની હત્યા કેસના આરોપીની જામીન અરજી રદ

આરોપીએ માનવતાના ગ્રાઉન્ડ પર જામીન અરજી કરી હતી

રાજકોટ, તા. ૧૬ : પડધરી તાલુકાના ખખડબેલા ગામે જમીનના વેચાણના મનદુખનો ખાર રાખી પ્રૌઢની કરપીણ હત્યાના ગુનામાં જેલ હવાલે રહેલ શખ્સની અરજી માનવતાના ધોરણે કરેલ જમીન અરજી અદાલતે ફાવી નામંજૂર કરતો હુકમ કર્યો છે.

વધુ વિગત મુજબ પડધરી નજીક આવેલા ખખડાબેલા ગામે રહેતા અજીતસિંહ જાડેજા નામના ગરાસિયા પ્રૌઢની જમીનના વેચાણના મનદુખમાં છરી અને લોખંડના પાઇપ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધાની મૃતકના પુત્ર ચંદ્રસિંહ જાડેજાએ ફરીયાદ કરતા ચકચાર મચી જવા પામેલ. ચંદ્રસિંહએ રાજકોટના ગાયત્રીધામ સોસાયટી શેરી નં. ર માં રહેતા જગદીશસિંહ શામતુંભા જાડેજાની સામે હત્યાની ફરીયાદ નોંધાવી હતી.

પોલીસે આરોપી જગદીશસિંહ ઉર્ફે જગૂભા શામતુભા જાડેજાની ધરપકડ કરી પડધરી પો.સ્ટે.માં ઇ.પી.કો.ની કલમ ૩૦ર, ૧ર૦-બી, ૩૪ અને ગુજરાત પોલીસ એકટની કલમ ૧૩પ મુજબની ફરિયાદ દાખલ કરેલ અને તપાસ પૂર્ણ થતાં જેલ હવાલે કરેલ અને પૂરતા પૂરાવાઓ મળતા ચાર્જ શીટ દાખલ કરેલ. હાલ જેલ હવાલે રહેલા શખસે પોતાને ડાયાબિટિશ, બ્લડ પ્રેસરની બીમારી હોય તથા ઘૂંટણનું ઓપરેશન કરવાનું હોય, વધુ સારવાર તથા ઓપરેશન કરાવવા માટે જામીન પર છૂટવા અરજી કરેલી. હાલના આરોપીની આ નવ મહિનામાં છઠ્ઠી જામીન અરજી હોય જેમાં બંને પક્ષોની રજુઆતો તથા મૂળ ફરીયાદી તરફે રહેલા વકીલોના લેખિત વાંધાઓ ધ્યાને લઇને રાજકોટ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજશ્રી ગીતા ગોપીએ નામંજૂર કરેલ છે.

આ કામે સરકાર તરફે પી.પી. કમલેશભાઇ ડોડીયા તથા મૂળ ફરીયાદી વતી રાજકોટના વકીલ રૂપરાજસિંહ પરમાર, અજિત પરમાર, કુલદીપસિંહ બી. જાડેજા રોકાયેલ હતા.

(4:22 pm IST)