Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

મને ઓળખે છે ને...કહી પેલેસ રોડ પર ભુષણ સોનીને પોરબંદરથી આવેલા ભાઇજીએ કાતરના ઘા ઝીંકી દીધા

આઠ વર્ષથી ચાલતા અબોલાનો ખાર રાખી હુમલોઃ રાજ પ્લાઝાના પાર્કિંગમાં બનાવઃ હુમલો કરી ભરત રાજપરા છનનન

રાજકોટ તા. ૧૬: પેલેસ રોડ પર સોની કામની દૂકાન ધરાવતાં કોપર સીટીના સોની યુવાન પર કોમ્પલેક્ષના પાર્કિંગમાં જ પોરબંદરથી આવેલા તેના સગા ભાઇજીએ કાતરથી હુમલો કરી સાતેક ઘા ઝીંકી દેતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ભાઇજી સાથે વર્ષોથી અબોલા હોઇ તેના મનદુઃખમાં આ હુમલો થયાનું ખુલ્યું છે.

બનાવ અંગે પોલીસે જામનગર રોડ પર વાંકાનેર સોસાયટી પાસે કોપર સીટી-૧૦૪માં રહેતાં અને પેલેસ રોડ પર રાજ પ્લાઝા કોમ્પલેક્ષમાં મા અંબિકા ઓર્નામેન્ટ્સ નામે સોની કામની દૂકાનમાં પિતાજી સાથે બેસીને કામ કરતાં ભુષણ વિનયકુમાર રાજપરા (ઉ.૩૩) નામના સોની યુવાનની ફરિયાદ પરથી પોરબંદર નરસંગ ટેકરી ખાતે રહેતાં તેના ભાઇજી સોની ભરત પ્રફુલભાઇ રાજપરા સામે આઇપીસી ૩૨૪, ૩૭ (૧) ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.

ભુષણ રાજપરાએ ફરિયાદમાં જણાવ્યું છે કે સોમવારે સવારે સવા અગિયારેક વાગ્યે હું મારી દૂકાન જ્યાં છે તે રાજ પ્લાઝાના પાર્કિંગમાં એકટીવા પાર્ક કરતો હતો ત્યારે મારા ભાઇજી ભરતકુમાર પ્રફુલભાઇ રાજપરા પોરબંદરથી આવ્યા હતાં અને કાંઠલો પકડી 'મને ઓળખે છે?' તેમ પુછતાં મેં હા તમને ઓળખું છું તેમ કહેતાં જ તેણે લોખંડની કાતરથી હુમલો કરી પેટમાં ઘા કર્યો હતો. હું નીચે પડી ગયો એ પછી પણ તેણે કાતરથી હુમલો કરવાનું ચાલુ રાખ્યું હતું. મેં બચાવ માટે મારા હાથ-પગ આડા નાંખ્યા હતાં. દેકારો થતાં મારા ઓળખીતા રવિભાઇ આવી ગયેલ અને મને છોડાવ્યો હતો.

એ પછી હું ભાગીને મારી દુકાને પહેલા માળે ગયો હતો. ત્યારબાદ મારા ભાઇજી ભાગી ગયા હતાં. મારા પિતા વિનયભાઇ હાજર હોઇ મને રિક્ષામાં બેસાડી વોકહાર્ટ હોસ્પિટલમાં લાવ્યા હતાં. મને જમણી બાજુ બગલની નીચે તથા ડાબા ખભે અને ડાબી કલાઇ પર તથા પેટના ડાબા ભાગે ઉપરાંત જમણા સાથળમાં ઇજા થતાં ટાંકા લેવા પડ્યા છે.

ભુષણે પોલીસને વધુમાં જણાવ્યું છે કે અમારે આઠેક વર્ષથી ભાઇજી ભરત રાજપરા સાથે બોલવાના વ્યવહાર નથી. અગાઉ પણ અમારી વચ્ચે બોલાચાલી થઇ હતી. તેનો ખાર રાખી તેણે અચાનક દૂકાનના પાર્કિંગમાં આવી કાતરના ઘા ઝીંકી દીધા હતાં. એ-ડિવીઝનના હેડકોન્સ. આર. એલ. વાઘેલાએ ગુનો નોંધી ભાગી ગયેલા હુમલાખોરને પકડવા તપાસ હાથ ધરી છે.

(3:44 pm IST)