Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

પૂજય રણછોડદાસજી મહારાજનો કાલે નિર્વાણદિન નહિ, સ્વધામગમનનો દિવસ

'મેં મરા નહિ હું, મેરોમેં કોઇ ઘટા-બઢી નહીં હુઇ' સ્વયં ગુરૂદેવના શબ્દો : સદ્દગુરૂ આશ્રમે કાલે વિશેષ પૂજન અર્ચન : શુભ સંદેશની ઉદ્દઘોષણા : મહાપ્રસાદ

રાજકોટ તા. ૧૬ : આશ્રમ રોડ પર માનવ સેવા અને ગૌ સેવાની પ્રવૃત્તિઓથી ધમધમતા તીર્થધામ સમાન શ્રી સદ્દગુરૂ પૂ. રણછોડદાસજી મહારાજના આશ્રમમાં કાલે તા. ૧૭ ના બુધવારે ગુરૂદેવના 'મેં મરા નહીં હું, મેરે મેં કોઇ ઘટા- બઢી નહીં હુઇ હૈ' સ્વમુખે ઉચ્ચારાયેલા સંદેશાને ઘોષિત કરી નિર્વાણદિન નહીં પણ સ્વધામગમન  દિવસની ઉજવણી કરાશે.

શ્રી કૃષ્ણ અને શ્રી રામની જેમ જ સદ્દગુરૂ ભગવાન અસંખ્ય ભકતજનોને દર્શન દઇ સ્વધામાસ્થ થવા અંતર્ધ્યાન થયા અને અમુક દિવસો પછી તેઓના અનુયાયી અને સેવા ચાકરી કરતા કુમુદબેનને પ્રત્યક્ષ દર્શન દઇને ભકતનો માટે સંદેશો આપેલ કે 'મેં મરા નહીંં હું, મેરેમેં કોઇ ઘટા- બઢી (વધ ઘટ) નહીં હુઇ'

એમણે ખુદ આપેલ સંદેશ મુજબ કાલે તા. ૧૭ ના નિર્વાણ દિવસને બદલે સ્વધામગમન દિવસની ઉજવણી આશ્રમ ખાતે કરાશે. સવારે મંગળા આરતી બાદ ૮.૩૦ વાગ્યાથી ગુરૂદેવનું પૂજન અર્ચન અને બાદમાં 'મેં મરા નહીં હું' ના શુભ સંદેશની ઉદ્દઘોષણા કરાશે. બાદમાં ભાવિક ભકતો, સંતો મહંતો માટે મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલ છે.

ગુરૂદેવની ચરણ પાદુકાના સ્પર્શનો લ્હાવો પણ કાલે સૌ ભાવિક ભકતોને પ્રાપ્ત થશે.

મહાસમાધિ દિવસ નિમિતે બ્રહ્મ ચોર્યાસી (બ્રહ્મ ભોજન) દક્ષિણા સાથે રાખેલ છેે. જેનો સમય બપોરે ૧૧.૩૦ થી ૨ સુધી છે. ગુરૂ ભાઇ બહેનો માટે મહાપ્રસાદ ૧૧.૩૦ થી ર સુધી રાખેલ છે.

છેલ્લા ૧૫ દિવસથી શ્રી રામનવમી તહેવાર નિમિતે આશ્રમમાં ૫૦૦ સંતો મહંતોની પધરામણી થઇ છે. શ્રીરામચરીત માનસ અખંડ પાઠ થયા હતા. જે દરમિયાન સવાર સાંજ નાસ્તાથી માંડીને બપોરે અને રાત્રીના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સંસ્થાના ટ્રસ્ટી પ્રવિણભાઇ વસાણી કાલે ગુરૂદેવના સંદેશની ઉદ્દઘોષણા કરશે. તેમા વરીષ્ઠ પત્રકાર કાંતિભાઇ કતિરા સાથ આપશે. આ દુર્લભ અવસરનો ધર્મપ્રેમીજનોએ લાભ લેવા રાજુભાઇ પોબારૂ અને ટ્રસ્ટીઓએ અનુરોધ કરેલ છે.

(3:38 pm IST)