Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

કાલે મહાવીર સ્વામી જન્મ કલ્યાણક ભાવભેર ઉજવાશે

પૂ. ગુરૂ ભગવંતો દ્વારા વ્યાખ્યાન : જીનાલયોમાં શણગાર : પ્રભુજીને મનમોહક આંગી : જૈન સમાજ દ્વારા પ્રભાત ફેરી, શોભાયાત્રા, ભકિત સંગીત સહિતના ધાર્મિક આયોજનો

રાજકોટ, તા. ૧૬ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં કાલે ભગવાન મહાવીર જન્મ કલ્યાણકની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોમાં શોભાયાત્રા, સમૂહ ભોજન, પ્રવચન, પ્રભાતફેરી યોજાશે.

ચૈત્રસુદ ૧૩ એટલે જૈન ધર્મના ૨૪માં તીર્થકર શ્રી મહાવીર સ્વામીનું જન્મ કલ્યાણ પર્વ, આ પર્વને જન્મદિવસ કે જન્મજયંતિ ન કહેવાય પણ જન્મ કલ્યાણક કહેવાય છે. તેનું કારણ એ છે કે તીર્થ પરમાત્માનો જન્મ વિશ્વના સર્વ જીવોનું કલ્યાણ કરનારો છે. પ્રભુએ જન્મ ધારણ કરીને અજન્મા બનવાની સાધના કરી, જન્મ મરણના ચક્કરમાંથી કાયણ માટે મુકત બન્યા. મહાવીર સ્વામીએ જગતને અહિંસા, અનેકાન્તવાદ અને અપરીગ્રહના અણમોલ સંદેશ આપ્યા. વનસ્પતિના પાંદડામાં અને પાણીના ટીપામાં પણ જીવ છે તેવુ સૂક્ષ્મ જીવ વિજ્ઞાન તેમણે પોતાના જ્ઞાનના પ્રકાશમાં જોઈને વિશ્વને બતાડ્યુ. ગ્લોબલ વોર્મીંગની સમસ્યાથી ગ્રસ્ત બનેલી દુનિયાને મહાવીર સ્વામીની અહિંસાનો સંદેશ જ સાચુ માર્ગદર્શન આપી શકે. જળ, જમીન, જંગલ અને જનાવરની રક્ષા એ પર્યાવરણની રક્ષા માટેનો એક માત્ર ઉપાય છે.

તે જ રીતે લડતી જગડતી દુનિયાએ પ્રભુ મહાવીરનો અનેકાન્તવાદનો સંદેશ કાન ધરીને સાંભળવા જેવો છે. ગરીબી, બેકારી જેવી હજારો સમસ્યાઓનું મુળ સંગ્રહ અને પરીગ્રહની વૃતિમાં પડેલુ છે. મહાવીર સ્વામીના અપરિગ્રહના સંદેશને જો જીવનમાં સ્થાન આપવામાં આવે તો અશાંતિ, ટેન્શન, ડીપ્રેશન જેવી તકલીફોને કોઈ અવકાશ જ ન મળે.

મુખ્ય ધર્મયાત્રા- ધર્મસભા

જૈનમ્ દ્વારા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિને તા.૧૭ને બુધવારનાં રોજ ભવ્યાતિત વીર પ્રભુની ધર્મયાત્રા 'ત્રિશલાનંદન વીરકી, જય બોલો મહાવીર કી'ના ગગન ભેદી નાદ સાથે યોજાશેે. સવારે ૮ કલાકે મણીઆર દેરાસર (ચૌધરી હાઈસ્કુલ), શારદા બાગ, આકાશવાણી રોડ, અકિલા સર્કલ (જીલ્લા પંચાયત ચોક), ડો.યાજ્ઞિક રોડ, સરદારનગર મેઈન રોડ, મહાવીર સ્વામી ચોક, હેમુ ગઢવી હોલ ખાતે સવારે ૧૦ કલાકે પહોંચી ધર્મયાત્રા મહાવીરનગરી ખાતે વિશાળ ધર્મસભામાં પરિવર્તીત થશે તેમ જણાવાયું હતું.

ધર્મયાત્રામાં પૂજનીય સાધુ ભગવંતોની પાવન નિશ્રામાં ૨૪ આકર્ષક ફલોટ્સ સાથે બહોળી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ જોડાશે.  આ ધર્મયાત્રામાં પ્રભુવીરના જીવનદર્શનને લગતા ફલોટસ, જૈન સમાજ દ્વારા થતી ધાર્મિક-સામાજિક પ્રવૃતિઓના ફલોટસ, જીવદયાના ફલોટસ સામેલ થશે. ઉપરાંત ધર્મયાત્રાનાં રૂટ ઉપર આકર્ષક અને મનમોહક રંગોળી, ભગવાનનો રથ, ધર્મધજા, સુશોભીત કરેલ કાર-બાઈક સવારો, કળશધારી બાળાઓ, બેડાધારી બહેનો, બાળકોની વેશભુષા, રાસની રમઝટ બોલાવતી રાસ મંડળી, સુરાવલી રેલાવતા બેન્ડ પાર્ટી સાથે ભવ્ય ધર્મયાત્રા નિકળશે. જીલ્લા પંચાયત (અકિલા)ચોક ખાતે ૧૦૦ થી વધુ બાળકો દ્વારા વેશભુષા રજુ કરાશે જેમાં જોડાનાર તમામ બાળકોને ઈનામો આપી પ્રોત્સાહીત કરાશે.

