Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

ચૂંટણી ૧૯પરથી ર૦૧૯ : ખર્ચ રૂ. ૧૦ કરોડથી રૂ. ૬પ૦૦૦ કરોડ

જન-જાગૃતિ મંચના તખુભા રાઠોડે રાજકીય જંગની રસપ્રદ માહિતી પીરસી : લોકસભાની પ્રથમ ચૂંટણી માત્ર રૂ. ૧૦ કરોડ ૪પ લાખના ખર્ચે પૂર્ણ થઇ હતી, વર્તમાન ચૂંટણી ખર્ચ અધધધ..૧૯પરમાં વસ્તી ૩૬ કરોડ હતી, મતદારો ૧૭ કરોડઃ લોકસભાની ૪૮૯ બેઠકોમાંથી કોંગ્રેસને ૩૬૪ બેઠકો મળી હતી : પ્રથમ લોકસભાની ચૂંટણીના આંચકાઃ ડો. આંબેડકર અને આચાર્ય કૃપાલાણીનો પરાજય થયો હતો

જન જાગૃતિ અભિયાન મંચના પ્રમુખશ્રી તખુભા રાઠોડ હાલ ચાલી રહેલ ચૂંટણી માહોલના સમયે વાંચકોને દેશની પ્રથમ ચૂંટણી અંગેની રસપ્રદ માહિતી આપતાં જણાવે છે.

સદીઓની વિદેશી હકુમતો, મુસ્લિમ બાદશાહો, દેશી મહારાજાઓ, રાજાઓની સતાનો અંત ૧પ ઓગષ્ટ ૧૯૪૭ ના રોજ આવ્યો હતો. અને ભારતે  વિશ્વના નકશામાં આઝાદ ભારતનું સ્થાન મેળવેલ. અને ર૬ જાન્યુઆરી ૧૯પ૦ ના રોજ અજોડ બંધારણ અમલમાં મુકી દુનિયામાં એક મોટા લોકશાહી દેશનો દરજ્જો હાંસલ કરેલ.

વિશાળ દેશમાં અનેક નાના-મોટા રાજયો આ રાજયોમાં અનેક જ્ઞાતિઓની પ્રજા, આ પ્રજાઓની અનેક ભાષાઓ અને અસંખ્ય ધર્મમાં શ્રધ્ધા ધરાવતી ૩૬ કરોડની પ્રજા એકજુટ રહીને પ્રજાતંત્રના માળખામાં કેવી રીતે જોડાયેલી રહેશે એ જોવા તે સમયે દુનિયા આતુર હતી.

ર૧ મી જાન્યુઆરી ૧૯પ૦ ના રોજ લોકતંત્રના મુખ્ય આધારસ્થંભસમાં  ચૂંટણી પંચની રચના કરવામાં આવેલ. અને પ્રથમ ચૂંટણી કમિશ્નર પદે બંગાળના હોનહાર અને બાહોશ ચીફ સેક્રેટરી સુકમાર સેનની નિમણુંક કરવામાં આવેલ.

પ્રથમ ચૂંટણી સમયે દેશની ૩૬ કરોડની વસતી હતી. પરંતુ આ વસતીનો ૮૦ ટકાથી વધુ વર્ગ સાવ અભણ, અક્ષરજ્ઞાન વગરનો હતો જેથી અતિ લાંબી અને મુશ્કેલ પ્રક્રિયા બાદ ચૂંટણી પંચે ૧૭ કરોડ ૬૦ લાખની મતદાર યાદી બનાવેલ. આ મતદાર યાદીમાં અભણતાને કારણે અને ભયંકર ખરાબ કુરિવાજને કારણે લાખો મહિલાઓનો આ મતદાર યાદીમાં સમાવેશ થઇ શકેલ નહીં.

૧૯પ૧-પર ની પ્રથમ ચૂંટણી ૪૮૯  લોકસભાની બેઠક અને રર રાજયોની ૩ર૮૦ ધારાસભ્યોની બેઠકો માટે યોજાયેલ. આ ચૂંટણીમાં પ૬૦૦૦ પ્રિસાઇડીંગ  ઓફીસર અને ર૮૦૦૦૦ સરકારી કર્મચારીઓએ ફરજ બજાવેલ. મતદારો માટે રર૪૦૦ પોલીંગ બુથ ઉભા કરેલ. રપ.૮૦ લાખ બેલેટ બોકસ અને ૬ર કરોડ બેલેટ પેપર છાપવામાં આવેલ. 

આ પ્રથમ ચૂંટણીમાં નાના-મોટા ૬૩ રાજકીય પક્ષોએ સત્તા પ્રાપ્ત કરવા પોતાના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતારેલા.

આ ચૂંટણીમાં ૪પ.૭ ટકા મતદાન થયેલ જેમાં કોંગ્રેસ ૪પ ટકા મત મેળવી લોકસભાની ૩૬૪ બેઠકો ઉપર જીત હાંસલ કરેલ તથા રર રાજયોની રર૪૩ વિધાસનભાની સીટો ઉપર વિજય મેળવેલ અન્ય પક્ષોને ફાળે ૧રપ બેઠક ગયેલ જેમાં સૌથી વધુ સી.પી.એમ.પક્ષને ૧૬ બેઠક મળેલ લોકસભાની આ ચુંટણીમાં કેટલાક આંચકાજનક પરિણામ આવેલ. આચાર્ય કૃપલાણી અને કદાવર દલિત નેતા ડો. આંબેડકર, અનામત બેઠક ઉપર પરાજય પામેલ.

આ ચૂંટણી સમયે સૌરાષ્ટ્ર પણ એક રાજય હતું. અને તેની ૬૦ વિધાન સભાની બેઠકો ઉપર ચુંટણી થયેલ જેમાં કોંગ્રેસ પક્ષનો પપ સીટ ઉપર વિજય થયેલ.

પ્રથમ ચૂંટણીમાં સરકારી ખર્ચ ૧૦ કરોડ ૪પ લાખ થયેલો (મતદારો ૧૭ કરોડ ૬૦ લાખ) વર્તમાન ર૦૧૯ ની ચુંટણીમાંં ૯૦ કરોડ મતદાર માટે ૬પ૦૦ કરોડનો ખર્ચો થશે.

શ્રી જવાહરલાલ નહેરૂએ વડાપ્રધાન પદના બે વખત શપથ લીધેલ ૧પ ઓગસ્ટ ૧૯૪૭ માં માઉન્ટ બેટનના હસ્તે અને ૧પ એપ્રિલ ૧૯પર ના રોજ પ્રથમ રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્ર પ્રસાદે પણ શપથ લેવડાવેલ.

સંકલનઃ

તખ્તસિંહ

(તખુભા) રાઠોડ

મો.૯૮ર૪ર ૧૬૧૩૦

(4:03 pm IST)