Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

'તું મારી જ્ઞાતિની નથી' માવતરેથી દસ લાખ લઇ આવ' કહી ધારાબેન રજપૂતને ત્રાસ

સહકાર સોસાયટીની પરિણિતાની ફરીયાદઃ પતિના બીજી સ્ત્રી સાથેના આડા સંબંધથી ત્રાસી અગાઉ બ્લીચીંગ પી લીધું'તું: પતિ સંદીપ, સાસુ નિર્મળાબેન, દિયર ધવલ અને દેરાણી ભાવીશા સામે ગુનો

રાજકોટ તા. ૧૬ :..સહકાર સોસાયટીમાં પ્રેમ લગ્ન કર્યા બાદ પરીણિતાને પતિ, સાસુ, દિયર અને દેરાણી 'તુ અમારી જ્ઞાતીની નથી' અને મકાન માટે દસ લાખની માગણી કરી મારકુટ કરી ત્રાસ આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ શાંતીનગરમાં શ્રીજી એપાર્ટમેન્ટ એ-વીંગ બ્લોક નં. ૪૦૩ માં માવતરે એક માસથી રહેતા ધારાબેન સંદીપભાઇ સિંધવ (ઉ.ર૮) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં સહકાર સોસાયટીની બાજુમાં શેરી નં. ૮ ના છેડે રહેતો પતિ સંદીપ લખધીરભાઇ સિંધવ, સાસુ નિર્મળાબેન લખધીરભાઇ સીંધવ, દિયર ધવલ લખધીરભાઇ સિંઘવ, અને દેરાણી ભાવીશા ધવલ સિંધવના નામ આપ્યા છે. ધારાબેન સિંધવે ફરીયાદમાં જણાવ્યુ છે કે, પોતે સંદીપ સિંધવ સાથે આઠ વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતાં. લગ્નની શરૂઆતથી જ સાસુ નિર્મળાબેન મારી સાથે નાની - નાની વાતમાં ઝઘડો કરી ગાળો આપી મારકુટ કરતા હતાં. અને દિયર ધવલ 'તું મારી જ્ઞાતિની નથી અહીથી ચાલી જા' તેમ કહી માનસીક ત્રાસ આપતા અને દેરાણી ભાવીશા ઘરકામ બાબતે ઝઘડો કરી ત્રાસ આપતા આ બાબતે સસરા અને નાના દિયરે સાસુ અને પતિને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પતિ, સાસુ અને દિયર મારકુટ કરી તુ તારા માવતરે જતી રહે કહેતા પરંતુ પોતે પ્રેમલગ્ન કરેલ હોય જેથી સહન પોતે કરી લેતા હતાં. તેમ છતાં પતિ સંદીપ અવાર નવાર પોતાના પિતાને 'તમે દસ લાખ આપો તો મકાન થઇ જાય તમારી દીકરીને જો રાખવાની હોય તો આ રૂપિયા આપો' તેમ કહેતો હતો. અને બે મહિના પહેલા પતિએ મારકુટ કરી ઘરમાંથી કાઢી મુકી હતી. અગાઉ પતિને કોઇ અન્ય સ્ત્રી સાથે અફેર હોય જેથી પોતે કંટાળી બ્લીચીંગ પી લીધુ હતું. પરંતુ પોતાને  ઘર સંસાર ચલાવવો હોઇ જેથી પતિ વિરૂધ્ધ  કોઇ ફરીયાદ કરેલ નહી બે મહિના પહેલા પોતાના દીકરાના કલાસીસની ફી ભરવા માટે પૈસા માગતા 'તારા પિતાના ઘરેથી લઇ આવ'તેમ કહી ઝઘડો કરી ઘરમાંથી કાઢી મુકી હતી. આથી આ ત્રાસથી કંટાળી પતિ, સાસુ, દિયર અને દેરાણી વિરૂધ્ધ મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા એએસઆઇ એન. સી. ડાંગરે તપાસ આદરી છે.

(3:44 pm IST)