Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

'સૂરજે' આચાર સંહિતા હળવી કરી ! વાદળછાયા વાતાવરણથી બપોર વચ્ચે પ્રચારની અનુકુળતા

મતદાન પૂર્વેના દિવસોમાં અચાનક તાપ હળવો થઈ જતા ઉમેદવારોને રાહત : ગઈકાલે બપોરે તાપમાન ૩૬ ડીગ્રી હતુ, આજે બપોરે ૨૯ ડીગ્રીઃ વરસાદ આવે તો વિક્ષેપ

રાજકોટ, તા. ૧૬ :. રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પ્રક્રિયા શરૂ થઈ તે વખતથી ઉનાળો બરોબર જામી ગયેલ પરંતુ અચાનક વાતાવરણમાં પલ્ટો થતા ઉમેદવારો તેમજ રાજકીય પક્ષોને પ્રચારમાં અનુકુળતા થઈ છે. એપ્રિલના આરંભે તાપમાન ૪૨ ડીગ્રી આસપાસ પહોંચી જતા બપોર વચ્ચે પ્રચાર ફરજીયાત થંભાવી દેવો પડતો. ગઈકાલથી કુદરતી વાતાવરણ બદલાયુ છે. સખત તાપ અચાનક ગાયબ થઈ ગયો છે. તેના કારણે ઉમેદવારો બપોર વચ્ચે જુદા જુદા વિસ્તારોમાં પ્રચારમાં જઈ શકે તેવી કુદરતી અનુકુળતા થઈ છે. રાજકોટ સહિત ઘણા વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ થઈ ગયુ છે. જો વરસાદ પડશે તો ચૂંટણી પ્રચારમાં વિક્ષેપ સર્જાશે.

એપ્રિલના આરંભે સખત તડકો પડતો હતો. બપોર વચ્ચે રાજમાર્ગો ઉપર પાંખી હાજરી રહેતી અને પરાવિસ્તારો સુમસામ થઈ જતા. બપોરે ૧૨ થી ૫ વચ્ચે લોકસંપર્ક કરવાનું કે સભા સંમેલન યોજવાનું પ્રમાણ નહિવત થઈ ગયુ હતું. રાજ્યમાં ૨૩ એપ્રિલે મતદાન છે. મતદાન પૂર્વેના દિવસોમાં વાતાવરણમાં કુદરતી બદલાવ આવતા ચૂંટણી પ્રચારકો માટે અનુકુળતા થઈ ગઈ છે. આજે બપોર વચ્ચે પણ પ્રચારની દોડધામ જોવા મળે છે. રાજકોટમાં ગઈકાલે બપોરે ૨.૩૦ વાગ્યાની સ્થિતિએ તાપમાન ૩૬ ડીગ્રી હતુ  તે આજે એ જ સમયે ૨૯ ડીગ્રી જેટલુ થઈ ગયુ છે. સવારે કયાંક વરસાદી છાંટણા થયેલ. બપોર વચ્ચે વાતાવરણ શિયાળાના પ્રારંભ જેવુ છે. સૂરજે અચાનક આચાર સંહિતા હળવી કરી નાખતા ઉમેદવારો અને કાર્યકરો તેનો લાભ લેવા પ્રયત્નશીલ બન્યા છે.

(3:35 pm IST)