Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

રાજકોટમાં ભરબપોરે હિલ સ્ટેશન જેવું વાતાવરણઃ ગમે ત્યારે વરસાદ તૂટી પડે તેવો માહોલ

ઘનઘોર વાદળો છવાયા, ઠંડા પવન ફૂંકાય છે : ચોમાસા જેવો માહોલ : ગરમીમાં ૧૦ થી ૧૧ ડિગ્રી જેવો ઘટાડો : આજે રાજયના અનેક શહેરોમાં સામાન્ય વરસાદની હવામાન ખાતાની આગાહી : માછીમારોને દરિયો ન ખેડવા સુચના : દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં તોફાની પવન ફૂંકાશે

રાજકોટ, તા. ૧૬ : છેલ્લા ૨-૩ દિવસથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. રાજયના અનેક શહેરોમાં બિન મૌસમ વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. ગઈકાલે રાત્રીના અને આજે આ લખાય છે ત્યારે બપોરે ૩ વાગ્યા સુધીમાં પણ ૨ થી ૩ સ્થળોએ કમોસમી વરસાદ પડ્યાનું જાણવા મળે છે.

રાજકોટ શહેરમાં પણ છેલ્લા બે દિવસથી ધાબડીયુ વાતાવરણ જોવા મળેલ. દરમિયાન આજે સવારે રાજકોટ શહેરના અમુક વિસ્તારોમાં હળવા છાંટા વરસ્યા હતા. ત્યારબાદથી ધૂપ - છાંવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. દરમિયાન બપોરે ૨:૩૦ વાગ્યાની આસપાસ વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે અને આ લખાય છે ત્યારે જાણે ચોમાસાની સીઝન હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે અને આકાશમાં ઘનઘોર વાદળો છવાયા છે. ગમે ત્યારે કમોસમી વરસાદ તૂટી પડે તેવો માહોલ સર્જાયો છે.

બપોરે ૩ વાગ્યે હવામાન ખાતામાં નોંધાયેલ આંકડા મુજબ મહત્તમ તાપમાન ગગડીને ૨૯.૪ ડિગ્રીએ પહોંચી ગયું છે. તો ૨૮ કિ.મી.ની ઝડપે ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. માત્ર એક જ દિવસમાં ગરમીનો પારો ૧૦ થી ૧૧ ડિગ્રી જેટલો ઘટી ગયો છે. ગમે ત્યારે વરસાદ પડે તેવું વાતાવરણ સર્જાયુ છે.

(3:36 pm IST)