Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

પેટ્રોલ-ડિઝલમાં ભાવ વધારા ઝીંકી ભાજપે નાગરીકોની કમ્મર તોડી નાખી : કોંગ્રેસ

મોંઘવારીનો મુદ્દો તો ભાજપ સરકારે ભુલાવી જ દીધો : ત્રિવેદી, બારોટ, ડાંગર, રાજપૂત, વસાવડા, ભટ્ટી

રાજકોટ, તા. ૧૬ : કોંગ્રેસ પક્ષના આગેવાન શ્રી પ્રદીપભાઈ ત્રિવેદી અને શ્રી નીધ્તભાઈ બારોટની સંયુકત અખબારી યાદી જણાવે છે કે હાલ આ ભાજપની સરકારે છેલ્લા ૫ વર્ષમાં દેશની પ્રજા ઉપર હડહડતો અન્યાય કર્યો છે અને સમગ્ર દેશની જનતા પેટ્રોલ ડીઝલના ભાવવધારાથી ત્રાહિમામ પોકારી ગઈ છે. જયારે ઇન્ટરનેશનલ બજારમાં ક્રુડ ઓઈલના ભાવ સસ્તા હોય ત્યારે ભાજપ સરકારે પ્રજા ઉપર ખોટા ટેકસ અને ભાવ વધારા નાખી પ્રજાને બેહાલ કરી છે અને મોંદ્યવારીમાં વધારો કર્યો છે તેના જવાબદાર માત્રને માત્ર આ ભાજપા સરકાર જ છે.

નાગરિકોના જીવનમાં પેટ્રોલ અને ડીઝલની જરૂરિયાત પાણી અને પ્રાણવાયું જેટલી છે અને આ સરકાર ભૂતકાળમાં પ્રજાને વારંવાર છેતરતી હતી અને છાસવારે સામાન્ય ભાવ વધારા સામે આંદોલનો કરતી હતી આ સરકારના મેનીફેસ્ટોમાં કે ચુંટણીના મુદ્દામાં કયાય મોંઘવારીનો મુદ્દો જ નથી અને મોંઘવારીનો મૂળભૂત પાયો એ પેટ્રોલ ડીઝલ છે ઇંધણ એ અગત્યનું પરીબળ છે વાહનવ્યવહારમાં કે સામાન્ય જીવનમાં આ ઇંધણનું ખુબ જ અગત્યનું જીવનજરૂરીયાતની વસ્તુ છે.

જયારે શહેર કોંગ્રેસના પ્રમુખ અશોક ડાંગર અને પૂર્વ પ્રમુખ મહેશ રાજપૂતે નિવેદનમાં કહ્યું છે કે રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચીથરેહાલ છે અને પ્રજા અસલામતીનો અનુભવ કરી રહી છે. હત્યા, અપહરણ અને ચિતી જેવા બનાવો રોજીંદા બની ગયા છે.

અશોક ડાંગર અને મહેશ રાજપૂત યાદીમાં જણાવે છે કે ભાજપ રાજકોટમાં હાર ભાળી ગયો છે. ગત ચૂંટણીમાં કયા બુથ ઉપરથી કોંગ્રેસને લીડ મળી હતી તેની માહિતી એકત્ર કરવામાં આવી રહી હોવાનું તેઓએ જણાવેલ.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ શ્રી ડો.હેમાંગભાઈ વસાવડા અને મહામંત્રી શ્રી જશવંતસિંહ ભટ્ટીની સંયુકત અખબારી યાદી જણાવે છે કે હાલ આ ભાજપની સરકારે છેલ્લા ૫ વર્ષમાં દેશની પ્રજા ઉપર હડહડતો અન્યાય કર્યો છે અને સમગ્ર દેશની જનતા આવા નિર્ણયો ઉપર ત્રાહિમામ પોકારી ગઈ છે ત્યારે દેશના વડપ્રધાન કાળાનાણા પરત લાવવાની વાતમાં અને જી.એસ.ટી. જેવા કર નાખવામાં તદ્દન ખોટા નિર્ણય લઇ અને પ્રજાને હેરાન પરેશાન કર્યા છે તેને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી અન્યાયી નિર્ણયો લેવામાં ભાજપ સરકારની સદંતર નિષ્ફળતા સાબિત કરી હોવાની યાદીમાં જણાવાયું છે.

(4:02 pm IST)