Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

રાંદરડા તળાવમાંથી પેપર ડીશ, પ્લાસ્ટિક અને દારૂની બોટલો સહિત ચાર ટ્રેકટર ભરીને ૪ ટન કચરો નિકળ્યો

'સ્મેશ ગ્રુપ અને ફોટોગ્રાફી કલબ દ્વારા જળાશયોમાં સ્વચ્છતા' અભિયાન હેઠળ

જળાશયોની ગંદકી દૂર કરવાની અનેરી સેવાઃ શહેરની સેવાભાવી સંસ્થા 'સ્મેશ ગ્રુપ' દ્વારા શહેરને પાણી પુરૂ પાડતા જળાશયોની ગંદકી દૂર કરવા સ્વચ્છતા અભિયાન શરૂ કરાયુ છે. તે અંતર્ગત રાંદરડા તળાવની સફાઈ કરવામાં આવી તે વખતની તસ્વીરો

રાજકોટ, તા. ૧૫ :. શહેરને પાણી પુરૂ પાડતા રાંદરડા તળાવની સફાઈ દરમિયાન પેપર ડીશ પ્લાસ્ટિક અને દારૂની બોટલો સહિતનો ચાર ટ્રેકટર ભરીને કચરો સેવાભાવી સંસ્થા 'સ્મેશ ગ્રુપ' દ્વારા કાઢવામાં આવ્યો હતો.

આ અંગે સંસ્થાની યાદીમાં જણાવાયા મુજબ સ્મેશ ગ્રુપ આયોજીત ન્યારી-૧ ડેમના સ્વચ્છતા અભિયાનની જ્વલંત સફળતા બાદ ફરી એકવાર તા. ૧૪ મી એપ્રિલ રવિવાર રામનવમીના પવિત્ર દિવસે સવારે ૬.૩૦ વાગ્યે રાજકોટની ભાગોળે દેશ-વિદેશી પક્ષીનું ઘર એવું રાંદરડા તળાવને કિનારે સફાઈ અભિયાન પૂર્ણ કરવામાં આવ્યું. આ દિવસે રાજકોટની ફોટોગ્રાફી કલબ ઓફ રાજકોટ ટીમના દરેક ફોટોગ્રાફર મેમ્બરોનો અભૂતપૂર્વ સહયોગ મળ્યો. આ સંકલ્પના સહભાગી એવા આર.કે. યુનિવર્સિટીના એનએસએસની ટીમનો પણ અભૂતપૂર્વ સાથસહકાર મળ્યો. કુલ ૧૫૦થી વધુ લોકોના બેજોડ સહયોગથી અને બે કલાકની મહેનતથી ટોટલ ૪ ટન જેટલો કચરાનો મનપાના સહકારથી નિકાલ કર્યો છે.

આ તકે જાહેર જનતાને સ્મેશ ટીમ વતી એક અપીલ કરવામાં આવે છે કે રાજકોટની આસપાસના તમામ જળાશયો સાફ કરવા માટે રાજકોટની પ્રજા અભિયાનમાં જોડાય અને એમની એક અઠવાડિયામાં માત્ર એકથી બે કલાક આપે.

આ સફાઈ અભિયાન દરમિયાન લોકો દ્વારા તળાવમાં ફેંકવામાં આવેલા ૭૦૦થી વધુ નાળિયેર, માતાજીની ચૂંદડીઓ, કિનારે થયેલ ધાર્મિકવિધિ પછી ફેંકવામાં આવેલ હાર, દોરા, સદરી તથા ભગવાનની ખંડિત મૂર્તિઓ, છબીઓ, ભગવત ગીતા ગ્રંથ પુસ્તકો, નાસ્તા પછી ફેંકવામાં આવેલી પેપર ડીશો, પ્લાસ્ટિકની ચમચીઓ, કિનારે ઉજવાયેલા જન્મદિવસની કેકનો વેસ્ટ કચરો તથા પ્લાસ્ટિકની બોટલો, દારૂની બોટલો, ફોટા જેવા ચાર ટ્રેકટર ભરી કચરાનો નિકાલ કરવામાં આવ્યો.

કાર્યને સફળ બનાવવા સ્મેશ ટીમના સભ્યો હરસુખ પટેલ, ભાવિન પાંભર, વિમલ સુવાગિયા, ચંદ્રેશ પટેલ, રજની શંખાવરા, નંદન વઘાસિયા, હિતેશ પંડયા, મયંક બાબિયા, મનીષ મકવાણા, અમિત સેદાણી, તુષાર જીવાણી, શમશેરસિંહ અને એમની ટીમના સભ્યો, આર.કે. યુનિવર્સિટીની એનએસએસની ટીમ, રાજકોટ મેડીકલ રીપ્રેઝન્ટેટીવ સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી અને અભિયાનને સફળ બનાવ્યુ હતું.

સ્મેશ ટીમના દરેક અભિયાનમાં રાજકોટ મહાનગરપાલિકાની ટીમનો સહયોગ મળતો રહે છે અને આગામી અભિયાનોમાં પણ બેજોડ સહયોગ મળતો રહે એ સહ સ્મેશ ટીમ વતી હરસુખભાઈ પટેલે ટીમનો આભાર વ્યકત કર્યો હતો.

(3:52 pm IST)
  • કુવાડવામાં વરસાદ ચાલુ : રાજકોટના રૈયા ગામ અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં વરસાદ ચાલુ access_time 4:13 pm IST

  • મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં નમાઝ પઢવાનો હક્ક આપતી પિટિશન સુપ્રીમ કોર્ટએ દાખલ કરી : સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપતા જજમેન્ટને ધ્યાને લઇ પિટિશન દાખલ કરાઈ હોવાનું મંતવ્ય : કેન્દ્ર સરકાર તથા ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનો ખુલાસો માંગ્યો : જાતીય સમાનતા બક્ષતા આર્ટિકલ 14 નો ભંગ કરવા બદલ સુપ્રીમ કોર્ટ જસ્ટિસ શ્રી એસ.એ.બોબડે તથા શ્રી એસ.અબ્દુલ નાઝિરની બેન્ચે નોટિસ પાઠવી access_time 12:17 pm IST

  • તામિલનાડુમાં જબરો રાજકીય ગરમાવો : DMKના લોકસભા ચૂંટણીના થુઠુંકુડી બેઠકના ઉમેદવાર સુ.શ્રી. એમ.કે. કનીમોઝીના ચેન્નાઇ સ્થિત ઠેકાણાઓ પર ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરાયું સર્ચ ઓપરેશન : રાજકીય ઉથલપાથલના એંધાણ access_time 10:56 pm IST