ફલોટસ બનાવનાર તમામને રૂ.૯૦૦૦ ની સબસીડી આપવામાં આવશે. ઉપરાંત ફલોટસમાં શ્રેષ્ઠ પાંચ ફલોટસને ઇનામો આપવામાં આવશે.  ધર્મયાત્રાની શરૂઆતમાં લકકી ડ્રોની ટીકીટો આપવામાં આવશે. જેનો ડ્રો ધર્મસભામાં કરવામાં આવશે.

હેમુ ગઢવી હોલ ખાતે રાજકોટમાં બિરાજમાન સ્થાનકવાસી, મૂર્તિપૂજક સંઘોનાં સાધુ-સાધ્વીજીઓ આશિર્વચન ફરમાવશે. સાથે સાથે વકતા શ્રી પંડીત સુનીલભાઈ શાસ્ત્રી ધર્મસભાને સંબોધશે.

શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘ, શ્રી રાજકોટ જૈન તપગચ્છ સંઘ (માંડવી ચોક દેરાસર), શ્રી રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ, શ્રી શાલીભદ્ર સરદારનગર જૈન સંઘ, શ્રી સદર સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી આનંદનગર સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, શ્રી રામકૃષ્ણનગર સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી ભકિતનગર સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી ગીતગુર્જરી સ્થાનકવાસી જૈન ઉ૫ાશ્રય,  શ્રી ગોંડલ રોડ વેસ્ટ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય વિ. સંઘ જોડાયા છે.

આજે રાત્રે ભકિત સંગીત

શ્રમણ ભગવાન મહાવીર સ્વામિ જન્મ કલ્યાણકની ઉજવણીના ભાગરૂપે આજે   મંગળવારે રાત્રે ૮ વાગે મહાવીરનગરી બાલભવન, કિશાનપરા ચોક સામેના ગેટે થી, રેસકોર્સ ખાતે જૈન વિઝન તથા જૈન અગ્રણીઓના સહયોગથી આવો રે આવો મહાવીર નામ લઈએ ભકિત સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. આ વખતે કાર્યક્રમ માં પ્રભૂવીરના સ્તવનો સાથે રાસ ઉત્સવ રજૂ કરવામાં આવશે.

જેમાં એક જન્મ્યો રાજ દુલારો દુનિયાનો તરણહારો,એક ઘડી પ્રભુ ઉર એકાંતે, તમે મન મૂકીને વરસ્યો, અમી ભરેલી નજરૃં રાખો, જીણો રે જીણો ઊડે રે ગુલાલ રજુ થશે.

ભકિત સંગીત સંધ્યા કાર્યક્રમો જાણીતા સ્તવનકાર અંકુરશાહ, ભાસ્કર શુકલ, નીધિ ધોળકિયા તથા સાથીઓ પ્રભુવીરના સ્ત્વનો મધુર કંઠે રજૂ કરશે. કાર્યક્રમ નું સંચાલન ડો. મેહુલ દવે કરશે. ભકિત સંગીત કાર્યક્રમનું નિર્માણ અને નિર્દેશન જૈન વિઝનના સંયોજક મિલન કોઠારી કરી રહ્યા છે.

 સમગ્ર કાર્યક્રમને સફળ બનાવા ભરત દોશી, પ્રોજેકટ ચેરમેન જય ખારા, પ્રોજેકટ ડાયરેકટર જય કામદાર, ધીરેન ભરવાડા, બ્રિજેશ મહેતા, રજત સંઘવી, હિતેષ મહેતા, જેનીશ અજમેરા, વિભાષ શેઠ, અખિલ શાહ, કેતન દોશી, આશિષ ગાંધી, ધ્રુમિલ પારેખ, નૈમિષ પૂનાતર, વિપુલ મહેતા સહિતના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.

જાગનાથ દેરાસર

શ્રી રાજકોટ જૈન તપગચ્છ સંઘ (દાદાવાડી) સંચાલિત શ્રી મહાવીર સ્વામી જિનાલય (જાગનાથ જિનાલય)માં તા.૧૭ના રોજ વીર પ્રભુજી મહાવીર સ્વામીના જન્મકલ્યાણક પ્રસંગે શ્રી જાગનાથ જિનાલયમાં બિરાજમાન મૂળનાયક શ્રી મહાવીર સ્વામીને ભવ્યાતિ ભવ્ય અંગરચના હીરા, મોતી, સોના, રૂપાની ભવ્ય આંગી રચાશે.

