Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

સગીરાના અપહરણ - દુષ્કર્મના કેસમાં આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. ૧પઃ અત્રેના સ્પેશ્યલ પોકસો તથા એડી. સેસન્સ જજ શ્રી ડી. ડી. ઠકકરે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરવાના ગુન્હાના આરોપી મયુર ભગવાનજીભાઇ શેઠીયાને જામીન ઉપર મુકત કરતો હુકમ ફરમાવેલ છે.

બનાવની ટૂંક હકીકત એવી છે કે ગત તા. ૧૪-૩-ર૦૧૯ના રોજ રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશનમાં રાજકોટના ૧પ૦ ફુટ રીંગ રોડ ખાતે રહેતી પીડીતાની માતાએ કાલાવડ તાલુકાના કૃષ્ણપુર ગામના રહેવાસી મયુર ઉર્ફે મેહુલ ભગવાનજીભાઇ શેઠીયા વિરૂધ્ધ આઇ.પી.સી.ની કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ તથા પોકસોની કલમ ૬ મુજબની ફરીયાદ નોંધાવેલ હતી ત્યારબાદ તાલુકા પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરે.

ફરીયાદમાં કરવામાં આવેલ આક્ષેપો મુજબ આરોપીએ ફરીયાદીની સગીર પુત્રી ને લલચાવી ફોસલાવી ભગાડીને લઇ જઇ તેના ઉપર દુષ્કર્મ આચરેલ હોવાની હકીકતો જણાવેલ હતી.

ત્યારબાદ આરોપીએ તેના વકીલ સંજય એચ. પંડિત મારફત સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરતા જામીન અરજીની સુનવણી દરમ્યાન આરોપીના વકીલશ્રીએ કરેલ દલીલો અને રજુ રાખેલ વડી અદાલતના ચુકાદાઓને ધ્યાને લઇ પોકસો સ્પેશ્યલ જજશ્રી ડી. ડી. ઠકકરે આરોપીને જામીન ઉપર મુકત કરતો હુકમ ફરમાવેલ છે.

આ કામે આરોપી વતી એડવોકેટ સંજય એચ. પંડિત, બલરામ પંડિત, ભાવીષા પંડિત, નીલેષ ખુમાણ, મહેશ પુંઘેરા, રણજીત ચાવડા, રિધ્ધી રાજા, ગૌતમ શિરવાણી વીગેરે રોકાયેલ હતા.

(3:55 pm IST)