Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

પ્રજાનાં પ્રશ્નોમાં કોર્પોરેટરોને ઓછો રસ! જનરલ બોર્ડમાં માંડ ૨૦ કોર્પોરેટરોનાં પ્રશ્નો હોય છે

૨૦૧૫ થી ૧૯ સુધીમાં કુલ ૨૫ બોર્ડ યોજાયા જેમાંથી ૪ ખાસ બોર્ડ મળ્યાઃ જનરલ બોર્ડમાં મોટા ભાગે પ્રશ્નો ચર્ચાતા નહી હોવાથી હવે કોર્પોરેટરો પ્રશ્નો પૂછવાનુ ટાળી રહ્યા છેઃ બોર્ડમાં શાસકો અને વિપક્ષ વચ્ચે માત્ર રાજકિય આક્ષેપબાજીઓ

રાજકોટ, તા., ૧૬: શહેરીજનોની પ્રાથમીક સુવિધાઓનાં રોજીંદા પ્રશ્નો ઉકેલવા સહીતની જેઓની જવાબદારી છે. તેવો પ્રજાનાં પ્રતિનિધિઓ એટલે કે કોર્પોરેટરોને જાણે પ્રજાનાં પ્રશ્નોમાં કોઇ રસ ન હોય તે પ્રકારે ધીમે-ધીમે જનરલ બોર્ડમાં પ્રજાનાં પ્રશ્નો રજુ કરવાનું ૭ર પૈકી મોટાભાગનાં કોર્પોરેટરોએ બંધ કરી દીધું છે.

પરીણામે છેલ્લા બે વર્ષથી માંડ ર૦ જેટલા કોર્પોરેટરો જ બોર્ડમાં પ્રશ્નો રજુ કરે છે. આ બાબતે કેટલાક કોર્પોરેટરો એવો બચાવ કરે છે કે જનરલ બોર્ડમાં પ્રજાનાં પ્રશ્નોની ચર્ચા થતી જ નથી. માત્ર શાશક પક્ષ અને વિપક્ષ વચ્ચે રાજકીય આક્ષેપબાજીઓ થતી રહી છે. આ કારણે પણ અનેક કોર્પોરેટરો જનરલ બોર્ડમાં પ્રજાના પ્રશ્નો રજુ કરવાનું ટાળે છે.

શહેરીજનોના વિવિધ પ્રશ્નો માટે રાજકોટ મ્યુ. કોર્પોરેશનની દર બે મહિને સામાન્ય સભા (જનરલ બોર્ડ) મળતી હોય છે. આ જનરલ બોર્ડમાં સભાના સભ્યો એટલે કે કોર્પોરેટરોએ પુછેલા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવે છે. મ્યુ. કમિશ્નર દ્વારા તેની વિસ્તૃત માહીતી આપવામાં આવતી હોય છે. પરંતુ આ ટર્મમાં એટલે કે ર૦૧પ થી ર૦૧૯ સુધીમાં જનરલ બોર્ડ ર૧ અને ખાસ બોર્ડ ૦૪ સહીત કુલ રપ બોર્ડ મળ્યા છે.

૧૯ એપ્રિલ ર૦૧૮ના યોજાયેલ બોર્ડમાં ર૦ કોંગ્રેસ અને ૧૧-ભાજપ સહીત કુલ ૩૧ કોર્પોરેટરો દ્વારા ૮ર પ્રશ્નો સૌથી વધુ પુછવામાં આવ્યા હતા. જયારે ૧પ જુન ર૦૧૮ ની સામાન્ય સભામાં ભાજપના ૧૧ કોર્પોરેટરો તથા કોંગ્રેસના ૪ કોર્પોરેટરો સહીત કુલ ૧પ સભ્યો દ્વારા રર પ્રશ્નો ચર્ચાયા હતા. જે અઢી ીવર્ષમાં  સૌથી ઓછા પ્રશ્નો પુછાયા હતા.

મ્યુ. કોર્પોરેશનની ર૦૧પ માં યોજાયેલ ચુંટણી બાદ ૧૮ જુન ર૦૧૬માં આ ટર્મનું પ્રથમ બોર્ડ મળ્યું હતું. આ સભામાં ર૯ કોર્પોરેટરો દ્વારા ૬૧ પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. ત્યાર બાદ બીજા બોર્ડમાં ર૪ કોર્પોરેટરો દ્વારા પર પ્રશ્નો રજુ થયા હતા. આમ ધીમે ધીમે જનરલ બોર્ડમાં કોર્પોરેટરો દ્વારા લોકપ્રશ્નોની ચર્ચામાં ઘટાડો જોવા મળી રહયો છે.

છેલ્લા એક વર્ષથી જનરલ બોર્ડમાં શાસકો-વિપક્ષ વચ્ચે માત્ર રાજકીય આક્ષેપબાજીઓ થતી હોય ત્યારે મોટા ભાગે પ્રશ્નો ચર્ચાતા નહી હોવાથી કોર્પોરેટરો પ્રશ્નો પુછવાનું ટાળી રહયા છે.

આચારસંહિતામાં દરખાસ્તો  રહે છે પેન્ડીંગ

લોકસભા, વિધાનસભા કે મ્યુ. કોર્પોરેશનની ચુંટણીની આચારસંહિતા લાગુ હોય ત્યારે જનરલ બોર્ડ બોલાવામાં આવે છે. પરંતુ પ્રશ્નો ચર્ચાતા નથી અને દરખાસ્તો પેન્ડીંગ રાખવામાં આવે છે.

ખાસ બોર્ડ

મ્યુ. કોર્પોરેશનની સાધારણ દ્વિમાસીક સભા દર બે મહિને  મળતી હોય છે. પરંતુ કોઇ સૈધ્ધાંતીક નિર્ણય, અરજન્ટ દરખાસ્ત કે બજેટ માટે સ્પે. બોર્ડ બોલાવવામાં આવે છે. આ બોર્ડમાં પ્રશ્નોતરીની ચર્ચા થતી નથી. માત્ર દરખાસ્તો અંગે નિર્ણય કરવામાં આવે છે.

 

 

(3:32 pm IST)