સાંધ્યાકાળે સંગીતના સથવારે ભકિતમય વાતાવરણમાં વીરપ્રભુને તથા શ્રી આદેશ્વરદાદા તથા શ્રી મણીભદ્રવીરની ભવ્ય આરતીનું આયોજન કરાયુ છે. જેમાં જૈન ભકિતકારો સર્વશ્રી શૈલેષભાઈ વ્યાસ, ધર્મેશભાઈ દોશી તથા ભવ્ય દોશી દ્વારા જૈન સ્તવનોની રમઝટમાં ભાવિકોને ભકિતરસમાં તરબોળ કરશે. સાંજના ૭:૩૦ થી રાત્રીના ૧૧:૩૦ ભકિત સંગીતનો કાર્યક્રમ રહેશે.

જાગનાથ જિનાલયની ભવ્યાતિભવ્ય મહાપુજાને પોતાના આર્શિવર્ચન તથા માંગલીક ફરમાવશે. પ.પૂ.આચાર્ય ભગવંત શ્રી યશોવિજયજી મ.સા.આ પ્રસંગે રાજકોટમાં બિરાજમાન સર્વે સાધુ- સાધ્વીજી ભગવંતો દર્શનાથે પધારશે.

મહાપુજામાં જાગનાથ જિનાલયના સહકન્વીનર શિતલભાઈ દોશી, ટ્રસ્ટીશ્રી જયંતભાઈ મહેતા, મુકેશભાઈ દોશી, જયેશભાઈ દોશી, શશીકાંતભાઈ વાઘર, કારોબારી સભ્યોશ્રી કમલેશભાઈ લાઠીયા, રાજુભાઈ લોદરીયા, દિલીપભાઈ પારેખ, કેવિન દોશી, શ્રેણીક દોશી, ભરતભાઈ મહેતા સર્વેએ મહાપુજા તથા આંગીની જવાબદારી સંભાળી તૈયારીઓ કરી રહ્યા છે. આ મહાપુજા તથા આંગી દર્શન સાંજના ૬ થી રાત્રીના ૧૨ સુધી યોજવામાં આવેલ છે.

દરેક જૈન- જૈનેતરોને વીરપ્રભુના દર્શને સહપરિવાર- મિત્રમંડળ સાથે પધારી પોતાના જીવનને ધન્ય બનાવવા તેમજ ભકિતરસ માણવા- પ્રભુભકિત કરવા પધારવા શ્રી રાજકોટ જૈન તપગચ્છ સંઘ પ્રમુખ જીતુભાઈ ચાવાળા તેમજ શ્રી જાગનાથ જિનાલયના કન્વીનર તરૂણભાઈ કોઠારી, શ્રી દાદાવાડી સંઘના, ઉપપ્રમુખશ્રી પંકજભાઈ કોઠારી, સહકન્વીનરશ્રી શિતલભાઈ દોશી તથા ટ્રસ્ટી શ્રી જયંતભાઈ મહેતા આંગીના દર્શને પધારવા અપીલ કરી છે.

સ્થા.સમાજ દ્વારા પદયાત્રા

 શ્રી રાજકોટ બૃહદ સ્થા. જૈન સંઘો આયોજીત ભગવાન મહવીર જયંતિ અવસરે પ્રભાતફેરીનું આયોજન કરી પ્રભુ ની કૃપા પ્રત્યે સ્થાનકવાસી પ્રણાલિકા અનુસાર ભાવઅર્પણ દ્વારા અહોભાવ વ્યકત કરવા કાલે બુધવાર તા ૧૭ને સવારે૬ . ૪૫ કલાકે ત્રિકોણ બાગે એકત્રિત થઈ  ૭કલાકે પ્રસ્થાન કરી ભુપેન્દ્ર  રોડ, રાજશ્રી સિનેમા, સ્વામીનારાયણ મંદિર થઈને વિરાણી પૌષધશાળા ૭ .૩૦ કલાકે પહોંચશે. ત્યાં બિરાજિત પૂજય મહાસતીજી મંગલાચરણ ફરમાવશે. ભાઈઓએ સફેદ વસ્ત્રો , બહેનોએ લાલ વસ્ત્રો ધારણ કરવાના રહેશે તેમજ મુહપત્તિ જે સ્થા.પરંપરા મુજબ છે. આ અવસરે વિવિધ રોકડ લકકી ડ્રો તેમજ ધર્મ પ્રભાવનાનું આયોજન પણ રાખેલ છે.

ધર્મયાત્રા રૂટઃ સવારે ૮ કલાકે મણીઆર દેરાસર (ચૌધરી હાઈસ્કુલ), શારદા બાગ, આકાશવાણી રોડ, શ્રીમદ્દ રાજચંદ્ર મંદિર, અકિલા સર્કલ (જીલ્લા પંચાયત ચોક), ડો.યાજ્ઞિક રોડ, સરદારનગર મેઈન રોડ, મહાવીર સ્વામી ચોક, હેમુ ગઢવી હોલ ખાતે સવારે ૧૦ કલાકે પહોંચી ધર્મયાત્રા મહાવીરનગરી ખાતે વિશાળ ધર્મસભામાં પરિવર્તીત થશે

(4:00 pm IST)