Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

રાધાકૃષ્ણનગર અને લાખાજીરાજ સોસાયટીમાં દરોડોઃ વરલીનો જુગાર રમતા ૪ ઝડપાયા

ભકિતનગર પોલીસે રાજદીપ ચાવડા અને રાહુલ ડાંગરને તથા ક્રાઇમ બ્રાંચે રહેમાન ઉર્ફે બોદુ અને ઇમરાનની ધરપકડ

રાજકોટ તા.૧૬: શહેરના રાધાકૃષ્ણનગર મેઇન રોડ પર ભકિતનગર પોલીસે બે અને ક્રાઇમ બ્રાંચે દૂધસાગર રોડ પર લાખાજીરાજ સોસાયટી માંથી બે મળી ચાર શખ્સોને વરલીનો જુગાર રમતા પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ રાધાકૃષ્ણનગર મેઇન રોડ પર વિક્રમ પાન પાસે ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. મહેન્દ્રસિંહ ડોડીયા તથા દેવાભાઇ ધરજીયા સહિતે બાતમીના આધારે દરોડો પાડી વરલી ફીચરના આંકડા લખી જુગાર રમાડતો રાજદીપ કાળુભાઇ ચાવડા (ઉ.વ.૨૦) (રહે. જંગલેશ્વર મેઇન રોડ રાધાકૃષ્ણ સોસાયટી-૧૮) તથા રાહુલ પ્રભાતભાઇ ડાંગર (ઉ.વ.૨૬) (રહે. ન્યુ કેદારનાથ સોસાયટી શેરીનં. ૮, કોઠારીયા રોડ) ને પકડી લઇ રૂ. ૩૪૩૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

જયારે બીજા દરોડામાં ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. વિજયસિંહ તથા હેડ કોન્સ. પ્રતાપસિંહ સહિતે દૂધસાગર રોડ લાખાજી રાજ સોસાયટી શેરીનં. ૩માં દરોડો પાડી વરલી ફીચરના આકડા લખી જુગાર રમતા રહેમાન ઉર્ફે બોદુ ઇકબાલભાઇ મલેક (ઉ.વ.૩૫) (રહે. લાખાજીરાજ સોસાયટી શેરીનં. ૩) અને ઇમરાન ગુલામ હુશેનભાઇ ઘાંચી (ઉ.વ.૩૨)ને પકડી લઇ રૂ. ૨૨,૬૯૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(3:48 pm IST)